સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મધુસૂદનલાલ/ફાટેલી ચાદર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          પંડિતજી જેટલા મોટા હતા તેટલા જ નાના હતા — સાવ બાળક જેવા. તેમણે કદી પોતાને વૃદ્ધ માન્યા નથી, અને એ હતા પણ નહીં. મરતાં સુધી, મને તો કોઈ એવો પ્રસંગ યાદ નથી જેમાં તેમણે પોતાનો થોડો અમથો બોજ પણ બીજાને માથે નાખવાનો પ્રયત્ન કર્યો હોય. એ તો ભારતના વડાપ્રધાન હતા. જરા અમથો ઇશારો કરતાં મોટા મોટા માણસો એમના પગમાં ઝૂકી જાય. પણ તમને વિશ્વાસ નહીં બેસે — એમણે કદી ઘંટડી વગાડીને કોઈ નોકરને બોલાવ્યો નથી. કોઈ વસ્તુની જરૂર હોય તો જાતે ઊઠીને બારણા સુધી જતા ને જે કોઈ દેખાય તેને કહેતા : “ભાઈ, જરા અંદર આવજે.” અને ઑફિસમાં કામ પૂરું થાય પછી ઊઠતા ત્યારે કોઈ કામ નોકરોને માટે બાકી ન રાખતા. બત્તી, પંખો, હીટર જાતે જ બંધ કરતા. અરે, બારણાં સુધ્ધાં જાતે બંધ કરીને નીકળતા. મેં મારી આંખે જોયું છે કે એ બેઠાબેઠા કામ કરીને થાકી જાય ત્યારે ખુરશી પર એક પગ રાખીને કામ કરતા. પછી ઊભા થઈ જતા. થાકી જવાથી કે તબિયત ઠીક ન હોવાથી તેમણે કદી કામ અધૂરું છોડ્યું નથી. લોકોને એમ થતું હશે કે ભારતના વડાપ્રધાન આરામ અને દબદબાથી રહેતા હશે. પણ ઘણુંખરું તો એ એક ભગવો ઝભ્ભો ને પાયજામો પહેરતા. એક જૂની ચાદર હતી, ઘણી જગ્યાએથી ફાટેલી; સવારે ફરતી વખતે કે છાપું વાંચતી વેળા તે જ ઓઢતા. એક દિવસ ચાદર બહુ મેલી જોઈ હરિને કહ્યું, “આ ધોવડાવી નાખજે.” બપોરે ધોબી આવ્યો. ચાદર લઈ જવાની જ એણે ના પાડી, બોલ્યો, “આ તો સાવ જરી ગઈ છે, પાણીમાં જ રહી જશે.” બીજે દિવસે પંડિતજીને આ વાતની ખબર પડી, ત્યારે જાતે ચાદર ધોઈ વરંડામાં દોરી બાંધીને સૂકવી. છેક સુધી એમની પાસે એ જ ફાટેલી ચાદર મેં જોઈ હતી.