સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મણિલાલ ન. દ્વિવેદી/અમર આશા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે.
જુદાઈ જિંદગી ભરની કરી રો રો બધી કાઢી;
રહી ગઈ વસ્લની આશા અગર ગરદન કપાઈ છે.
ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી;
હજારો રાત વાતોમાં ગમાવી એ કમાઈ છે....
શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ;
અગમ ગમની ખરાબીમાં મજેદારી લુટાઈ છે.
ફના કરવું ફના થાવું, ફનામાં શહ્ સમાઈ છે;
મરીને જીવવાનો મંત્રા દિલબરની દુહાઈ છે....
સદા દિલના તડપવામાં સનમની રાહ રોશન છે;
તડપતે તૂટતાં અંદર ખડી માશૂક સાંઈ છે.
ચમનમાં આવીને ઊભો ગુલો પર આફરીં થઈ તું;
ગુલોના ખારથી બચતાં બદનગુલને નવાઈ છે.
હજારો ઓલિયા મુરશિદ ગયા માશૂકમાં ડૂલી;
ન ડૂલ્યા તે મૂઆ એવી કલામો સખ્ત ગાઈ છે.


[‘મણિલાલ દ્વિવેદી સંચય’ પુસ્તક]