સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મણિલાલ મ. પટેલ/રાજ વિનાના મહારાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ગુજરાત રાજ્યનું ૧લી મે, ૧૯૬૦ના રોજ સાબરમતી આશ્રમ ખાતે પુણ્યાત્મા રવિશંકર મહારાજના હસ્તે ઉદ્ઘાટન થયું. ગુજરાતની રચના અંગે મહારાજ અને મોરારજી દેસાઈ વચ્ચે વિચારભેદ હોવા છતાં મોરારજીએ નયા ગુજરાતનો મંગલદીપ પ્રગટાવવાનું મહારાજના હસ્તે કરાવ્યું, તે જ રાજ વિનાના મહારાજની મહાનતાનું સૂચક છે. પછી ૧૯૮૪ સુધી મહારાજ જીવ્યા ત્યાં લગી જે કોઈ ગુજરાતના મુખ્યમંત્રી બને તે સોગંધવિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા પહોંચી જતા તેવી એક ઉમદા પ્રણાલી હતી. મહારાજને ગુજરાતના બીજા ગાંધી કહેવામાં લેશમાત્ર અતિશયોક્તિ નથી. ગાંધીજીનું સો વર્ષ જીવવાનું સ્વપ્ન સાકાર ન થયું, પણ સેવાયજ્ઞ કરતાં કરતાં સો વર્ષ જીવવાનો ‘ઇશોપનિષદે’ આપેલો અધિકાર મહારાજે ભોગવ્યો અને ૧૦૧મા વર્ષમાં જીવનલીલા સંકેલી. ગાંધીજીએ એક વાર મહારાજને કહેલું કે, “જો ઈશ્વર અદલાબદલી કરવા દે, ને તમે ઉદાર થઈ જાઓ તો તમારી સાથે જરૂર અદલા— બદલી કરું..” જેમના ખોળિયાની ખુદ ગાંધીજી અદલાબદલી કરવા ઇચ્છે તે મહાપુરુષના જીવનકાર્યને પુણ્યનો પહાડ જ કહેવાય! ૧૯૨૧માં તિલક ફાળામાં પોતાનું મકાન, જમીન વેચીને રકમ આપી દેવાની મહારાજની ઇચ્છા સાથે તેમનાં પત્ની સૂરજબા સંમત ન થતાં, મહારાજે જમીન મિલકત પરનો પોતાનો હક તે સમયે છોડીને પોતાનું જીવન સમાજને સમર્પિત કરી દીધું હતું. ત્યારબાદ ૧૯૫૩માં તેમણે પોતાનું જીવનદાન કર્યું, તે સમયે મહારાજને સાચી રીતે સમજેલાં તેમનાં પત્ની સૂરજબાએ બધી જમીન સ્વેચ્છાએ ભૂદાનમાં આપી દીધી હતી. જીવનદાન કરનાર મહારાજે મૃત્યુ પછી પણ દેહદાન કરીને શરીર સમાજને સમર્પિત કરીને ત્યાગ અને સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડયું હતું. મહારાજ આખી જિંદગી કેટલું ચાલ્યા હશે તેનો હિસાબ માંડવો મુશ્કેલ છે. પણ ૧૯૫૫થી ’૫૮ દરમિયાન ૭૧ વર્ષની ઉંમરે મહારાજે ભૂદાન માટે ૬ હજાર કિલોમીટરની પદયાત્રા કરી હતી. ૧૯૨૦માં પગરખાં ચોરાયાં પછી તેમણે પગરખાંનો ત્યાગ કર્યો હતો. એમનો પગ કાંટાને વાગે, પણ કાંટા પગને ન વાગે! લૂખી ખીચડીરૂપી પેટ્રોલથી ચાલતી તેમની બે પગની ગાડી ૮૦ વર્ષ સુધી બગડયા વિના સતત ચાલુ રહી હતી. ડૂબેલાને બચાવવાની કામગીરીથી નાનપણમાં આરંભાયેલો તેમનો સેવાયજ્ઞ દેશભરમાં રેલ, દુકાળ, ભૂકંપ, કોમી તોફાનો, આગ, રોગચાળામાં રાહતકાર્ય અને નાગપુર સત્યાગ્રહથી ‘હિંદ છોડો’ સુધીની આઝાદીની તમામ ચળવળોમાં જેલવાસ, ૧૯૭૫માં કટોકટીના વિરોધ સુધી ચાલુ રહ્યો. આઝાદી પછી ગ્યાસપુરના ખેડૂતોના સત્યાગ્રહ ટાણે સરદાર અને મોરારજીને પણ મહારાજે સાફ સુણાવી દીધેલું કે, ખેડૂતોની જમીન લેવા આવશો તો હું ત્યાં મરીશ પણ જમીન નહીં આપું. પાટણવાડિયા, બારૈયા અને બહારવટિયાને અંધશ્રદ્ધા, વહેમ, ચોરી, લૂંટ વગેરે બદીઓમાંથી છોડાવવાનું, સુધારવાનું કાર્ય તેમણે ગાંધીના બહારવટિયા કે વિનોબાના ટપાલી બનીને કર્યું. મહારાજ તો કરોડપતિ ભિખારી હતા. મહારાજની એક અપીલથી કરોડો રૂપિયા ભેગા થતા. મોરારજીએ એક વાર કહેલું કે જિંદગીમાં કોઈને પાઈ પણ ન આપનારાઓએ મહારાજને લાખો રૂપિયા આપ્યા છે. સેવા, સુધારણા અને સ્વાતંત્રયની લડતના ત્રાવેણી સંગમ સમું મહારાજનું સમગ્ર જીવન હતું. લડતમાં જેલવાસ હોય કે દારૂનાં પીઠાં પર પિકેટિંગ હોય કે પછી દુર્ગંધ મારતાં શબોનો અગ્નિદાહ દેવાનો હોય; બધાં જ કામ મહારાજની સેવાસૂચિમાં સામેલ હતાં. સુણાવ અને મહેમદાવાદની રાષ્ટ્રીય શાળામાં પટાવાળાથી માંડીને આચાર્ય સુધીની ફરજ મહારાજ એકલા બજાવતા. તે સમયે ગ્રાન્ટ શબ્દ તો હતો નહીં. શાળાનો ખર્ચ ઘંટી પર જાતે દળવાનું કાર્ય કરીનેય મેળવતા. મહારાજે દાનની અપીલો સિવાય કશું લખ્યું નથી. ગામઠી શબ્દો અને ભેંસ— બળદનાં દૃષ્ટાંતોમાં ‘ગીતા’ સમજાવતાં મહારાજનું પાંડિત્ય ઝળહળી ઊઠતું. જેલમાં ‘ગીતા’ના ૧૮ અધ્યાય કંઠસ્થ કર્યા હતા. હજારો માર્ગ ભૂલેલાઓનાં જીવન સુધારનાર મહારાજમાં સરદારને પવિત્રા ઋષિનાં દર્શન થતાં હતાં. તો ઝવેરચંદ મેઘાણી અને મનુભાઈ પંચોળી જેવા સાક્ષરોને તેમનામાં સિદ્ધહસ્ત સાહિત્યકારનાં લક્ષણો દેખાયાં છે. ઉઘાડપગા, સ્વયંપ્રકાશિત મૂકસેવક મહારાજ ખરેખર રાજ વિનાના મહારાજ હતા.

[‘દિવ્ય ભાસ્કર’ દૈનિક : ૨૦૦૪]