સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મણિભાઈ પટેલ/જીવનમાં વણાઈ ગયેલું
મુનિશ્રી સંતબાલજીના જીવનમાંથી કેટલીક નાની નાની બાબતો મને સૂક્ષ્મ સત્ય સ્વરૂપે સમજવા મળી હતી : તેમનું પ્રવચન હોય ત્યારે જે સમય નક્કી કર્યો હોય ત્યારે, ભલે એક જ માણસ હાજર હોય તો પણ, તેઓ શરૂ કરી દે, અને નક્કી કરેલા સમયે તે પૂરું કરી નાખે. ઘડિયાળમાં જુઓ તો એક મિનિટ વધુ-ઓછી ન હોય. નિયમિતતાને તેઓ સત્યનો જ ભાગ માનતા. આ રીતે સત્ય તેમના જીવનમાં વણાઈ ગયેલું દેખાતું. સભામાં લોકો ‘સંતબાલજીની જય’નો પોકાર કરે તેનો તેઓ નિષેધ કરતા. તેમની હાજરીવાળી સભામાં દાનનો ફાળો કરાતો નહીં. તેઓ ધનને પ્રતિષ્ઠા આપતા નહીં, એટલે તેમની પ્રેરણાથી ચાલતી સંસ્થાઓ સાથે કોઈ દાતાનું નામ જોડાતું નહીં. તેઓ કહેતા કે આજની ઘણીખરી કમાણી અનૈતિકતાથી થાય છે, એટલે દાન આપનાર તો પોતાનાં કર્મોનું પ્રાયશ્ચિત્ત કરે છે. સંતબાલજીને કોઈ ધર્મની, સાધુસાધ્વીની કે કોઈ પણ વ્યક્તિની ટીકા કરતા મેં કદી સાંભળેલા નથી. એટલું જ નહીં, બીજું કોઈ એવી નિંદા શરૂ કરે ત્યાં તેઓ બીજી વાત શરૂ કરી દેતા. કોઈ પણ વસ્તુ મને અકળાવતી હોય અને હું એમની સાથે ચર્ચા કરું, ત્યારે તેઓ સહેજ પણ અકળાયા વિના, જ્યાં સુધી મારા મનનું સમાધાન થાય નહીં ત્યાં સુધી સમજાવ્યા કરે.
[‘વિશ્વવાત્સલ્ય’ માસિક : ૨૦૦૨]