સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુ સુબેદાર/“એટલે અધૂરું મૂકી શકતો નથી!”
અમૃતલાલ પઢિયારની હનુમાન ગલીની ઓરડીમાં સ્વામી અખંડાનંદજીનો મારી સાથે પ્રથમ મેળાપ ૧૯૦૬માં થયેલો. લોકોના હિત માટે ધામિર્ક પુસ્તકો સસ્તાં કેમ મળે તેની યોજનાઓ તેઓ વિચારતા હતા, તેમાં મને તેમણે ભેળવ્યો. ૧૯૩૩માં અમદાવાદના મિલમાલિક અને મજૂરો વચ્ચેના ઝઘડામાં મજૂરો તરફથી ગાંધીજી પંચમાં નિમાયા હતા. પણ તેમની તબિયત સારી ન હોવાથી તેઓ બેંગ્લોરમાં હતા. માલિકોનો તકાદો જલદી ચુકાદો મેળવવાનો હોવાથી પંચમાં ગાંધીજીને બદલે કોઈ બીજાને નીમવાની તેમણે માગણી કરી, એટલે ગાંધીજીએ મને તે જગ્યા ઉપર મૂક્યો ને મારે અમદાવાદ જવું પડ્યું. ત્યારે હું સ્વામીજીને મળવા ગયો. ‘મુસ્લિમ મહાત્માઓ’ પુસ્તક સ્વામીજીને અત્યંત પસંદ હતું અને ત્યારે તેમાંથી તેઓ હંમેશ થોડું વાંચતા. તેમાં એક ઓલિયા સંતે એમ કહ્યું છે કે, જ્યાં તારી પ્રતિષ્ઠા હતી ત્યાં જ તારું અપમાન થાય એવી રીતે વર્તવાથી ઈશ્વરને મળવાનો રસ્તો સુલભ થઈ જશે. પોતાના જીવનમાં થયેલી એક મોટી ભૂલ અને તેનાં પરિણામો તે વખતે સ્વામીજીએ મને કહી દેખાડ્યાં. જનસમાજમાં પ્રતિષ્ઠાની ઇચ્છા, એ યોગીઓના માર્ગમાં સૌથી છેલ્લી આડખીલી ગણાય છે અને સાધકદશામાં થયેલી ભૂલો જગત પાસે ખુલ્લી મૂકવામાં અજબ બળ મળતું લાગે છે. ‘મો સમ કૌન કુટિલ ખલ કામી?’ એ સુરદાસનું ભજન સ્વામીજીનું અત્યંત માનીતું હતું. ત્યાર પછીનો પ્રસંગ સ્વામીજી ઉપર રાજદ્રોહના ખટલા સંબંધી મારી સલાહ લેવાનો આવ્યો. તે અંગે મુંબઈ સરકારના ગૃહખાતાના સેક્રેટરીને હું મળી આવ્યો. મેં તેમને કહ્યું કે જે સંસ્થા પાંત્રીસ વરસથી ચાલે છે ને રાજકારણથી અળગી રહી છે, તેને હાથે જાણીને તો આવી વાત બને નહીં. બહાર પડેલું પુસ્તક ઉશ્કેરણી કરનારું હતું એમાં શક નથી. મૂળ હિંદી પુસ્તક ૧૯૨૧માં છપાયેલું તેનું ભાષાંતર તૈયાર પડ્યું હશે એટલે વાપરી નાખ્યું હશે. મેં જણાવ્યું કે ગુજરાતમાં ગાંધીજીની પછી દરેક ઘરમાં જેનું નામ જાણીતું છે એવા આ ભિક્ષુ અખંડાનંદ છે, અને તેમનો બચાવ કરવામાં અમારા જેવા ખર્ચ કરવામાં પાછું વાળીને જોશે નહીં. એક સદીમાં ન બની હોય તેવી મોટી બીના આ થઈ જશે, માટે કેસ પાછો ખેંચી લેવો. પબ્લિક પ્રોસીક્યૂટરે તો, સ્વામીજી તરફના માનને લીધે, “આ કેસ હું નહીં ચલાવી શકું” એવું લખ્યું હતું જ. આ બધી વાત સાંભળીને હોમ સેક્રેટરીએ કેસ પાછો ખેંચી લેવાનો હુકમ કર્યો. આગળ જતાં સ્વામીજીએ સંસ્થા આટોપી લેવાનો નિર્ણય કર્યો. તેમના અવસાન પછી કાંઈ બાકી રહી ગયું હોય તો ટ્રસ્ટીઓ તે કામ પૂરું કરે, તેવી સૂચના સાથે એમણે વિલ બનાવ્યું. મને પણ ટ્રસ્ટી થવાનું કહ્યું. મેં હા તો પાડી, પણ સારું કામ તોડી પાડવામાં મને કેમ જોડો છો, એવું પૂછ્યું. ત્યારે તેમણે યોગ્ય માણસો માટે કરેલી શોધના નિરાશાજનક પરિણામની વાત કરી. પણ પછી સંસ્થા બંધ કરવી કે ચાલુ રાખવી તેનો નિર્ણય તેમણે ટ્રસ્ટીઓ પર છોડી દીધો. આખર જતાં સ્વામીજી ત્રણત્રણ દરદોથી પીડાતા હોવા છતાં રોજ નડિયાદથી અમદાવાદ રેલવેમાં આવતા અને પોતાના કાર્યને ચૂકતા નહીં. એક ગૃહસ્થ તેમને પિછાને, પણ વાતનો પ્રસંગ પડેલો નહીં. એક દિવસ તેના ડબ્બામાં સ્વામીજી આવી ચડ્યા, તો આ ભાઈ રાજી થયા કે આજે વાતો કરીશું. પણ સ્વામીજીએ તો આવતાંની સાથે પ્રૂફો અને પેનસિલ કાઢીને કામ શરૂ કરી દીધું, તે ગાડી અમદાવાદ ઊભી રહી ત્યારે પૂરું થયું. ત્યારે આ ભાઈએ પૂછ્યું કે, “સ્વામીજી, આપની તબિયત સારી નથી, આટલું કષ્ટ થાય છે, છતાં આટલો શ્રમ શા માટે લો છો?” સ્વામીજીએ જવાબ આપ્યો : “જો મારું કામ હોય તો છોડી દઉં, પણ ઈશ્વરનું કામ છે એટલે અધૂરું મૂકી શકતો નથી.” સ્વામીજીનું મનોબળ અગાધ હતું; કેટલાકને તેમાં હઠ કે દુરાગ્રહ જેવું લાગતું. પણ મહાત્માઓની તો એવી જ ભાવના હોય છે કે પોતાની પાસે જે હોય તે બીજાઓને આપતા જવું. સ્વામીજીએ મારા ઉપર લખેલા છેલ્લા (તા. ૧૦-૧૦-૪૧ના) પત્રમાંથી થોડો ઉતારો આપીને પૂરું કરું : “દીપકને સળગતો રાખવા માટે તેલ-પાવરની જરૂર રહે છે, તેમ મનુષ્યને હૃદયમાં આધ્યાત્મિક જ્યોત સળગતી રાખવા માટે નિત્ય સ્વાધ્યાય બહુ જરૂરી છે. આ સેવક પણ જ્યારે ને જ્યાં સમય મળે ત્યાં ત્યાં સ્વાધ્યાય થઈ શકે તે માટે પુસ્તકો સાથે જ રાખે છે, જેથી નિરર્થક જતા સમયનો ઉપયોગ થઈ શકે.” [‘ભિક્ષુ અખંડાનંદ’ પુસ્તક : ૧૯૪૭]