સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/ભોલારામની છબી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

(૧)
ખૂણે બેસી ખાય ને જોઉં તો
ઊભે વગડે ગાય રે, ભોલા!
કેમ કરી તને ઘેર બોલાવી
હેતને કોળિયે સાથ જમાડું?
કેમ કરી તારે એકલ મારગ
હાથમાં લઈને હાથ રમાડું?
હાટ-બજારે સૂનો સમ ને
વગડે પડઘો થાય રે, ભોલા!
અંધકારે ઓળો થઈને
ચાલ, તું જીવ, ખંડેરને ખૂણે,
વાયરે મારા પ્રાણ પરોવી
આવ રે કોઈ અતીતને ધૂણે,
હોઠમાં દૂધિયું હાસ ફોરે ને
કંઠમાં કંઠ સમાય રે, ભોલા!
(૨)
ધરતી અગનઝાળમાં પડી,
ભરતી તારે ગગન ચડી,
દવને પાદર, પ્રેમની ભાદર
ભર કાંઠે તું વહાવ રે, ભોલા!
આભનાં ખેતર ખુલ્લંખુલ્લા,
કોઈ દિશે નહીં વાડ રે, દુલ્લા!
કોણ રોકે તને વાટમાં, ભીતર
ઘણના ઘાવ લગાવ રે, ભોલા!
એ જ તો આપણી પ્રીતની ખૂબી,
મોજમાં ડોલે, જાય જે ડૂબી,
મન મૂકી તારા મોતની વાંસળી
જિંદગીભર બજાવ રે, ભોલા!
મેઘ આષાઢીલો હાથથી ખાલી,
શરદરાસમાં આપતો તાલી.
પંડને તુંયે પૂર કપૂરમાં
મઘમઘાટે મિટાવ રે, ભોલા!
(૩)
આજ તો ભોલા, એમ થવા દે,
જેમને કે’વું હોય કે’વા દે.
મૂછને મરડી, આંખથી કરડી
જાલમસંગ આ જોતા હોય તો
મરને જોતા. ડાયાડમરા, ડોસલા
બોખલે મોઢે હસતા હોય
ને જાણે બધુંય જાણતા હોય
ને ધીરે ગુસપુસોની લાપસી માણતા હોય
ને ત્યારે
મંછારામની સીતલી, વળી
સામતા વાઘરી કેરા છોરા
રામલાના તું
હાથમાં મેળવી હાથ હાલ્યો જા
ભરબજારે
ભે-વિના તલભાર. તું તારે
રૂડા વીવા કેરા મંગળ મન્તર ભણતો
આભના માંડવા હેઠ, સૂરજની સાખે, ભોલા!
મન મૂંગાની પ્રીતના સોનલ તારને વણતો
નીકળી પડ.
ને ત્યાં જ ધડાધડ
લાઠિયું પડશે, માથું ફૂટશે.
ભોલા, ભવની બેડિયું
તડાતડ ન્યાં તૂટશે.
રંગ રે ભોલા, આજ સપરમા દા’ડે,
આતમઘાતે ચડતા ગભરુ જીવને વાડે
મૂળ સોતા તું નાખ ઉખાડી
કારમા ખીલા,
પે’રામણીમાં પ્રેમમાં આપી
ભોલારામની ભેટનાં
સાચાં રાચરચીલાં

[‘કવિલોક’ બે-માસિક : ૧૯૯૮]