સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહાદેવ દેસાઈ/પેગંબરોની તો અવગણના જ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ઈશુનું જીવનચરિત્રા લખનાર [ઈટાલિયન ફિલસૂફ] પેપીની (૧૮૮૧-૧૯૫૬) લખે છે કે યહૂદીઓને જાગ્રત કરનારા જેટલા પેગંબરો મળ્યા, તેટલા ભાગ્યે જ કોઈને મળ્યા છે, અને છતાં તેમનો અવાજ પણ તેમના જમાનાને કાને ન પડ્યો. આપણે ત્યાં આજે એવું જણાય છે? એવું જણાતું હોય તોયે પેગંબરનું કામ જ એવું રહેલું છે, પેગંબરોનો ઇતિહાસ જ એવો છે, એમ સમજીને આપણે આશ્વાસન મેળવીએ. આ રહી પેપીનીની ચમત્કારિક ભાષા : “પેગંબરને પોતાના જમાનાનો સડો પ્રત્યક્ષ ભાસે છે, એનું હૈયું ચિરાય છે; આ પાપ ન ફેડીએ તો આવી પડનારી આફતની પણ એની નિર્મળ દૃષ્ટિ આગાહી કરે છે, અને જો ચેતીએ તો ફેલાનારી સુખશાંતિનું પણ એને દર્શન થાય છે. એ મૂંગાનું દુખ પ્રગટ કરનાર છે, અજ્ઞાનનું દુઃખ જણાવનાર છે; પીડિત અને રઝળતાંનો એ બેલી છે, ગરીબનો રક્ષક છે, અને ત્રાસ આપનારાઓની ખબર લેનારો છે. જુલમ ખમનારાઓની વહારે એ ધાય છે, ભૂખ્યા અને અનાથની પેરવી કરે છે. એટલે જ રાજાઓ અને સત્તાધીશો એની ભાગ્યે જ બરદાસ્તી કરે છે, ધર્મગુરુઓ એને દુશ્મન માને છે, તવંગરો એની ઘૃણા કરે છે.” અનેક જમાનાઓ ઉપર સાચી પડેલી એ વાત વારંવાર સાચી પડતી આવી છે. એટલે પેગંબરોની અવગણના અને ઘૃણા થાય છે એને સ્વાભાવિક સમજી, આપણે આપણી શક્તિ પ્રમાણે એમનો સંદેશો જેટલો પચાવી શકીએ તેટલો પચાવીએ.