સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનસુખ સલ્લા/મારા વિદ્યાર્થીઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          લોકભારતી (સણોસરા)માં પાંત્રીસ વરસ અને ગ્રામદક્ષિણામૂર્તિ (આંબલા)માં બે વરસ સુધી મેં શિક્ષક તરીકે કામ કર્યું તે કાળના થોડા અનુભવો અહીં આપ્યા છે. પરીક્ષાનો ભાર વિદ્યાર્થીઓને લાગતો જ હોય છે. તેથી ક્યારેક તે ચોરી કરવા પણ પ્રેરાય છે. આ અંગે મેં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી. કહ્યું, “તમે તમારા બળે જ સારી કક્ષા મેળવો. ઇતર માર્ગો તમને અંતે લાભકર્તા નહિ થાય. તમે કહેશો તો પુસ્તકો અને વર્ગનોંધ લઈને પરીક્ષાખંડમાં આવવાની તમને છૂટ આપીશ. પ્રશ્નપત્ર એ રીતે કાઢીશ.” વિદ્યાર્થીઓ બોલી ઊઠ્યા, “ના, ના, ના. એવું પ્રશ્નપેપર તો બહુ અઘરું હોય. એવું નથી કરવું.” મારો અનુભવ છે કે વિદ્યાર્થીઓ આ માટે તૈયાર નથી થતા. આ અમારી શિક્ષકોની નિષ્ફળતા છે. પરંતુ આમાંથી એક સારી બાબત નીપજી આવી. મેં પૂછ્યું, “સારું, તો બીજો એક પ્રશ્ન કરું. તમને મેં સારી રીતે ભણાવ્યું છે. તો પરીક્ષા વખતે નિરીક્ષક તરીકે મારે શા માટે હાજર રહેવું જોઈએ? મને તમારા ઉપર ભરોસો છે કે તમે ચોરી નહિ કરો. હું પાંચેક મિનિટ પછી પરીક્ષાખંડ છોડી જઈશ. પછી કોઈ નિરીક્ષક નહિ હોય. બારણા પાછળ ઊભું રહીને કોઈ જોતું નહિ હોય. છે તમારી તૈયારી?”’ વિદ્યાર્થીઓ કહે, “હા.” મેં નિયામકશ્રીને આખી વાત લખીને મંજૂરી માગી. (કારણ કે વાર્ષિક પરીક્ષા હતી અને હું આચાર્ય હતો.) નિયામકશ્રીએ મારી સાથે વિગતે વાત કરીને સંમતિ આપી. પ્રશ્નપત્રા અને ઉત્તરવહીઓ વહેંચીને, દસેક મિનિટમાં મેં વર્ગખંડ છોડી દીધો. છેલ્લે ઉત્તરવહીઓ એકઠી કરીને વિદ્યાર્થીઓ મારે ઘરે પહોંચાડવાના હતા. તે મુજબ થયું. પછી મેં વિદ્યાર્થીઓ સાથે વાત કરી. તેમણે કહ્યું, “ક્યારેક અમે અંદરોઅંદર કાંઈક પૂછી લઈએ છીએ. પણ આજ તો ત્રણ કલાક ડોકું ઊંચું નહોતું કર્યું.” મેં પૂછ્યું, “એમ કેમ?” “તમે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો. તમને ખાતરી આપ્યા પછી ચોરી કરીએ તો તો અમે ખોટા પડીએ ને?” વિદ્યાર્થીઓ ઉપર વિશ્વાસ મૂકો, પ્રતિભાવ મળશે જ — એવું નાનાભાઈ, મનુભાઈ, મૂળશંકરભાઈ, બુચભાઈ પાસેથી સાંભળ્યું હતું, પણ અનુભવ્યું આ ઘટનામાં. એ પછી અનેક પ્રસંગોએ વિદ્યાર્થીઓ ઉપર વિશ્વાસ મૂકતાં મને ખચકાટ નથી થયો. ક્યારેક છેતરાયો પણ છું, પરંતુ મારી આ શ્રદ્ધા ડગી નથી. એટલું જ નહિ, મનુષ્યની સારપ ઉપર વિશ્વાસ એ જ શિક્ષક અને શિક્ષણનો મૂલાધાર છે તેવો વિશ્વાસ બંધાયો છે. એક વખત વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે કહી દીધું કે, અમે કોઈ પ્રવૃત્તિમાં ભાગ નહિ લઈએ. કારણ? એક વિભાગના વડાએ અમને પૂરા સાંભળ્યા વિના અમારે માટે અયોગ્ય શબ્દો વાપર્યા છે, અમને અન્યાય કર્યો છે. વિભાગીય વડા પોતાની રીતે સાચા હતા. પરંતુ ભાષાપ્રયોગ અને અહમ્ની ટકરામણીને કારણે પ્રશ્ન ઊભો થયો હતો. બેમાંથી એકે પક્ષ નમતું આપવા રાજી નહોતો. સમય જતો હતો તેમ તેમ વાતને વળ ચડતો જતો હતો. અધ્યાપક ઉપરાંત હું ત્યારે મુખ્ય ગૃહપતિ હતો. તે છાત્રાલયના ગૃહપતિ, નિયામકશ્રી, વિભાગીય વડા અને હું મળ્યા. અમે સૌ ખાસ્સા મૂંઝાયેલા હતા. લોકભારતીમાં આવું ભાગ્યે જ બને. એક રીતે આ હડતાળ જ કહી શકાય. વિભાગીય વડાએ અભિપ્રાય આપ્યો, “કરી દ્યો વર્ગો બંધ. ભલે ઘેર જાતા. આવી અશિસ્ત ચલાવી ન લેવાય.” પણ મને થયું : આ એ જ વિદ્યાર્થીઓ હતા, જેને અમે સંતાનની જેમ ચાહતા હતા. તેમની માંદગીમાં અમે કાળજી લીધી હતી. અમારા કુટુંબની કપરી માંદગીમાં એમણે તાણરહિત ઉજાગરા કર્યા હતા. મહાભોજન વખતે પરસ્પરને પકડીને મીઠાઈના ફાસરા ખવડાવ્યા હતા. મેં મારો અભિપ્રાય આપતાં કહ્યું, “આપણે શિક્ષક ન મટવું. છોરુ કછોરુ ભલે થાય. આપણે વિદ્યાર્થીઓને કહીએ કે ઘર હોય તોય પ્રશ્નાો થાય છે, તો આ તો મોટી સંસ્થા છે. પ્રશ્નાો થાય. પરંતુ તમે કેવી લોકભારતી ઇચ્છો છો? લોકભારતીના વાતાવરણને જાળવવાની જવાબદારી તમારી પણ છે. તમે સૌ મળીને જે ઠરાવશો તે અમે સ્વીકારશું. વિભાગીય વડા તમારા વડીલ છે. તમને ચાહે છે. એ માફી માગે તે તમને શોભશે?” સમિતિના સભ્યો સંમત થયા. બીજા બેત્રણ મુદ્દા પણ ઉમેરાયા. અમે વિદ્યાર્થીઓને મળીને આખી વાત સમજાવી. ચોવીસેય કલાકનો અમારો સંબંધ હતો. અમે પરસ્પરને ચાહતા હતા. વિદ્યાર્થીઓએ જોયું કે અમે જીદ કરવા માગતા નહોતા, તેમના વિવેક ઉપર બધું છોડતા હતા. તેઓ પાછા વળ્યા. ઘીના ઠામમાં ઘી પડ્યું.

રાત્રીપ્રવૃત્તિમાં હું ત્રીજા વરસના છાત્રાલયમાં ગયો હતો. હાજરી પછી અનૌપચારિક વાતો થતી હતી. એક વિદ્યાર્થીએ મને પૂછ્યું, “તમને કેટલાં વરસ થયાં?” મેં કહ્યું, “૬૦મું ચાલે છે.” બેત્રણ વિદ્યાર્થીઓ બોલી ઊઠ્યા, “હોય નહિ, હજુ તો માંડ ૪૦ વર્ષના લાગો છો.” આ અભિપ્રાયે મને વિચારતો કરી દીધો. મારા મોટા ભાગના વાળે વિદાય લીધી છે. છે તે પણ ધોળા થવા લાગ્યા છે. તો આ અભિપ્રાયનું રહસ્ય શું? મારો શારીરિક બાંધો? મારો ઉત્સાહ? વિદ્યાર્થીઓ સાથેના વ્યવહારની સરળતા? કે વિપશ્યનાને કારણે પ્રમાણમાં જળવાતી સ્વસ્થતા? વિચારતો ગયો તેમ સમજાયું કે બાકી બધાંએ મદદ કરી હશે, પરંતુ મૂળભૂત રહસ્ય છે ચૈતન્યથી ઊભરાતાં, નવાં નવાં સ્વપ્નોથી ધબકતાં, અને એકનું હજારગણું કરીને ચાહતા વિદ્યાર્થીઓનો સતત સહવાસ. એથી શરીર ઘસાય, શારીરિક લક્ષણો ચાડી ખાય, તોપણ મન તો ૨૫-૩૦ વર્ષના યુવાન જેવું પ્રફુલ્લિત રહે છે. વિદ્યાર્થીઓને વિકસતા જોઈને નવું નવું આયોજન કરવાનો ઉત્સાહ ચડે છે. તેઓ પોતાના ભાવને દરેક વખતે વાણીમાં વ્યક્ત નથી કરતા, પરંતુ તેમની આંખનું અમી લોકભારતીમાં અભ્યાસ કરતાં હોય ત્યારે કે અભ્યાસ પૂરો કર્યા પછી વર્ષો બાદ મળે ત્યારે પણ અનુભવાય છે. પ્રેમવિસ્તાર એ જ આ પૃથ્વીલોકનું અમૃત છે, એનો સાક્ષાત્કાર વિદ્યાર્થીઓ સાથે થાય છે. મૈત્રીમાં, દાંપત્યમાં, અપત્યપ્રેમમાં પણ આ અનુભવાય છે. પરંતુ દીર્ઘકાળ સુધી અને પ્રગાઢપણે મેં એનો અનુભવ મારા વિદ્યાર્થીઓ સાથે કર્યો છે. અરે! અકોણા, આળવિતરા અને પ્રશ્નરૂપ હતા, અને જેને ક્યારેક આત્યંતિક પ્રશ્નને કારણે એકાદ વર્ષ ઘેર મોકલવા પડ્યા છે તેવા વિદ્યાર્થીઓ સાથે પણ પછી આવો જ સૌહાર્દ અને ઉષ્માનો અનુભવ કર્યો છે. મારી સમજવિકાસમાં અને મારા આંતરવિકાસમાં મારા વિદ્યાર્થીઓનો જરૂર ફાળો છે. એ માટે હું તેમનો ઋણી છું તેમ કહેવામાં નથી નમ્રતા કે નથી અતિશયોક્તિ. [‘પ્રગતિશીલ શિક્ષણ’ માસિક : ૨૦૦૨]