સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મધુસૂદન કાપડિયા/સર્વાંગસંપૂર્ણ ગ્રંથ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આ પુસ્તકમાં ગાંધીજીવનની સમગ્રતાને આલેખવાનો પુરુષાર્થ નારાયણ દેસાઈએ કર્યો છે. એકેએક પ્રસંગ, એકેએક સંવાદ, કોઈ પણ અવતરણ—આ સૌનો અનેક પાદટીપમાં મૂળ આધાર આપ્યો છે. આનાથી ગ્રંથ સંપૂર્ણપણે આધારભૂત બન્યો છે. ઝીણામાં ઝીણી વિગત ખૂણેખાંચરેથી લેખકે મેળવી છે અને પાનેપાને એના આધારો આપ્યા છે. લેખકે ઉપયોગમાં લીધેલી સંદર્ભસામગ્રી અવાક્ કરી મૂકે તેવી સમૃદ્ધ છે. ગાંધીજીનાં પાંચ પુસ્તકોનું જે વિવેચન નારાયણ દેસાઈએ કર્યું છે, તે ગ્રંથાવલોકનના ઉત્તમ નમૂના છે: ‘હિંદ સ્વરાજ’, ‘સત્યના પ્રયોગો’, ‘રચનાત્મક કાર્યક્રમ’, ‘મંગળ પ્રભાત’ અને ‘અનાસકિતયોગ’. દરેક પુસ્તકની લાક્ષણિકતાઓ સ્વતંત્ર પ્રકરણોમાં સંક્ષેપમાં આપી છે, અને આ પુસ્તકોમાંના ગાંધી-ચિંતનની આજની દુનિયામાં કેવી પ્રસ્તુતતા છે તેનું વિશ્લેષણ કર્યું છે. દક્ષિણ આફ્રિકાથી હિંદુસ્તાન આવ્યા ત્યારબાદની ગાંધીજીની મોટી ફલશ્રુતિ કહી શકાય ઉત્તમ સાથીઓની પ્રાપ્તિ. ૧૯૧૬થી ૧૯૨૧ સુધીમાં ગાંધીજીએ એવા સાથીઓની ખોજ કરી લીધી કે જેમણે પોતાની પૂરી શકિત ગાંધીજીની મારફત દેશને સમર્પણ કરી. એકએકથી ચડિયાતા વ્યકિતત્વવાળા આ તરુણો પોતાની આશાભરી કારકિર્દી છોડીને ગાંધીજી સાથે જોડાયા અને જીવનભર એમના વફાદાર બનીને રહ્યા. નારાયણ દેસાઈ નોંધે છે તેમ, તે વખતના સમાજકારણમાં બે આદર્શો પ્રવર્તતા હતા: એક યોગસાધના દ્વારા મુકિત મેળવવાનો અને બીજો દેશસેવામાં ખપી જવાનો. આ બંને આદર્શોનો સમન્વય યુવાનોને ગાંધીજીના કાર્યક્રમમાં દેખાયો. તેમણે જોયું કે હિંસા દ્વારા ક્રાંતિ કરવા મથતા લોકોમાં દેશ ખાતર બલિદાન આપવાની તૈયારી હતી, પણ છૂટીછવાયી હિંસાનો કાર્યક્રમ તેમને સફળ થતો દેખાતો નહોતો. [બીજી બાજુ,] રામકૃષ્ણ-વિવેકાનંદથી માંડીને શ્રીઅરવિંદ સુધીના મહાપુરુષોની આધ્યાત્મિક માર્ગની ભૂમિકા ઊચી હતી, પણ તેમના અધ્યાત્મની દેશની આઝાદીની લડત પર કાંઈ સીધી અસર નહોતી થતી. ૧૯૧૮-૧૯ સુધીમાં તેમણે જોઈ લીધું કે ગાંધીજીના સત્યાગ્રહમાં નરમ દળની વિનમ્રતા, ગરમદળની તીવ્રતા, ક્રાંતિકારીઓની બલિદાનવૃત્તિ અને યોગીઓની આધ્યાત્મિકતાનો સમન્વય થયો હતો. ગાંધીજીના જીવનમાં અસંખ્ય લોકો એવા આવ્યા છે, જે તેમનાથી પ્રભાવિત થયા છે. થોડાક એવા પણ આવ્યા છે, જેમનાથી ગાંધીજી પ્રભાવિત થયા છે. ગાંધીજી સાથે સંપર્કમાં આવેલી વ્યકિતઓનાં ચિત્રો ગ્રંથમાં વારંવાર જોવા મળે છે. પરંતુ ગાંધીજી સાથે નિકટના સંપર્કમાં આવેલા પાંચ મહાન આત્માઓને લેખકે સ્વતંત્ર પ્રકરણો ફાળવ્યાં છે: આત્મતનયા મીરાં, આશ્રમનો પ્રાણ મગનલાલભાઈ, સામ્યયોગી વિનોબા, દીનબંધુ એન્ડ્રૂઝ અને પરમભક્ત મહાદેવભાઈ. આ એકેએક વ્યકિતચિત્ર ગાંધીજી સાથેની આત્મીયતાની ઉષ્માથી અને નારાયણ દેસાઈની શૈલીનાં રંગરેખાથી સમૃદ્ધ બન્યું છે. બે હજારથી વધુ પાનાંમાં વિસ્તરતી આ કૃતિ ક્યાંય નીરસ નથી બનતી. લેખકની શૈલી સરળ, મધુર અને પ્રવાહી છે. ગ્રંથ સર્વાંગસંપૂર્ણ છે, ઉત્કૃષ્ટ છે. ચાર ખંડમાંથી એકમાં પણ ગાંધીજીની જીવનયાત્રાના મુખ્ય પ્રસંગો તારીખો સાથે આપેલ નથી. બીજી આવૃત્તિમાં આ ક્ષતિ સુધારી લેવામાં આવશે, એવી આશા છે. મારું જીવન એ જ મારી વાણી (ખંડ ૧-૪): નારાયણ દેસાઈ, રૂ. ૧૫૦૦

[‘પરબ’ માસિક: ૨૦૦૫]