સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહીયુદ્દીન મન્સુરી/અધૂરી વાતો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          જયંત કોઠારી સાથેનો મારો સંબંધ એટલે અધૂરી વાતોનો સંબંધ. અધૂરી વાતો એ માટે કે એજન્ડા વિનાની અને વારંવાર વિષયાંતર પામતી અમારી મુલાકાતો કલાકો સુધી ચાલે, તો પણ છૂટા પડતી વખતે અમારી વાતો પૂરી ન થઈ હોય એમ મોટે ભાગે બનતું. અમારી મિત્રતાથી કેટલાકને આશ્ચર્ય થતું. એનું કારણ તેમના અને મારા વ્યક્તિત્વો વચ્ચે બાહ્ય દૃષ્ટિએ દેખાતા તફાવતો હતા. અમે બંને જન્મે જુદા જુદા ધર્મોના હતા એ તો અમારી વચ્ચેનો તફાવત ખરો જ; પણ પહેરવેશ, ખાણીપીણી, વાતચીતની શૈલી અને રાજકીય વિચારો, એ બધાંની દૃષ્ટિએ અમે એકબીજાથી જુદાં પડીએ. ખાવાપીવાનો મને કોઈ બાધ નહોતો. રેસ્ટોરાં કે લારીગલ્લા પર વખતબેવખત ચા-નાસ્તો કરતાં મને સહેજે સંકોચ ન થાય. ઉપરાંત ધૂમ્રપાનનું મારું વ્યસન એવું કે કોલેજના વર્ગની બહાર લોકો મને મોટે ભાગે મોંમાંથી ધુમાડા કાઢતો જ જુએ. અને કોઠારીસાહેબ સાત્ત્વિક ભોજનના આગ્રહી; ધૂમ્રપાનની વાત તો આઘી રહી-તે ચા સુધ્ધાં ન પીએ. બોલવામાં હું સારાનરસા શબ્દો વચ્ચે ભેદ ન પાડું અને છાપી ન શકાય એવા શબ્દોમાં મારા ગમાઅણગમા વ્યક્ત કરું. પણ તેઓ તો જેને અપશબ્દો કહેવાય તેવા શબ્દો ક્યારેય ન બોલે. જોકે ક્યારેક એમના અણગમા ઉગ્રતાથી વ્યક્ત થાય ખરા; પણ તે માટે “આ યોગ્ય ન કહેવાય”, “આ એમને શોભતું નથી”, એવું કંઈક તે કહે; અને જો “બૌદ્ધિક અપ્રમાણિકતા” જેવા શબ્દોનો ઉપયોગ તે કરે, તો તો એ હાડોહાડ લાગી જાય એવી એની અસર કોઈકને થાય. અમારાં વ્યક્તિત્વ વચ્ચે ઘણાબધા તફાવતો હોવા છતાં અમે ગાઢ મિત્રો બન્યા એનું મુખ્ય કારણ કદાચ અમારી વચ્ચે બાહ્ય દૃષ્ટિએ ન દેખાય એવી કેટલીક સમાનતાઓ હોવી જોઈએ. એ સમાનતાઓ કઈ તે હું જાણી શક્યો નથી. અમારાં ઘર ચાલીને જવાય એટલાં અંતરે હતાં. અમે એકબીજાના ઘરે જઈએ-આવીએ. આમ એકબીજાનાં કુટુંબીજનોનો પરિચય થતાં અમે સહકુટુંબ એકબીજાના ઘરે જવા લાગ્યા. અમારી વચ્ચે કૌટુંબિક સંબંધો બંધાયા. ક્યારેક અમે સહકુટુંબ સિનેમા જોવા જતા. તેમના કુટુંબના બધા સભ્યો મારી સાથે એટલા બધા હળીમળી ગયેલા કે અમે અરસપરસ હસીમજાક કરીને જ એકબીજાનું અભિવાદન કરીએ. તેમનાં પત્ની મંગળાબહેન સાથે તો મારો સંબંધ દિયર-ભોજાઈ જેવો. અમે એકબીજાની ટીખળ ન કરી હોય એમ તો ભાગ્યે જ બન્યું હશે, અને અમારી ટીખળબાજી કોઠારીસાહેબ ઉપરાંત ઘરનાં બધાં જ સભ્યો માણે. તેમનાં સંતાનો મારી સાથે કુટુંબના એક વડીલ સ્વજન તરીકે મોકળા મને વાત કરે. જોકે તેમાં દર્શના પ્રત્યે મારો પક્ષપાત વધારે. વાતચીતમાં હંમેશાં હું દર્શનાનો જ પક્ષ લઉં, તેથી મંગળાભાભી તો દર્શનાને મારી દીકરી તરીકે જ ઓળખાવે. ૧૯૬૨માં અમારી મિત્રતા થયા પછીથી બેસતા વર્ષના દિવસે સવારના સમયે હું તેમને મળવા ન ગયો હોઉં એમ ભાગ્યે જ બન્યું હશે. એ દિવસે એમનાં સંતાનો મારી ખાસ રાહ જુએ. મુલાકાતીઓના સ્વાગત માટે જુદી જુદી વાનગીઓથી સજાવેલી મોટી થાળી ટેબલ પર મૂકેલી હોય, તેમાંથી બધી જ વાનગીઓ ભરેલી જુદી પ્લેટથી મારું સ્વાગત થાય. મને ભાવતી વાનગીઓ હું ધરાઈને ખાઉં એટલું જ નહીં, વધુ ભાવતી વાનગી બેશરમ થઈને માંગીયે લઉં. આજે જ્યારે હું જીવનનો સાતમો દાયકો સમાપ્ત કરી રહ્યો છું ત્યારે જીવનના એક રહસ્યને પામ્યો છું, અને તે એ કે સાચું સુખ મિત્રો સાથેની નિખાલસ વાતચીત દ્વારા જ મળે છે. આવું સુખ કોઠારીસાહેબ સાથેની મારી અધૂરી વાતોમાંથી મને મળ્યું છે. અમારી વાતો અધૂરી રાખીને એ ચાલ્યા ગયા, એથી મેં જીવનનું મહામૂલું ધન ગુમાવ્યું છે તે હવે ક્યારેય પાછું નહીં મળે?