સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મગનભાઈ પ્ર. દેસાઈ/ધન્યતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          વર્ધા શિક્ષણ યોજના અંગેનું પહેલું સંમેલન પૂરું થયું પછી ગાંધીજી આવીને વર્ધામાં જમનાલાલજી બજાજના મકાનમાં બેઠા. એક પ્રકારનો નિશ્વાસ નાખીને તે બોલ્યા : “ભગવાને આ કેળવણીની બાબત મને આટલી મોડી કેમ સુઝાડી?” બીજું વાક્ય એ ઈશ્વરભક્તે સુધારીને ઉચ્ચાર્યું કે, “ભગવાનને દોષ દેનાર હું કોણ? ક્યારે શું કરવું જોઈએ અને શું નહીં, તે વસ્તુ એ જાણે છે. અને તેના વખતે તેણે આજે પણ મને સુઝાડી, એના સંકેત પ્રમાણે મને સૂઝી, એનો મારે મન ધન્યવાદ છે.” અને પછી એમણે કહ્યું કે, “મારી બધી જ વસ્તુઓમાં હિંદુસ્તાન માટે મોટામાં મોટી ભેટ હોય તો આ વર્ધા-શિક્ષણનો વિચાર છે.” ત્યાર પછી એ વાક્યને એમણે કદી સુધાર્યું નથી. ભાતભાતનાં દુઃખો સહન કરીને, ગાળો ખાઈને ગાંધીજીએ પુરુષાર્થ કર્યો. કેટલી યાતના, કેટલી ગેરસમજોમાંથી આ માણસનું જીવન પસાર થયું છે! આ બધી વસ્તુઓ યાદ આવે છે ત્યારે, હિંદુસ્તાનના ઇતિહાસની અંદર — આગળ ઉપર ઇતિહાસકાર જેને ભવ્યમાં ભવ્ય યુગ કહેશે એ યુગની અંદર જીવવાનું મળ્યું એ માટે હું ધન્યતા અનુભવું છું. [પોતાના ષષ્ઠિપૂર્તિ સમારંભમાં : ૧૯૫૯]