સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/“તે ચૂકવીને આવીશ”

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          મારા પિતાજી ગુજરી ગયા, તે વખતે મારાં બાને મેં કહ્યું, “હવે તમે આંબલા આવો; અહીં એકલાં રહેવું નહીં ફાવે.” બા કહે : “હજુ અહીં રહેવું પડે તેમ છે. તારા બાપુજી દાણાવાળાની દુકાનેથી જે કાંઈ લાવતા, તેમાં ૭૦-૮૦ રૂપિયા ચૂકવવાના બાકી છે; તે ચૂકવીને હું આવીશ.” મેં કહ્યું, “એ કઈ મોટી વાત છે? હું સાંજે એની દુકાને જઈને રકમ ભરી આપીશ.” મારી બા કહે, “એમ ન થાય, એ પૈસા તો મારે જ ભરવા જોઈએ; એ તો હું વેંત કરીશ.” “તું મારા પૈસા ન લે?” “લઉં જ ને! પણ આ પૈસા મરનારે ભર્યા હોત; હવે એ નથી, એટલે હું ભરીશ.” હું જાણતો હતો કે ઘરમાં કાંઈ નથી. મારા બાપુજીને ૨૦-૨૨ રૂપિયા પેન્શન મળતું. એમાં પોતાનું ચલાવતા ને દીકરીઓ-ભાણેજડાંને ટાણેટચકે સાચવતા. મેં કહ્યું, “બા, તું ક્યાંથી ભરીશ? મરનારના વારસ તરીકે તેનું આ બધું દેણું હું ભરી આપીશ.” બા બોલ્યાં, “તું વારસ, ને ભરે તે વાત સાચી. પણ આ તો હું જ ભરીશ. તું માથાઝીક ન કર.” તે ન જ માન્યાં. ત્રાણ મહિને દેણું ભર્યું. કેવી રીતે કમાયાં હશે? દળણાં દળ્યાં હશે? બાંધણી બાંધી હશે? ભગવાન જાણે! પણ પોતાની જાતકમાણીથી દેણું ભર્યું; પછી જ આંબલા આવ્યાં.