સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/આનું નામ લોકશાહી!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          પેટ્રોલના ભાવ ખૂબ વધી ગયા ત્યારે તેની સામે ઘણા દેશોમાં વિરોધના દેખાવો થયા. ફ્રાંસના ખેડૂતો પોતાનાં વાહનો લઈને સડકો પર આવી ગયા, ચક્કા જામ થઈ ગયો. ત્યાંની સરકારને તેની સામે નમવું પડ્યું. ખેડૂતોની એ સફળતાની હવા બ્રિટનમાં પહોંચી. ત્યાં પણ ભાવ-વધારાના વિરોધીઓએ પેટ્રોલની રિફાઈનરીઓ ઉપર પિકેટિંગ ગોઠવી દીધું. એવી આડશો ઊભી કરી કે રિફાઈનરીમાંથી ડીઝલ-પેટ્રોલ ભરેલું એક પણ વાહન બહાર નીકળી શકે નહીં. દેશભરના પેટ્રોલ-પંપો પર દુકાળ પડયો, વાહનોની કતારો લાગી. અમુક ખાસ જરૂરિયાતવાળાં વાહનોને જ પેટ્રોલ મળશે, એવી સરકારે જાહેરાત કરી. કતારમાં જેનો વારો આવે તે વાહન જો એ મર્યાદામાં ન આવતું હોય તો પંપવાળા તેમ કહે, એટલે બીજી જ ઘડીએ ચાલક પોતાનું વાહન પાછું વાળીને હંકારી જાય. નહીં કાંઈ જીભાજોડી, નહીં બૂમાબૂમ, નહીં ગાળાગાળી. પણ દિવસો ગયા તેમ એ મર્યાદિત વર્ગનાં વાહનો માટે પણ પેટ્રોલ ખૂટવા માંડયું. રિફાઈનરી પર પિકેટરોના જથ્થા અડગ હતા. એમને હટાવવા માટે લશ્કર મોકલવા સિવાય હવે કોઈ ઇલાજ દેખાતો નહોતો. ત્યારે બ્રિટનના પ્રધાનમંત્રી ટોની બ્લેર સૈનિકોને કૂચ કરવાનો હુકમ આપવાને બદલે ટેલિવિઝન પરથી સમસ્ત પ્રજાને સંબોધે છે. સમજાવે છે કે દેશની આરોગ્ય-સેવાઓનું આખું તંત્ર પિકેટિંગને કારણે અટકી પડવાની તૈયારીમાં છે. હજારો-લાખો આજારોના જાન જોખમમાં છે. આખું રાષ્ટ્ર વિચારમાં પડી જાય છે. ભાવ-વધારો એકેએક કુટુંબને આકરો લાગે છે. રિફાઈનરીના દરવાજા બંધ કરાવી દેનારા દેખાવકારોને પ્રજાનો ટેકો છે. પણ પ્રધાનમંત્રીની વાતેય બિલકુલ વજૂદવાળી લાગે છે. છાપાં અને લોકમતનો પડઘો પાડનારાં બીજાંઓનો અવાજ હવે સંભળાવા લાગે છે : સબૂર! ભાવ-વધારાનો વિરોધ જરૂર કરીએ. પણ આ રીતે નહીં. નિર્દોષોને ભોગે નહીં. દેખાવકારોને ગળે પણ વાત ઊતરે છે. પિકેટિંગ ઉઠાવી લેવામાં આવે છે. એ નિર્ણય બદલ ઠેરઠેરથી એમને ધન્યવાદ મળે છે. વિરોધ બેલાશક કરશું. પણ આમ કાનૂનભંગ કરવો તે આપણને શોભે નહીં. “શાનકે ખિલાફ” છે એ તો. પ્રધાનમંત્રીએ તો પહેલેથી જ પિકેટરોને નમતું આપવાની ના પાડેલી : સરકારની નીતિ પિકેટિંગના મોરચાઓ પર ઘડવાની બ્રિટનની પ્રણાલિકા નથી. હડતાલિયાઓ — પિકેટરોને ચોમેરથી “શાનકે ખિલાફ”ના અવાજો સંભળાયા, ત્યારે એમાંના સૌથી વધુ ઉગ્રવાદીઓ પણ શરમાયા હશે. જોકે આ ભાવવધારાના આંદોલનના દિવસો દરમિયાન દેશભરમાં અશાંતિનો નાનોસૂનો યે એક પણ બનાવ બન્યો નહીં. અઠવાડિક પગાર મળવાના શુક્રવારની સાંજે કોઈ પીઠાની બહાર સામાન્ય ગણાય તેટલી અશાંતિ પણ આ આંદોલનને કારણે થઈ નહિ. લંડનના એક પેટ્રોલપંપ પર જેનો વારો આવ્યો તે ટૅક્સીવાળાને પંપ-સંચાલકે જણાવ્યું કે, ભાઈ, ઠરાવેલા અગ્રતાક્રમમાં તમે નથી આવતા. ડ્રાઇવર એક ગાળ બોલીને ચાલતો થયો. ત્યારે આસપાસનાં સેંકડો લોકોનાં મોઢાં પર એવી લાગણી છવાઈ ગઈ કે જાણે દેવળમાં કોઈ અપશબ્દ ઉચ્ચારાયો હોય! કોઈ પણ સવાલ અંગે “સીધાં પગલાં” લેવાય તેને બ્રિટિશ પ્રજા સહાનુભૂતિથી જોતી નથી. આવશ્યક પ્રજાકીય સેવાઓને જે કોઈ ખોરવી નાખે, તે આખી પ્રજાની નફરતનો ભોગ બને છે. આનું નામ લોકશાહી, આનું નામ સત્યાગ્રહ!