સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/લોટામાંનો રાક્ષસ
એટલું નિશ્ચિત માનજો કે જ્યાં સુધી આજની શિક્ષણપદ્ધતિ આપણે નહિ બદલીએ, ત્યાં સુધી આપણું કામ થવાનું નથી. આજની ભૂંડી કેળવણીથી માણસ નર્યા સ્વાર્થ સિવાય કશું શીખતો નથી. હરામનાં હાડકાં કરવા અને સમાજદ્રોહ કરવા સિવાય બીજી કોઈ વૃત્તિ તેનાથી પોષાતી નથી. પહેલાં તો દસ-વીસ ટકા ભણતા હતા. તેટલો બેઠાડુ વર્ગ કદાચ પરવડી શકે, કારણ કે બાકીનો એંશી ટકા વર્ગ કામ કરતો હોય. વીસ ટકા બેસી રહે તે પણ અન્યાય છે, છતાંય તેથી સમાજ સ્થગિત ન થાય. પરંતુ ૧૦૦ ટકા લોકો બેઠાડુ થાય, તો સમાજનું સત્યાનાશ જ વળે ને! આપણે કહીએ છીએ કે કામ કરનારા નથી મળતા. પણ શેના મળે? આ શિક્ષણથી તો કામ ન કરે તેવાની જ સંખ્યા વધશે. આમાં તો કોઈક મળે તો ચમત્કાર માનવો જોઈએ. જ્યારે આપણે તો લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોઈએ છે. આજની કેળવણી સામે આપણે બંડ ઉઠાવવું જોઈએ. આ ભયંકર વસ્તુ છે. આની આ કેળવણી ચાલુ રહી, તો દસ-વીસ વરસે નવી પેઢી સમૂળગી પાંગળી અને સ્વાર્થી, સમાજદ્રોહી અને દેશદ્રોહી બની જશે — અને ત્યારે પેલા ‘અરેબિયન નાઇટ્સ’ના લોટામાંના રાક્ષસ જેવો ઘાટ થશે. તે હમણાં ભલે બંધ લોટે છે, પણ પછી બહાર નીકળશે.