સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહાવીર/કેવો અમારો એ નેતા હતો!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          સરદાર વલ્લભભાઈને હૃદયરોગ થયો પછી એ દિલ્હીથી દહેરાદૂન આરામ લેવા માટે અવારનવાર જતા. એક વાર હું દિલ્હી ગયો ત્યારે સંદેશો મળ્યો કે સરદારે મને યાદ કર્યો છે અને મને તરત દહેરાદૂન લઈ જવા માટે મોટરગાડીની વ્યવસ્થા કરી છે. હું એમની પાસે પહોંચ્યો એટલે સરદાર બોલ્યા, “શંકર, પેલો કાગળ કાઢો. શુભ કાર્ય કરતાં પહેલાં બ્રાહ્મણને પૂછવું જોઈએ.” હું તો ચકિત થઈ ગયો: “શેનો કાગળ?” સરદારે કહ્યું, “તમને એક અગત્યની બાબત વિશે ચર્ચા માટે બોલાવ્યા છે.” કાગળ આવતાં આવતાં તો આજુબાજુ મણિબહેન, અંગત મદદનીશ વગેરે એવી રીતે ગોઠવાઈ ગયાં કે જાણે કોઈ મુકદ્દમો ચાલવાનો હોય નહીં! શ્રી શંકરે પરબીડિયામાંથી પત્ર કાઢ્યો ને મારા હાથમાં મૂક્યો. જોયું તો એ જવાહરલાલ નેહરુ પર લખેલો હતો. એના શબ્દો તો મને યાદ નથી. પણ મારી આંખો ત્યારે શબ્દ અને શબ્દના અર્થને પાર કરીને એક જુદું જ ચિત્ર જોઈ રહી હતી. એ પત્ર પહોંચ્યા પછી તેના પરિણામે જે અંધકારમય ચિત્ર ભારતની સામે ખડું થવાનું હતું, તે નિહાળતો હું આખો પત્ર વાંચી ગયો, તે પછી પણ હજી વાંચતો જ રહ્યો. સરદારે પૂછ્યું, “વાંચી રહ્યા?” મારે શો જવાબ દેવો? પત્રની જગ્યાએ હવે ખુલ્લી આંખે સરદારનો ચહેરો જ હું વાંચી રહ્યો હતો. મણિબહેન અને શંકર મારા મોં તરફ તાકીને જોઈ રહ્યાં હતાં. કેમ જાણે અંતિમ નિર્ણય કરવાનો અધિકાર આ બ્રાહ્મણના હાથમાં સોંપવામાં આવ્યો ન હોય! મને લાગ્યું કે પરિસ્થિતિને હું જે રીતે સમજ્યો છું તેના કરતાં એ વધારે ગંભીર છે. ઉતાવળમાં મેં કહ્યું, “રજા આપો તો આ બગીચામાં દસ મિનિટ આંટા મારું અને કાગળનો મર્મ પચાવી લઉં.” સરદાર હસીને બોલ્યા, “હા, જાવ; મેં આનો નિર્ણય તમારી ઉપર જ છોડ્યો છે.” હું ઊઠીને બહાર આવ્યો. વિચારવા લાગ્યો કે શો જવાબ દઉં. મારા જીવનની સૌથી મોટી પરીક્ષા સામે આવીને ઊભી હતી. મૂળ વાત એ છે કે મનુષ્ય જ્યારે કિંકર્તવ્યમૂઢ બની જાય અને પોતાની સમસ્યાનો ઉકેલ ન શોધી શકે, ત્યારે ભલભલાં મગજ “શૂન્ય સ્તર” (ઝીરો લેવલ) પર ઊતરી જાય છે. દિલને ભારે ચોટ લાગી હોય ત્યારે એવા વખતે પછી જીવનની મોટામાં મોટી સમસ્યાનો ઉકેલ સિક્કો ઉછાળીને લેવો પડે છે. મને લાગે છે કે તે દિવસે સરદાર સાહેબના હાલ એવા જ થયા હતા. નહીં તો આવા વિચારવાન પુરુષ મારા જેવા તુચ્છ સેવક સાથે આવી ગંભીર બાબતની ચર્ચા શીદને કરે? ફરતાં ફરતાં મને ઝાઝી વાર થઈ ગઈ. એટલામાં સરદારે મને બોલાવ્યો: “શો વિચાર કર્યો?” ભારતનાં એટલાં ભાગ્ય કે તે ઘડીએ મારી જીભ પર સરસ્વતી આવીને બેસી ગઈ. કાંઈ સમજ્યા-કર્યા વિના હું બોલવા લાગ્યો: “પત્રની ભાષા ઘણી સરળ ને સીધી છે. વજનમાપમાં બરોબર છે. જે આશયથી પ્રેરાઈને પત્ર લખાયો છે તે પણ ઉચ્ચ કોટિનો છે. આ સંબંધમાં તમે જે વલણ લીધું છે તેની સામે કોઈ આંગળી પણ નહીં ઉઠાવી શકે. પરંતુ આટલું સમજી લેજો કે મહાત્મા ગાંધીના ગયા પછી એક તમે અને બીજા જવાહરલાલ, એ બેના ઉપર દેશની આશા બંધાઈ છે. આ પત્ર દિલ્હી પહોંચતાંની સાથે કોંગ્રેસની સરકારનો અંત આવી જશે. જનતા તો તમને સાથ આપશે; પરંતુ ઇતિહાસનો ચુકાદો તમારી વિરુદ્ધમાં પડશે. દેશ પર જે આફત ઊતરી પડશે, તેની તમામ જવાબદારી તમારી પર આવવાની અને જ્યારે બધું નષ્ટભ્રષ્ટ થઈ જશે, ત્યારે એનું સૌથી વધારે દુખ તો તમને જ થવાનું છે. અને જે બાબત અંગે તમે પત્ર લખો છો તેનો પણ આથી નિવેડો આવી જશે, એવું પણ મને લાગતું નથી.” સરદાર બોલ્યા: “પણ જે કાંઈ આજે બની રહ્યું છે, તેને શું એમ જ ચાલવા દેવાય? તેમાંથી જે પરિસ્થિતિ સરજાશે, એ શું ઓછી વિનાશકારી હશે? લોકો તો મને પૂછવાના કે, તું પણ વર્કિંગ કમિટીનો મેમ્બર હતો, તેં આવી પરિસ્થિતિ રોકવા શું કર્યું?” મેં કહ્યું: “એથી તો મારો પણ એવો મત છે કે પત્ર મોકલવો જરૂર. પરંતુ રાજેન્દ્રબાબુને એમ લખીને મોકલવો કે, બીમાર હોવાથી અહીં એકલો પડ્યો છું. જેની સાથે મંત્રણા કરી શકું એવો કોઈ સાથી અહીં નથી. વર્કિંગ કમિટીની બેઠકમાં હાજર રહી શકું એવી સ્થિતિ નથી. બેઠકમાં ચર્ચવાના મુદ્દા (એજન્ડા) જોઈને મારા મન ઉપર જે અસર થઈ છે, તેને પરિણામે જવાહરલાલ પર આ પત્ર લખેલો છે. તમે કોંગ્રેસના પ્રમુખ છો, એટલે મારી ઇચ્છા છે કે પત્ર પહેલાં તમને બતાવી લઉં. કૃપા કરીને એ વાંચીને જવાહરલાલ પર મોકલી આપશો?” “બસ થયું. શંકર, આ બ્રાહ્મણની વાત માનો અને પત્ર સત્વર રાજેન્દ્રપ્રસાદને પહોંચાડી દો.” વાત એમ હતી કે ભારતમાંથી મેઓ નામની જાટ પ્રજા પાકિસ્તાનમાં ચાલી ગઈ હતી. એમને પાછા બોલાવીને ફરી વસાવવાના હતા. એ પ્રશ્ન ઉપર પ્રધાનમંડળમાં બે વાર નિર્ણય લેવાઈ ગયેલો હતો. એમ છતાં એક સભ્યના આગ્રહથી પ્રશ્ન કોંગ્રેસની વર્કિંગ કમિટી પાસે મુકાયો હતો. પ્રધાનમંડળનો નિર્ણય બદલવાની એ તરકીબ હતી. અને સરદાર સાહેબને એ વાત મંજૂર નહોતી. બીમાર હોવાથી કમિટીની બેઠકમાં એ જઈ શકે તેમ નહોતા. એટલે પ્રધાનમંડળ અને વર્કિંગ કમિટી બંનેમાંથી રાજીનામું આપવાનું ઠરાવ્યું હતું. વાતોમાં ને જમવામાં સમય વીતી ગયો. ટેલિફોનની ઘંટડી વાગી: દિલ્હીથી સરદાર સાહેબ માટે ફોન છે. તેઓ વાત કરીને પાછા ફર્યા ત્યારે એમના મોં પર હાસ્ય હતું: “રાજેન્દ્રબાબુ પણ આપણી સાથે સહમત છે. એમણે એ બાબત એજન્ડામાંથી કાઢી નાખી છે.”

બીજા એક પ્રસંગે સરદાર પાસે હું ગયો હતો. ત્યારે મણિબહેનના સાડલા પર એક મોટું થીગડું જોઈને મારાથી બોલાઈ જવાયું: “મણિબહેન, રાજા રામનું કે કૃષ્ણનું પણ નહોતું એવડું મોટું રાજ્ય, અશોકનું યે નહીં કે અકબરનું યે નહીં અને અંગ્રેજોનું યે નહીં એવું અખંડ ચક્રવર્તી રાજ્ય જેમણે સ્થાપી દીધું છે એવા, મોટા રાજા-મહારાજાઓનાયે સરદારની પુત્રી થઈને આવો થીગડાંવાળો સાડલો પહેરતાં તમને શરમ નથી આવતી? અમારા દહેરા ગામની બજારમાંથી નીકળશો, તો લોકો સમજશે કે કોઈ ભિખારણ જાય છે ને આનો-બે-આના તમારા હાથમાં મૂકશે!” મારી મશ્કરીથી સરદાર પણ હસ્યા ને બોલ્યા, “બજારમાં ઘણા લોકો હોય છે, એટલે આનો-બે-આના કરતાં કરતાં મોટી રકમ ભેગી થઈ જશે!” સુશીલા નય્યર હાજર હતાં, તે કહે: “ત્યાગીજી, આ મણિબહેન આખો દિવસ ઊભે પગે સરદાર સાહેબની સેવા કરે છે, ડાયરી લખે છે, અને પાછાં રોજ નિયમિત ચરખો ચલાવે છે. તેમાંથી જે સૂતર નીપજે છે, એનાં સરદાર સાહેબનાં ધોતિયાં ને પહેરણ બને છે. તમારી જેમ સરદાર સાહેબ ખાદીભંડારમાંથી કપડાં ક્યાં ખરીદે છે? અને સરદાર સાહેબનાં ઊતરેલાં કપડાંમાંથી મણિબહેન પાછાં પોતાનાં કપડાં બનાવી લે છે!” ફરી સરદાર બોલી ઊઠ્યા, “ગરીબ માણસની દીકરી છે. સારાં કપડાં ક્યાંથી લાવે? એના બાપ ક્યાં કશું કમાય છે?” એટલું કહીને સરદારે પોતાનાં ચશ્માંનું ખોખું બતાવ્યું—વીસેક વરસનું જૂનું હશે. ચશ્માંની એક દાંડી હતી, બીજી તરફ દોરો બાંધ્યો હતો. ત્રીસ વરસની જૂની એમની ઘડિયાળ પણ જોઈ. કેવો અમારો એ નેતા હતો! કેવો પવિત્ર આત્મા હતો! એ ત્યાગ ને એ તપસ્યાની સિદ્ધિ અમે બધા નવાં નવાં ઘડિયાળ કાંડે બાંધનાર દેશભક્તો ભોગવી રહ્યા છીએ! [‘નગારખાનામાં તતૂડીનો અવાજ’ પુસ્તક: ૨૦૦૧]