સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનસુખલાલ ઝવેરી/શિખરું ઊંચાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search

શિખરું ઊંચાં ને મારગ આકરા,
નહિ કોઈ સાથ કે સંગાથ.
નહિ ત્યાં કેડી કે નહિ વાટ,
ચડવાં ચઢાણો તસુ તસુ એકલાં.
શિખરું ઊંચાં ને મારગ આકરા.
લિયે એ મારગ નર કોઈ બંકડા,
છોડી આળ ને પંપાળ,
રાખી રામૈયો રખવાળ.
કાચી રે છાતીનાં બેસે તાકતાં.
શિખરું ઊંચાં ને મારગ આકરા.
ચડે એ ઊંચે, જે માંહે ડૂબતાં,
જેને આતમનો સંગાથ,
એનો ઝાલે હરિવર હાથ.
પંડને ખુએ તે પ્રીતમ પામતાં.
શિખરું ઊંચાં ને મારગ આકરા.