સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/નરસિંહનાં પ્રભાતિયાંના પડઘા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          નરસિંહનાં પ્રભાતિયાં સૈકાઓ સુધી ગુજરાતના શિક્ષિત-અશિક્ષિતોના ઊઘડતા પ્રભાતને રસાળું ઉજમાળું કરતાં રહ્યાં છે. એની વાણી કંઈકની સવારને સોહામણું કરતી. ઊઘડું ઊઘડું થતા સૂર્યને આમંત્રાતાં પ્રભાતિયાંના નાદસ્વરો ઘરને ભરી દેતા. પણ તે ફરી ન લખાયાં. કવિજીવ ‘શશિશિવમે’ — ચંદ્રશંકર ભટ્ટે આ વસમી વાટે પગલાં પાડયાં અને એક એકથી ચડિયાતાં પ્રભાતિયાંથી આ શૂન્ય ખૂણાને અજવાળ્યો. એમાં નરસિંહના વાણી-લહેકા તો છે જ, પણ જાણે નવા ઉમંગથી, પોતીકા અવાજથી કંઈક નવી તાજગીથી તે ગવાયાં છે. આનંદ-ઉમંગ આ પ્રભાતિયાંમાં મૂળ ભાવ છે. કેટકેટલી કડીઓમાં તે ઊભરાય છે! સકળ આકાશમાં મેઘ ગરજે અને ઝબકતી વીજ ભરી ગગન ગાજે; અવનવાં રૂપ સોહામણાં ઊઘડતાં અણદીઠું નયનમાં કંઈ વિરાજે.

શ્વાસના શ્વાસમાં કોણ આ ધબકતો, રક્તના વહેણમાં કોણ સરકે! વિરહનાં આંસુમાં કોણ ટપકી રહ્યો! ઝીલવો કેમ જીવ કંઈ ન પરખે… આવ હવ આંગણે તરફડે જીવ આ, રમ્ય કે રુદ્ર રૂપે વધાવું. એ પરાત્પરને ખોજતાં કવિનું વ્યાકુળ ચિત્ત ઉદ્ગારી ઊઠે છે : ક્યાં હશો ક્યાં હશો, કૃષ્ણ હે જાદવા! વ્યોમમાં ભોમમાં ક્યાં નિહાળું? વળી કહે છે : સ્હાય કર સ્હાય કર, શામળા, સ્હાય કર! ત્રણ ત્રણ વાર ‘સ્હાય કર’ શબ્દ પ્રયોજી કેવા અપાર તલસાટથી કવિ શામળાને પોકારે છે! સરલ પ્રવાહી આર્ત વાણીમાં જાણે મૃદંગનાં બેઉ પડખાં પડઘાય! બાહ્ય જગત, વ્યોમ-ભોમ, વૃક્ષ-વેલી-જલ બધું જ પ્રત્યક્ષ અને અંતરનો ઝુરાપો : નેત્રા વિણ નીરખવો સ્પર્શ વિણ પરખવો. એકેય ઇંદ્રિય — મન સુધ્ધાં — કામ ન આવે, અને છતાં તે છે, અંદર છે, બહાર છે, બધે છે. એ અનુભવ પ્રભાતિયાંમાં નરસિંહે ગાયો અને ચંદ્રશંકરે તેને ફરી સજીવ કર્યો. આ પ્રભાતિયાં અર્વાચીન કવિતામાં અનેરું અર્પણ છે.