સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મધર ટેરેસા/પ્રેમની ભૂખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આજે લોકો પ્રેમના ભૂખ્યા છે, સમજદારી ભરેલા પ્રેમને એ ઝંખે છે. આટલી બધી ગરીબી અને એકલવાયાપણાનો એ જ એક ઉકેલ છે. ઇંગ્લંડ અને અમેરિકા જેવા દેશોમાં રોટલા માટેની ભૂખ નથી રહી. પણ ત્યાં લોકો ભયંકર એકલતા, ભયાનક હતાશા, ભયાનક ધિક્કાર અનુભવી રહ્યા છે; એમને લાગે છે કે કોઈને એમની પડી નથી, એમને મદદ કરનારું કોઈ નથી, એમને કોઈ આશા નથી. કેવી રીતે સ્મિત કરવું તે એ ભૂલી ગયા છે, માનવીના સ્પર્શનું સૌંદર્ય એ વિસરી ગયા છે. મનુષ્યનો પ્રેમ શું છે તે એ ભૂલવા માંડ્યા છે. કોઈક એમને સમજી શકે, એમને સન્માન આપે તેની એમને ઝંખના છે.