સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/ધનનું ધન
છેલ્લાં પચાસ વર્ષમાં ઘણી શોધો થઈ છે. ચંદ્ર પર અને સૂર્યમંડળમાં રોકેટો, ઉપગ્રહો મોકલવાની અદ્ભુત શોધો માણસે કરી છે. પણ છેલ્લાં પચાસ વર્ષમાં થયેલી મોટામાં મોટી શોધ હું બાલશિક્ષણશાસ્ત્રાની ગણું છું. મારી અફર શ્રદ્ધા છે કે જો માણસજાતને મુક્તિનો અનુભવ લેવો હશે, તો તેણે બાલશિક્ષણની આ શોધ પાસે આવવું પડશે. ત્યારે જ શાંતિનું ક્ષેત્રા વિસ્તરશે, ત્યારે જ મુક્તિનું સાચું પ્રભાત ઊઘડશે. એટલે બાલશિક્ષણનું કામ એક ધાર્મિક કામ છે, ને બાલશિક્ષકો શાંતિ-સૈનિકો છે. આવું કામ કરનારા શિક્ષકો ભારે આદરને પાત્રા છે. કારણ કે સમાજના સ્વાસ્થ્ય ને સુખ માટે તેઓ પાયાનું કામ કરી રહ્યા છે. આપણાં ધન, આબરૂ, સુખાશા એ બધાંને માટે આપણે વારે વારે શેરબજાર, પોલીસ કે અદાલત તરફ જોઈએ છીએ. તેને બદલે જો આપણે બાલમંદિરો તરફ જોતા, બાલમંદિરો પાસેથી મદદ માગતા થઈએ, તો સંભવ છે કે આપણી આશા વહેલી સફળ બને. કારણ કે ધનનું ધન આખરે તો આપણાં સુશીલ સંતાનો છે, અને તેમને સુશીલ બનાવવાની મોટામાં મોટી શક્યતા યોગ્ય બાલશિક્ષણમાં છે. કેળવણીનું ધ્યેય આમ તો સનાતન છે : વિદ્યાર્થીને માણસ બનાવવો. રુસોએ સુયોગ્ય રીતે જ કહ્યું છે કે, “મારો વિદ્યાર્થી લશ્કરમાં, દેવળમાં કે ન્યાયાલયમાં જશે, તે મને બહુ સ્પર્શતું નથી; પહેલાં તે માણસ થશે.” આનો અર્થ સ્પષ્ટ છે કે જે સારો માણસ નથી તે સારો સિપાહી, સારો ધર્મગુરુ કે સારો ન્યાયાધીશ ન થઈ શકે. પણ આખરે તો આ સારપ કોઈ ને કોઈ રીતે અમુક સમય કે સ્થળમાં મૂર્તિમંત થવાની હોય છે. કેળવણીના સિદ્ધાંતો સાચા હોય તોપણ તેને કાર્યરત તો યુગની માંગ પ્રમાણે જ કરાય. તેમ ન થાય તો ઉત્તમમાં ઉત્તમ વિચાર નિષ્પ્રાણ કે ભ્રામક કાર્યક્રમોમાં પડયો રહે. સનાતન સત્યે યુગધર્મમાં પરિવર્તિત થવું જ જોઈએ. ગઈ સદીનાં કેટલાંયે દૃઢ મનોબળવાળાં, સહજ તપ કરવાવાળાં સ્ત્રી-પુરુષોનાં હૃદયસ્પર્શી શબ્દચિત્રો શ્રી મુકુન્દરાય પારાશર્યે આપ્યાં છે. એ વાંચતાં ઘણી વાર હું ગદ્ગદ્ થયો છું. પણ હરેક વાચને મને થયું છે કે, આવાં ધાર્મિક સ્ત્રી-પુરુષો હોવા છતાં આ દેશ ગુલામ કેમ બન્યો? અહીં અસ્પૃશ્યતા શા માટે? અહીં સતીનો રિવાજ, બાળકીને દૂધપીતી કરવાનો રિવાજ, સ્ત્રીઓને તુચ્છ ગણવાનો ચીલો કેમ? શા માટે આ ધાર્મિક પુરુષો કે સ્ત્રીઓનું ધ્યાન એ બાજુ ન ગયું? અને ગાંધીએ એ જ તપ અને ધર્મવૃત્તિનું આચરણ કર્યા છતાંયે, એ જ ગુલામી અને દૂષણો સામે શા કારણે બળવો કરતાં શીખવ્યું? તેનું સાદું કારણ ધર્મના સનાતન અને નૂતન યુગાનુકૂળ સ્વરૂપ વિશે તેમની સ્પષ્ટ સમજ હતી, તે લાગે છે.