સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/નિર્વ્યાજ પ્રેમ : નિરભ્ર બુદ્ધિ
આ બે-ત્રાણ (૧૯૭૩-૭૬) વર્ષમાં મારું અવલોકન કરું છું, તો આદર્શવાદ રહ્યો છે પણ તે માટેની કાર્યશક્તિ અને મરજીવાવૃત્તિ ઘટયાં છે. ઉપરાંત, આ બધાંમાં એક પણ જણ સાથે હોય તેવું રહ્યું નથી. વજુભાઈ ખરા, પણ તે પથારીવશ. બાકીના બધા એક એક સામી બાજુ સરકતા થયા છે. જૂઠાણાં અને ખુશામતનો જે એકધારો અનર્ગળ પ્રવાહ ચાલ્યો છે, તેનાથી ઊબકા આવે છે. દેશમાં ઊંડા, તટસ્થ અભ્યાસનું મૂલ્ય નથી, માન કે શ્રદ્ધા નથી. અભ્યાસ કેટલી તપસ્યા, શિસ્ત, ધીરજ અને — અનુમાનો પોતાની વિરુદ્ધ આવે ત્યારે — કેટલી નૈતિક હિંમત માગે છે તેની કલ્પના નથી. મનુષ્યજીવનનાં મેં બે ચરમ ગિરિશિખરો ગણ્યાં છે; પડતાંઆખડતાં એ દિશામાં ચડયો છું. એક છે નિર્વ્યાજ પ્રેમ, જે મેં ઘણાં વિદ્યાર્થીઓ કે મિત્રોને આપ્યો છે. માનવયાત્રાનું બીજું શિખર મેં માન્યું છે નિરભ્ર બુદ્ધિની ઉપાસના — નિરભ્ર બુદ્ધિ, જે સમતોલ રહી જેટલું ખરાબ હોય તેટલું જ કહે છે, તલભાર વધારે નહીં; અને તે છતાં સારું હોય તેને સારું કહી આદરમાન રાખે છે. રામકૃષ્ણદેવ — ગાંધીજીને પ્રતાપે મને કોઈના પ્રત્યે દ્વેષ કે વેર થયેલ નથી, અને જ્યાં સારું જોઉં ત્યાં કદર કરવાની આદત રહી છે. ઇતિહાસમાં જે સત્ય શોધે છે તેણે પોતાના પ્રિય-અપ્રિયના ગ્રહોને બાજુ પર રાખવા જોઈએ, નહીંતર ઇતિહાસનો દેવતા તેને દર્શન ન દે. મારી એવી આકાંક્ષા છે કે હું તેનાં દર્શન કરી શકું. આથી મેં મારાં પોતીકાં લોકોની ભૂલો પણ જરૂર પડયે દર્શાવી છે, જે પક્ષ કે સંસ્થામાં રહ્યો તેની પણ ભૂલો બતાવી છે; અને આથી હું આ બધાંને ઘણી વાર અણગમતો થયો છું. જેને હું મારાં કહી શકું તેવાં કદાચ જૂજ માણસો છે.