સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/છાયા-પ્રકાશના વણાટમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          નાનાભાઈના આશિષ અને ભરોસાથી મેં ગ્રામદક્ષિણામૂર્તિ અને લોકભારતી, બે નવપથવાળી સંસ્થાઓ બાંધી, ચલાવી; હજારો વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ નીકળ્યાં અને ગુજરાતના ખેતી, ગ્રામવિકાસ કે કેળવણીના કામમાં યશસ્વી રીતે પથરાઈ ગયાં. એ કામનું મને અવશ્ય ગૌરવ છે, પણ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ [નવલકથા] પૂરી કરી શક્યો તેનો આનંદ અદકેરો છે. સંસ્થાઓ તો તેની પરંપરા સમજીને જાળવનારા કાર્યકરો મળે તો જ જીવંત રહે છે, નહીં તો રહે છે ફક્ત મકાનો અને તુચ્છ અહમહમિકા. પણ રોહિણી, સત્યકામ, હેમંત, ગોપાળબાપા,અચ્યુત, રેખા છે મારું આવતીકાલનું ગુજરાત. ગુજરાતે પોતાનું સત્ત્વ જાળવીને બધા અંશો, બધી સુષમા, શોભા સ્વીકારવાનાં છે. તે સિવાય ભારતનો પણ આરો નથી. હવે કોઈ એકાકી નથી. “No man is an island.” આ વાત કવિ જોન ડને અદ્ભુત આર્ષવાણીમાં કહી છે : “Any man’s death diminishes me, because I am involved in mankind.” ચારેક શતકો પહેલાં કથેલ આ વાણી આજે તો અવગણ્યે ચાલે તેમ નથી. બીજાં મરતાં હોય ત્યારે આપણે પણ અંશતઃ મરીએ છીએ. પછી તે અફઘાનિસ્તાન હોય, હંગેરી હોય કે દક્ષિણ આફ્રિકા. દુખો અકારણ આવતાં નથી. અન્યાયકારી લાગતાં દુખો પણ આ અણસમજભર્યા સંસારનો એક ભાગ છે. સંસાર સુર-અસુરના સંગ્રામ જેવો છે. માત્ર તેની નિગૂઢતા, શોકમય રમણીયતા એમાં છે કે ત્યાં સુરમાં કોઈ વાર અસુર અને અસુરમાં કાંઈક સુર મળી આવે છે. આ છાયા-પ્રકાશના વણાટમાં આંસુ અને હર્ષભીના સંસારની છબી ઊપસી આવે છે.