સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનોજ ખંડેરિયા/રસ્તા વસંતના

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતનાં
મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના લૈ
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના
આ એક તારા અંગે ને બીજો ચમન મહીં
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના
મ્હેકી રહી છે મંજરી એકેક આંસુમાં
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના
ઊડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના
ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે
પાછા ફરી ન આવશે તડકા વસંતના