સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/માલમી બેઠો રે
Jump to navigation
Jump to search
હરમત હારો મા, હૈયાદૂબળા!
માથે કાં રાખો મલકનો ભાર?
માલમી બેઠો રે હાથ સુકાન લઈ,
બેડી તારી કરી દેશે પાર.
વાયરા ચડે જો વસમા ચૌદિશે,
એમાં વીરા, તારો તે શું વાંક?
મોજાંનો તું ખેલ જોને મોજથી,
રોઈ રોઈ થાવું શેણે રાંક?
ભલેને ઝળૂંબે રાતબિહામણી,
ધન ધન ઢળે છો અંધાર;
માલમી બેઠો છે હાથ સુકાન લઈ,
બેડી તારી કરી દેશે પાર.
“મારા મારા” કહી જેને વળગતો,
ભેરુ તારા મૂઆ ક્યાં આ વેળ?
તારાં તે રખવાળાં કરશે આ સમે
એવું એક નામું તો ઉખેળ!
વંટોળિયા ફૂંકાશે, છાતી ફાટશે,
હાય જાણે જળબંબાકાર!
માલમી બેઠો રે હાથ સુકાન લઈ,
બેડી તારી કરી દેશે પાર.