સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મણિલાલ દેસાઈ/અંધારું

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અંધારું પીળું આકાશ નહીં બાલમા,
અંધારું લોલ લાલ સુંવાળું ફૂલ.
અંધારું બાવળનું ફૂલ નહીં બાલમા,
અંધારું સુંવાળી શમણાંની શૂલ.
અંધારું આંખોમાં આંજ્યું અંજાય,
એને ઘૂમટામાં સાંત્યું સંતાય મારા બાલમા.
અંધારું પીળું આકાશ નહીં બાલમા,
અંધારું લોલ લાલ સુંવાળું ફૂલ.
અંધારું ચમકે જે આંખ મહીં મધરાતે,
અંધારું મલકે જે હોઠ મહીં મધરાતે;
અંધારું કાળું ગુલાબ મારા બાલમા,
અંધારું આપેલો કોલ મારા બાલમા.
અંધારું બાવળનું ફૂલ નહીં બાલમા,
અંધારું સુંવાળી શમણાંની શૂલ.
અંધારું કોયલનું ટોળું નહીં બાલમા,
અંધારું સોનાનો સુંવાળો સૂર.
અંધારું કૂતરાનું ભસવું નહીં બાલમા,
અંધારું મૌન તણું ધસમસતું પૂર.
અંધારું માગો તો આપ્યું અપાય,
એને ભાંગો તો ભાગ્યું ભંગાય મારા બાલમા.
અંધારું પીળું આકાશ નહીં બાલમા,
અંધારું કાળું ગુલાબ મારા બાલમા.
લીમડામાં સૂસવતું ઝૂલે તે અંધારું,
સુગરીના માળામાં લટકે તે અંધારું;
અંધારું ફૂલોની છાબ મારા બાલમા,
અંધારું પાળેલો બોલ મારા બાલમા.
અંધારું બાવળનું ફૂલ નહીં બાલમા,
અંધારું સુંવાળી શમણાંની શૂલ.
અંધારું અટવાતું તારા આશ્લેષમાં,
અંધારું ગૂંચવાતું છૂટેલા કેશમાં;
અંધારું આપણો આ સંગ નહીં બાલમા,
અંધારું વિરહવેરાન મારા બાલમા…