સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/સ્વામી આનંદને પત્ર
બા બરાબરનાં પટકાયાં. પથારીવશ. પાછાં ધીરેધીરે બેઠાં થાય છે. વચ્ચે થોડા દિવસો બહુ ખરાબ કાઢ્યા. શરીરનો ટૅક્સ આકરો ને તકાદો પઠાણી. ઊતરતી વેળાએ બધુંય ઉઘરાણું અંકે કરાવે. પણ અંદર ઘાટ પાકી ગયો હોય તો બહુ વાંધો આવતો નથી. મારા બાપુજીના બારામાં તો સારણગાંઠના ભયંકર ઉપદ્રવ વખતે પણ તેમને મેં હસતા જોયેલા. દેહને છે ને! મારે શું? — એવી અલિપ્ત આત્મવૃત્તિ તેમને સહજ થઈ પડી હતી. બાને પણ એ જ દિશામાં વળતાં જોઉં છું. ‘રોગ ને શરીર ભલે પોતાનું રોડવી લ્યે, પણ મન, તું મોજ કર!’ — એ રામકૃષ્ણનાં વચનો જિવાતાં જોઉં છું ને ભાથું બાંધું છું — ભવોભવનું. સૌરાષ્ટ્રમાં ‘લોકસાહિત્ય વિદ્યાલય’ ખોલવામાં આવ્યું છે. તેમાં અસલી ગીતોના મૂળ ઢાળ અને ચારણી છંદોની તાલીમ અપાય છે. પણ એ પુરાણાનું સંગ્રહસ્થાન ન બને તો સારું. લોકોનાં ગળાંમાં ગુંજવાને બદલે — રોજના ઉપયોગને ઠેકાણે જેમ સોરઠી ભરતના ચાકળા-ચંદરવાનો ઠઠારો સંમેલનોમાં કરવામાં આવે છે તેમ — સભા-સમારંભોમાં આ ગાયકો ગળાં તાણશે તો ખરો અરથ નહીં સરે. પ્રજાના લોઢઉછાળ સાથે તેનો અનામી ગાયક પણ તેને પોરસ ચડાવતો, ચેતવણી આપતો કે સતમારગ ચાતરે તો ફિટકાર તો સાથે જ ચાલ્યો આવે છે. આ પરંપરા સાવ તૂટી નથી ગઈ. ક્યાંક ક્યાંકથી આ ધીંગી ને ધરખમ પેઢીના પ્રાણ જાગે છે. પણ આ સૂર ઊઠ્યો કે એને ઝીલનારા ને લોકોની રગરગમાં રમતા કરનારા ભાવમસ્ત આડતિયાના વખા પડ્યા છે. વ્યક્તિપૂજા ને અવતારવાદનો અતિરેક આપણે આજ લગણ જોયોજાણ્યો ને એનાં કડવાં ફળ ચાખ્યાં, પણ આ જીવનનાં સાચાં ઊંચાં મૂલ્યો ને શ્રદ્ધાને જ ફગાવી દેનારું નૂગરાપણું ક્યાં લઈ જશે? પોતાની ક્ષુદ્રતાનું કોચલું ભાંગી કોઈ અનંતનો અણસારો દેનારો આ દુનિયાને ખપતો નથી. [‘સ્વામી અને સાંઈ’ પુસ્તક]