સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/અમૃતસમી નવલકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          બંગાળના ભાગલા પડ્યા. રવીન્દ્રનાથે બંગભંગવિરોધી હિલચાલમાં ઉત્સાહથી ભાગ લીધો. ગીતો લખ્યાં, ગવરાવ્યાં. પણ એ દરમિયાન એમને અનુભવ થયો કે દેશને પરદેશીઓની ચૂડમાંથી છોડાવવા શરૂ થયેલ આ હિલચાલમાં બધું સમુંસૂતરું નહોતું. સોનું ઓછું ને ગિલેટ ઝાઝું હતું. ને તેઓ પાછા હઠી ગયા. લોકોએ તેમની ટીકાનિંદા કરી. તેમની દેશભક્તિ પર શંકાઓ થઈ. પણ કવિ તો ન ડગ્યા. ઊલટું, બધી ટીકા-નિંદા-શંકા વાગોળી-પચાવી અમૃતસમી નવલકથા ‘ઘરે-બાહિરે’ આપી કવિપદને સાર્થક કર્યું. ‘ઘરે-બાહિરે’ મોટી નવલકથા નથી. ‘યુદ્ધ અને શાંતિ’, ‘જીન ક્રિસ્તોફ’, ‘લા મિઝરેબલ’ મહાકાય કૃતિઓ છે. પણ આ નવલો જે તીવ્ર ભાવાનુભવ અને છેવટે ભાવશુદ્ધિ કરાવે છે, તેનાથી ‘ઘરે-બાહિરે’માં લગીરે ઓછો ઉત્કટ અનુભવ નથી. ઊલટું, જગતની આ મહાનવલો કરતાંય ક્યાંક ક્યાંક લાલિત્ય અને લાઘવમાં તે ચડી જાય છે. કથા દ્વારા જે બોધપાઠ આપ્યો છે તે છે પ્રેયને છોડી શ્રેયને પસંદ કરવા જતાં આવનારાં પરિણામનો; શીલને મૂકી શક્તિની પાછળ દોટ મૂકવા જતાં આવતી આફત પરંપરાનો. ગાંધીજીના સાધનશુદ્ધિના આગ્રહને જેણે યથાર્થ રીતે સમજવો હોય, તેને માટે ‘ઘરે-બાહિરે’થી કોઈ વધારે સહાયક કૃતિ નથી. મહાવિદ્યાલયના વર્ગોમાં, જેલમાં મેં તેનું પારાયણ કર્યું ત્યારે ત્યારે અંધરાષ્ટ્રવાદ, આત્મવંચના અને અનાસ્થાનાં પડને ઓગાળી નાખનારું રસાયણ તેમાં પ્રકરણે પ્રકરણે છે તેવો અનુભવ થયો છે.