સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનસુખલાલ ઝવેરી/ખુદવફાઈ
‘ખુદવફાઈ’, એ સૌને માટે સરવાળે સાચું બળ છે — કવિ માટે તો ખાસ. દંભ, દેખાવ, ગતાનુગતિકતા, પોતાનાં પગલાં ભૂંસી નાખવાની ચાલાકી કે પ્રજા પાસે પોતાની અમુક જ પ્રતિમા ઊભી કરવા-કરાવવાની કુનેહ — કવિતામાં આમાંનું કશું પણ ચાલતું નથી. કવિતા-કલા જ એક એવી વસ્તુ છે જે ટકે છે, ટકી શકે છે, કેવળ આંતર સત્ત્વથી. આંતર સત્ત્વ ન હોય તો વય, લિંગ, નીતિ, જાત, ધર્મ, સંપ્રદાય, મિત્રો ને પ્રશંસકો — કોઈ તેને ટકાવી શકતું નથી. રાજકારણમાં કે જીવનવ્યવહારમાં એકનું એક જૂઠાણું સો વાર ફેલાવવામાં આવે તો સત્ય તરીકે સ્વીકારાઈ જતું હશે કદાચ; ને કાપુરુષો વીર તરીકે, વીર કાપુરુષ તરીકે પંકાતા કે વગોવાતા હશે. પણ કવિતા અને કલામાં નથી પક્ષનું ચાલતું, નથી પ્રચારકાર્યનું ચાલતું. સમકાલીનો જેને માથે મૂકીને નાચ્યા હોય તેવી કૃતિઓને અનુગામી પેઢીઓએ મહત્ત્વની ન ગણી હોય, ને સમકાલીનોએ જેને ઉવેખી કે વખોડી હોય તેવી કૃતિઓને અનુગામી પેઢીઓએ સંમાની હોય, તેવાં ઉદાહરણો આપણા જ નહિ, આખા જગતના સાહિત્યના ઇતિહાસમાં વિરલ નથી.