સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મણિલાલ ન. દ્વિવેદી/પ્રસન્નતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ઘણાંક માણસનો સ્વભાવ જ એવો હોય છે કે તે કોઈ પણ મંડળીમાં આવી મળે કે તે મંડળીને આનંદમય કરી નાખે. તે ત્યાં ન હોય ત્યારે તેમની ખોટ સર્વને લાગે. પ્રસન્નતા એટલે આપણી જે સ્થિતિ હોય તેનાથી સંતોષ પામી સુખી થવાની વૃત્તિ. જે સર્વ સ્થળે અને સર્વ સમયે સંતોષથી રહે છે તે નિત્ય પ્રસન્ન જ રહે છે. આવું એની મેળે થઈ શકતું નથી; ધૈર્ય, શાંતિ આદિ શુભ ગુણોના બળથી જ તે થાય છે. આ જગતમાં આપણને જે પ્રાપ્ત થાય છે તે આપણી ઇચ્છા પ્રમાણે જ થતું નથી. એટલે શ્રમ કર્યે જવો, પણ જે ફળ થાય તેથી નિરંતર સંતોષ રાખી પ્રસન્ન રહેવું. આપણા જીવિતને સુખવાળું કરવું કે દુખવાળું, એ જેટલું આપણા પોતાના ઉપર આધાર રાખે છે એટલું બીજાના ઉપર નથી રાખતું. ફલાણું હલકું છે, અમુક મને ગમતું નથી, એમ આપણી પોતાની સ્થિતિ વિશે જ્યારે બડબડાટ કર્યા કરીએ છીએ, ત્યારે આપણને કદી નિરાંત વળતી નથી ને સુખે રોટલો આપણાથી ખવાતો નથી. જેટલું ને જેવું જોઈએ તેવું જગતમાં મોટા રાજાને પણ મળેલું નથી, તો આપણે એવી વિના કારણ પીડા શા માટે વહોરવી? દુઃખને સમયે હરબડી જતાં પહેલાં [આપણાથી] વધારે દુઃખી લોકે જે ધીરજ રાખી હોય તે સંભારવી; અને સુખની વખતે ફુલાઈ જતાં પહેલાં, સુખી છતાં દુઃખી થયેલાંને સ્મરણમાં લાવવાં. એમ સંતોષ ઉપર મનને ચોંટાડવું. એમ થવાથી અંતઃકરણ સર્વદા પ્રસન્ન રહેશે, સર્વત્ર પ્રસન્નતા જ દેખશે અને બધે પ્રસન્નતા પેદા કરવાનું કારણ થઈ શકશે. પ્રસન્નતાનો એટલો બધો ચમત્કાર છે કે તેનાથી ઘણાક રોગ થતા અટકે છે, કે થયા હોય તે ઓછા થાય છે. અપ્રસન્ન માણસ મનમાં દુઃખી રહે છે એટલું જ નહીં, તેનું શરીર પણ નઠારું થઈ જાય છે. વળી જે માણસ બહુ અસંતોષી અને અપ્રસન્ન છે તેનામાં ઈર્ષ્યા અને લોભ એવા દુર્ગુણો પ્રવેશ કરે છે. જે લોક પોતાના કરતાં પ્રસન્ન અને સુખી હશે તેની તેને ઈર્ષ્યા થશે; અને ગમે તે રીતે પણ પ્રાપ્તિ કરવાની ઇચ્છા થવારૂપી તેને લોભ પેદા થશે. ઈર્ષ્યા અને લોભથી માણસો જે કુકર્મ કરે છે ને જે દુઃખ જાતે વેઠે છે, તેનાં દૃષ્ટાંત આપણે નિત્ય દેખીએ છીએ. એક કુકર્મ બીજાં દસ કરાવે છે, કેમ કે તે વિના પ્રથમનું કુકર્મ ઢંકાતું નથી. અપ્રસન્નતાની ટેવમાંથી અનેક અનર્થ ઊપજે છે, માટે સર્વદા પ્રસન્ન રહેવાનો જ પ્રયત્ન કરવો. કોઈ કોઈ માણસોની પ્રકૃતિ એવી હોય છે કે તે બોલતાં પણ વઢી પડે છે, સહજમાં માઠું લગાડી બેસે છે, ને એમ કોઈ રીતે નિરાંત વાળી બેસતાં નથી. એનાથી આપણને કે કોઈને કશો લાભ નથી. કેટલાંકને તો એવી ટેવ હોય છે કે તે એક સામાન્ય વિનંતી પણ પ્રસન્નતાથી કરી શકતાં નથી. આજ્ઞા કરવાને જ જાણે તે અવતર્યા હોય, સામા માણસના મન દુભાવવાનો જ તેમનો ધંધો હોય, બીજાંની દરકાર ન કરવી એ જ તેમનો હક હોય, તેમ તેવાં માણસ નિરંતર વર્તે છે. તેમને જે માન મળે છે તે પણ ઓછું લાગે છે. તેમને કશું ગમતું નથી, બધી વાતોમાં કાંઈ ને કાંઈ ખામી જણાય છે; તેવાં માણસ નિરંતર અપ્રસન્ન રહે છે ને જ્યાં જાય ત્યાં ક્લેશ પેદા કરવાનું કારણ થઈ પડે છે. ઘરમાં છોકરાંછૈયાં જાણે કોઈ વાઘ આગળ ઊભાં હોય તેમ તેના આગળ ફરે છે; બહાર લોકમાત્ર તેનાથી દૂર ચાલ્યા જાય છે. એ બધાંનું કારણ શું? માત્ર અપ્રસન્નતા. જેનામાં કોઈ ઉત્તમ ગુણ હોય છે, તે તો સાળ જેવાં નમ્ર હોય છે, સર્વત્રા પ્રસન્ન હોય છે. પણ જાતે પ્રસન્ન રહી બીજાને પ્રસન્ન રાખવામાં અતિશય નમ્રતા ધારણ કરવી, ખોટી પ્રશંસા કરવી, એનું નામ ખુશામદ. જેની ખુશામદ કરવામાં આવે છે તે માણસ પોતાની કિંમત જાણતો જ હોય છે, એટલે ખોટી ખુશામદથી ક્વચિત જ રાજી થાય છે. સારા માણસ એ રીતે પ્રસન્ન થતા નથી, અને આપણે જૂઠું બોલવાનું પાપ કરીએ છીએ. આપણે જેવાં હોઈએ તેવાં જણાવું, ને જેને જેવું હોય તેવું કહેવું. પણ તેમાં યે આપણે ધારીએ તેટલી નરમાશ વાપરી શકીએ. સામા માણસને માઠું ન લાગે તેવી નરમાશથી વ્યવહાર રાખવામાં આપણી તેમ તેની, બન્નેની પ્રસન્નતા સારી રીતે સચવાય છે અને એવી નરમાશથી કહેલું અસર કરી શકે છે. અનેક વિદ્યા ભણવી, અનેક અધિકાર પ્રાપ્ત કરવા, એ બધાંનું ફળ એટલું જ છે કે ચારે પાસાં સમાધાની રહે; ઘરમાં સર્વને આપણાથી શાતા વળે, કોઈ આપણાથી વિના કારણ બીહે નહિ. [પણ] ઘરનાં આપણા પર પ્રસન્ન રહે, બહાર પણ સર્વે આપણને ચહાય [તે] માટે એમને અઘટિત વર્તણૂક પણ કરવા દેવી, એવાં લાડ કે નરમાશ તજવા યોગ્ય છે. સર્વે આપણને ચહાય એમ કરવું; પણ સર્વને એવો નિશ્ચય રહે તેમ પણ કરવું કે કાંઈ પણ અયોગ્ય વાત એ જવા દેશે નહીં. બાળકો રમે-કૂદે તેમાં માતાપિતા તેમને મારનાર નથી, એવું તેમને લાગવું જોઈએ; પરંતુ તે એકલાં હોય ત્યારે પણ તેમને એમ રહેવું જોઈએ કે અમુક વાત મારાં માતાપિતા સારી ગણશે નહિ, અને તે હું કરીશ તો મને તેઓ પોતાનું પ્રિય ગણશે નહિ. એમ સર્વત્રા. આમ એક પાસા ખુશામદ કે ખોટાં લાડમાં ન પડી જતાં, તેમ બીજા પાસા અતિશય કરડાં ન થતાં, યોગ્ય નરમાશથી સર્વ પ્રસન્ન રહે તેમ વર્તવું; અને તેવા વર્તનમાં પણ મુખ્ય કારણ એ જ જાણવું કે આપણા પોતાના અંતઃકરણમાં પ્રસન્નતા સંઘરવી.

[‘બાલવિલાસ’ પુસ્તક : ૧૯૫૭]