સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/ઉન્નત મસ્તકે જીવવા
આપણા દેશમાં એકતાની ઘણી જરૂર છે, એમ અવારનવાર આપણે કહીએ છીએ. પણ ભાવાત્મક એકતા તો, પ્રજાએ ભૂતકાળમાં જે કામો કર્યાં અને તેમ કરતાં જે સુખદુઃખ વેઠયાં તેની કહાણી નવી પેઢી આત્મસાત્ કરે તો જ આવે. આ દૃષ્ટિએ હિન્દુસ્તાન અંગ્રેજોના આવ્યા પહેલાં ને સ્વરાજ પહેલાં જેટલો એક હતો તેટલો આજે નથી, ને ઝપાટાબંધ તે એકતા ઓછી થતી જાય છે. તેથી જ પંદર વર્ષ પછીનું હિન્દુસ્તાન આજના કરતાંયે વધારે મુશ્કેલ સ્થિતિમાં હશે, તેવું ભાસે છે. હિન્દુસ્તાનની આંતરિક સંસ્કારજન્ય એકતાનો આપણે ધીરે ધીરે નાશ જોઈ રહ્યા છીએ. અભણ જનતાને એક સાંસ્કારિક ઘટક રાખનારાં પુરાણો કે કથાવાર્તાઓ ભૂંસાતાં જાય છે, ને ભણેલાઓને મિથ્યા અહંભાવ ને પોતાની ‘કેરિયર’, બે જ તાલીમ મુખ્યત્વે મળે છે. તેમાં મૂલ્યને તો કશું સ્થાન જ નથી. કાંઈક જૂની સંસ્કારિતાને લીધે અને કાંઈક પંડિતજી (નેહરુ) તથા તેમની પેઢીના આગેવાનોને લીધે આપણને બધું સમું ચાલતું લાગે છે. પણ જગતની ભીંસના સામે આવતા દાયકામાં જ્યારે એ પેઢી નહીં હોય, ત્યારે નવું લોહી કેટલું કરી શકશે તે શંકા છે. આવું વિચારવાનું બને છે ત્યારે હાથ પરનાં કામો, વ્યક્તિગત સુખદુઃખ સાવ વામણાં લાગે છે. પણ દરેક સમાજને તેનાં કર્મો પ્રમાણે જ ફળ મળે છે. આપણે માટે તે કાયદો બદલાઈ જાય, તેમ કેમ ઇચ્છાય? આપણા સમાજનાં બધાં કર્મોનો સરવાળો— બાદબાકી થઈને જે કાંઈ આપણા ખોળામાં આવે તે સ્વીકારવું અને છતાં, જાગૃત બુદ્ધિથી થતાં સત્કર્મમાં જ સમૂહને ઉન્નત મસ્તકે જીવવાની ચાવી છે એવી શ્રદ્ધા રાખવી, તે જ કર્મયોગ છે.