સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/જુલમ સામેનું કવચ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          રાજ્ય ‘સેક્યુલર’ હોવું જોઈએ કે નહીં તેનું મંથન ચાલી રહ્યું છે. ઝેર નીકળશે કે અમૃત તેનો આધાર ચર્ચા ટોળું કરે છે કે સમજદાર લોકો, તેના પર છે. આ સેક્યુલર રાજ્ય છે. તેનો સામાન્ય અર્થ તે બિનસાંપ્રદાયિક રાજ્ય છે, તેને મન બધા ધર્મો સરખા છે અને કોઈનીય તરફેણ તે કરતું નથી, તેવો કરવામાં આવે છે. પણ તે પૂરો અર્થ નથી. આ વિચાર જવાહરલાલે આપ્યો. બહુ ધર્મોવાળા આ દેશમાં એક ધર્મનું રાજ્ય ચાલે નહીં, એટલે સેક્યુલર રાજ્યવ્યવસ્થા એમણે સૂચવી. પણ તેમાં કોઈ ધર્મ તરફ પક્ષપાત ન કરવો કે કોઈ દખલ ન કરવી તેટલો જ અર્થ હોત, તો હિન્દુ ધર્મના ઠરાવેલા રીતરિવાજોમાં મહત્ત્વના ફેરફાર કરતું હિન્દુ કોડબિલ તેઓ કેવી રીતે લાવત? એનો અર્થ એમ થાય છે કે બિનસાંપ્રદાયિક રાજ્ય પણ ધર્મમાં સુધારા કરી શકે છે. પણ આવો જ કાયદો મુસ્લિમો માટે ન લાવ્યા, તેથી ભારતીય જનતા પક્ષ આને મુસલમાનોની તરફદારી તરીકે ઘટાવે પણ ખરા અને આ બિનસાંપ્રદાયિકતા ઢોંગી અને હિન્દુવિરોધી છે તેમ કહી શકે. પણ હકીકતમાં એ તથ્ય નથી. કહેવું એમ જોઈએ કે બિનસાંપ્રદાયિકતા તો બરાબર જ છે અને તે મુજબ મુસ્લિમ ધર્મમાં પણ સુધારો કરો, બીજા ધર્મોમાં પણ કરો. મૂળ વાત એ છે કે બિનસાંપ્રદાયિકતાનો અર્થ કોઈ ધર્મમાં દખલ ન કરવી, ચાલતું હોય તેમ ચાલવા દેવું — રામાય સ્વસ્તિ, રાવણાય સ્વસ્તિ, તેવો નથી. ઇતિહાસમાં એક લાંબો ગાળો બધે એવો આવ્યો છે જેમાં રાજ્ય ધર્મસત્તાની નીચે કે તેની દોરવણી મુજબ ચાલતું. રાજ્યનું કર્તવ્ય કે અકર્તવ્ય ધર્મસંસ્થા નક્કી કરે. આ દેશમાં જન્મે બ્રાહ્મણ હોય તેનો વધ રાજ્ય ન કરે. શૂદ્રને ઊંચે આવવા ન દે. નવા નવાણમાં કે કિલ્લામાં શૂદ્રનો બલિ અપાય. અસ્પૃશ્યો અસ્પૃશ્યો જ રહે. સતીમાતાના ચિતારોહણ વખતે રાજા હાજર રહી આશીર્વાદ માગે. પૃથ્વી ગોળ છે તેમ કહેનારને સજા થાય. શૂદ્ર શંબૂક તપ ન કરી શકે, તપ કરતો હોય તો ધર્મમાં માનનાર રામે તેનો વધ કરવો જ જોઈએ. આવા નિયમો ધર્મે ઠરાવેલા. રાજા તેનો અમલ કરનાર અધિકારી હતો. આવા ઘણા ખ્યાલો વહેમ ગણાય અને તેને પળાવી ન જ શકાય, તેવી વાત વિજ્ઞાનના વિકાસ સાથે આગળ આવી. પ્રશ્ન પુછાયો કે પૃથ્વી ગોળ છે એમ કહેનાર ગેલીલિયો સાચો કે પૃથ્વી ગોળ નથી તેમ કહેનાર ધર્મગુરુ સાચો? રાજ્ય કોના નિયમની નીચે ચાલે? ધીમે ધીમે એવું સ્વીકારાયું કે રાજ્ય ધર્મનું નહીં, રાજ્ય રાજાનું પણ નહીં. રાજા પણ પક્ષપાત કરતો હોય, તે પણ ધર્મગુરુ જેટલો જ અજ્ઞાની અને આપખુદ હોઈ શકે. એવા રાજાઓ થયા કે જે કહેતા કે “હું રાજ્ય છું; મારાથી અલગ રાજ્ય જ ન હોઈ શકે”. અને એ રાજા દેવાંશી કહેવાયા. વિજ્ઞાને કહ્યું કે આ નવો વહેમ છે, તેને સત્યનો આધાર નથી. તે ઝઘડામાં રાજા પણ ગયા અને રાજ્યકારોબાર નાગરિકોના હાથમાં આવ્યો; તેના ત્રાણ પાયા : (૧) રાજ્ય ભલે ભલું કે બૂરું ચાલે, પણ તેનું છેવટનું પરિણામ નાગરિકોએ જ ભોગવવાનું છે. તેથી નાગરિકો જ રાજ્ય વિષે છેવટનો અધિકાર ભોગવે. એટલે કે રાજ્ય નાગરિકોનું. (૨) તે રાજ્ય આંતરે આંતરે બદલાતું રહે. (૩) અને તેમાં ઝાઝા કે થોડા નાગરિકો અન્ય નાગરિકો પર આપખુદી ન કરી શકે તે માટે આ નાગરિકતંત્રાને પણ સીધું રાખવા મૂળભૂત અધિકારો અને સ્વતંત્રા ન્યાયસત્તા રહે. મૂળભૂત અધિકારો નીચે સત્યની શોધ કશા અવરોધ વિના ચાલુ રહી શકે અને નિયત ઢબે કરેલા કાયદાનું પાલન ન થાય તો ન્યાયતંત્રા રાજ્યસત્તાને તે બાબતમાં અંકુશમાં રાખી શકે. આ વ્યવસ્થાનું પરિણામ એ આવ્યું કે ધર્મની સત્તા ગઈ જ. આ અર્થમાં સાધુ-સંન્યાસી કે શંકરાચાર્યોને રાજકીય સત્તા ચલાવવાનો અધિકાર ન રહ્યો. બીજું પરિણામ એ આવ્યું કે સાબિત થયેલા સત્યથી વિરુદ્ધ જે કથની કે કરણી ધર્મસંસ્થા ચલાવે તેને નાગરિકસત્તા રોકી શકે. હિન્દુ કોડબિલ કરી હિન્દુસમાજમાં સુધારા કર્યા તે આ અધિકારને દાવે. તેવું જ બધા ધર્મો માટે થવું જોઈએ. આ અર્થમાં સેક્યુલરિઝમનો પાયો બિનસાંપ્રદાયિકતા જ નથી, તેનો શિલાન્યાસ ધર્મસત્તાને બદલીને બંધારણીય અંકુશોવાળી નાગરિકસત્તા છે. છેલ્લા અર્થમાં તેનો આધાર નક્કી ધોરણે થયેલો કાયદો છે. સેક્યુલરિઝમે આ અર્થમાં ધર્મ અને રાજ્ય બંનેને પદભ્રષ્ટ કરી નાગરિકસત્તાને સ્થાપિત કરી છે. આ સમતોલ વ્યવસ્થાને કારણે સ્વાતંત્ર્ય અને સત્યની શોધ ચાલુ રહે છે, અને છતાં સમાજ સ્થિરપણે વિકસતો રહે છે. તેમાં વિલંબ થાય તો પણ પ્રજાની આળસને કારણે, તેમાં ઝડપ આવે તો પણ તેમને કારણે. નાગરિક જ કર્તા-ભોક્તા અને નિયંતા છે. આ છે બંધારણીય સ્વાતંત્ર્યનો ઉદય. ન ધર્મશાહી, ન રાજાશાહી, ન ટોળાંશાહી. ટોળું લોકશાહીનું વિરોધી છે. રાજા કે ધર્મસત્તાની જેમ ‘મારું જ તમારે માનવું પડશે, નહીંતર બાળી-તોડી નાખશું’, એવું તે કહે છે.

[‘સ્વરાજધર્મ’ પખવાડિક : ૨૦૦૧]