સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનસુખ સલ્લા/અહોભાવની મર્યાદા
“કોઈ એક ક્ષેત્રની વિશેષતા કે સિદ્ધિ એ મનુષ્યનું સમગ્ર શીલ નથી.” મહાન જીવનમર્મજ્ઞ સોક્રેટિસે આ વિચાર વિશદતાથી સમજાવ્યો છે. કોઈ વ્યક્તિ દયાવાન હોય, પરંતુ તેની દયા વેવલી પણ હોઈ શકે છે. કોઈ વ્યક્તિ નિર્ભય હોય, યુદ્ધમાં પાછું પગલું ન ભરે, પરંતુ તેની નિર્ભયતામાં ક્રૂરતા પણ હોઈ શકે છે. કોઈ વ્યક્તિ ઉત્તમ ગાયક હોય, તેના કંઠનું અસાધારણ માધુર્ય આપણને ડોલાવી દે. એથી કરીને તેને સંપૂર્ણ માનવાની ભૂલ ન કરવી જોઈએ. તેવું જ રમતવીરોનું ગણાય. રમતમાં તે શ્રેષ્ઠ પ્રદર્શન કરે એટલે મનુષ્ય તરીકે તે શ્રેષ્ઠ જ હોય તેવી અપેક્ષા નહિ રાખી શકાય. હોય પણ ખરો, ન પણ હોય. આ ભ્રમ પ્રજાને સૌથી વધુ ધાર્મિક ક્ષેત્રમાં નુકસાન કરે છે. ધર્મક્ષેત્રની વ્યક્તિઓ અસરકારક વ્યાખ્યાન કરી શકતી હોય, સરસ સંગઠન કરી શકતી હોય, લાંબા ઉપવાસ કરી શકતી હોય, સ્થૂળ વસ્તુઓનો ત્યાગ કરી શકતી હોય, છતાં તેની ચિત્તશુદ્ધિ થઈ ન હોય તેવું શક્ય છે. ધર્મક્ષેત્રની વ્યક્તિની સત્તાલાલસા, ધનલાલસા, પ્રતિષ્ઠાલાલસા કે અહંકારજન્ય અનુદારતા અખંડ હોય તેવું શક્ય છે. ઉપરાંત વિશિષ્ટ લાક્ષણિકતાઓને કારણે પ્રજાનું ધ્યાન ખેંચી શકનારી વ્યક્તિઓનું એક કર્તવ્ય એ પણ છે કે તેઓ ખોટાં ધોરણો સ્થપાય તેમાં સાથ નહિ આપે. અમુક લાખ રૂપિયા મળે માટે અભિનેતા કે રમતવીર સિગારેટ, દારૂ કે તમાકુનો પ્રચાર ન કરી શકે. પ્રજા તેમને ગુણવિશેષને કારણે ચાહે છે, તેનો આવો દુરુપયોગ ન કરી શકાય. આનો સંયમ અને વિવેક કેવો હોય તેનું દૃષ્ટાંત આપણી વચ્ચે જ છે. હમણાં જગપ્રસિદ્ધ જાદુગર કે. લાલે કહ્યું કે ગુટખા વેચનાર એક કંપનીનો માણસ તેમને મળવા આવ્યો. હાથમાં ગુટખાની પડીકી રાખીને કે. લાલે એટલું જ બોલવાનું હતું કે “વાહ, મજા આ ગયા!” બાકી બધું એ લોકો ગોઠવી લેશે. આ વાક્યના અને ફોટો મૂકવા દેવાના અગિયાર લાખ રૂપિયા મળશે! કે. લાલે સાભાર ના પાડી. વળી બપોરે ફરી મળવા આવ્યા અને કહ્યું : “અમે એકવીસ લાખ આપીશું. આપ હા પાડો.” એમણે કહ્યું : “હું મારા દેશની ઊગતી પેઢીને ખોટો સંદેશો આપવા માગતો નથી.” તેઓ ગયા. વળી સાંજે ફરી આવ્યા. કહે કે : “એકાવન લાખ રૂપિયા આપીશું, પણ તમે સંમતિ આપો.” કે. લાલે કહ્યું : “એકાવન લાખ આપો કે કરોડો આપો, પણ હું સંમતિ નહિ આપું. મારે મારા દેશની ઊછરતી પેઢીને ઝેર નથી ખવડાવવું. મારા ખેલમાં સૌથી વધુ બાળકો અને કિશોરો હોય છે. તેઓ મારા જાદુના ખેલથી પ્રભાવિત થતા હોય છે. હું જાહેરાતમાં દેખાઉં તો તેનાથી પણ પ્રભાવિત થાય. મારે એ નથી કરવું.”
[‘કોડિયુ’ માસિક : ૨૦૦૬]