સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/એક મનોહારી આત્મકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          અમેરિકામાં છેક ૧૮૬૫ સુધી ગુલામીનું કલંક હતું. કાળા હબસી લોકો — થોડાઘણા નહિ, ૩૧ લાખ હબસીઓ — ગુલામ હતા. તેને ઢોરની જેમ રાખતા, ઢોરની જેમ ટીપતા, ઢોરની જેમ વેચતા — માને એક જણને ત્યાં વેચે, એના છોકરાંને બીજાને ત્યાં વેચે, પતિને ત્રીજાને ત્યાં. આ હબસી ગુલામોના ૯૦ ટકા અમેરિકાના દક્ષિણ ભાગમાં હતા. તેમનાં લોહી-પરસેવાથી મબલક કપાસ, ડાંગર, શેરડી પાકતાં. આ કલંક સામે લડનારાં પણ હતાં. બે નામ તો એ કલંકકથા જાણનારાંને હોઠે ચડી ગયાં છે : વિલિયમ લોઈડ ગેરીસન અને ‘ટોમ કાકાની ઝૂંપડી’ની લેખિકા હેરિયટ બીચર સ્ટો. એ ચોપડીએ દેશપરદેશનાં હૈયાંને હચમચાવ્યાં. સારાં સારાં પુસ્તકોથી પણ મોટા ફેરફાર થાય છે, તેનો નમૂનો આ ‘અંકલ ટોમ્સ કેબિન’ છે. એ જમાનામાં તેની લાખો નકલો છપાઈ અને ઘણી બધી ભાષામાં તેના અનુવાદો થયા; તેના પરથી ગુલામી નાબૂદ કરવા માગનાર પાર વગરનાં નાટકો પણ ભજવાયાં. લેખિકાને મળવા પ્રમુખ લિંકને નિમંત્રાણ આપેલ. તેને જોઈને કહે, “આટલી નાની સન્નારીએ આવડી મોટી લડાઈ સળગાવી!” ઉત્તર અને દક્ષિણ વચ્ચેનું તે અસાધારણ યુદ્ધ હતું. ગુલામી રાખવાવાળા અને ગુલામી નહિ રાખવાવાળા બંને ગોરા ભાઈઓ હતા, એક જ ‘બાઇબલ’ વાંચનારા ને એક જ રાજ્યમાં વસવાવાળા. એ લડાઈમાં પાંચ લાખ મૂઆ. બે ગોરાઓ એક ત્રીજા કાળા માટે આ કારમું યુદ્ધ લડયા. પણ લિંકને ગુલામી-નાબૂદી માટેનું આ યુદ્ધ કર્યું તે પહેલાંય ૭૫-૧૦૦ વર્ષથી ગુલામી સામે લડનારા શૂરાઓ થયા હતા, તેય મોટા ભાગે ગોરા જ હતા. આવાં પુણ્યશ્લોક સ્ત્રી-પુરુષોમાંના એક લેવી કોફિને આ કામ ૩૦-૪૦ વર્ષ કર્યું. દક્ષિણમાંથી ગુલામોને નસાડી લાવે, કોઈ જાતે નાસી આવ્યા હોય એ બધાને આશરો આપે, કપડાલત્તાં — ખોરાક આપે ને અમેરિકાની બહાર સેંકડો માઈલ દૂર જે બ્રિટનનું સંસ્થાન હતું, જ્યાં ગુલામી નહોતી, ત્યાં કેનેડા મોકલી આપે. આની લાંબી સાંકળને ઇતિહાસમાં ‘ભોંયભીતર ચાલતી રેલગાડી’ કહી છે. પણ વસ્તુતઃ એ છેક કેનેડા સુધીનાં થાણાં હતાં. ત્યાં બધાંને સંતાડી, સાચવી યોગ્ય સ્થળોએ પહોંચાડવામાં આવતાં. આમાં કેવાં જોખમો, સાહસો હતાં, ઠંડા લોહીની કેવી તાકાત પ્રગટતી હતી, તેનું આત્મકથન લેવી કોફિને કર્યું છે, તેનું પુનઃ પુનઃ ધર્મગ્રંથની જેમ પારાયણ કરવા જેવું છે. લેવી કોફિને ૨૦થી ૭૦ વર્ષની ઉંમર સુધી, અરધી સદી સુધી, વિકટ કામ કર્યું. તેના ઘરમાં ભોંયરાં હોય, પાછળ વાડામાં ઓરડીઓ હોય, ઉપરના માળે કાતરિયાં હોય, તેમાં ગુલામોને સંતાડી રાખે. કોઈક વાર દિવસો ને અઠવાડિયાં સુધી તેમને સાચવવાં પડે. લેવી કોફિન બધા સંજોગો માટે તૈયાર. એમની આત્મકથાનું કોઈ ગુજરાતી કરે તો યશદાયી કામ થાય.