સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/એમના ઉપકાર સંભારશું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

રોજેરોજ આપણા ખોરાક માટે અનાજ ને શાકપાન મળે છે,
કારણ કે આપણા ખેડૂત ભાઈઓ બંધ નથી પાળતા.
આપણે ઢોર નથી પાળતા, છતાં દૂધ-ઘી પામીએ છીએ,
કારણ કે ગોપાલક ભાઈઓ બંધ નથી પાળતા.
આપણી શેરીઓ ઉકરડાથી સાવ ઢંકાઈ જતી નથી,
કારણ કે હરિજન ભાઈબહેનો બંધ નથી પાળતાં.
આઘેની નદીનાં નીર આપણા ઘરના નળમાંથી ઠલવાય છે,
કારણ કે પાણીખાતાના મિત્રો બંધ નથી પાળતા.
દૂરના નદીબંધો પર પેદા થતી વીજળી આપણી બત્તીઓ પેટાવે છે,
કારણ કે વીજળી-કર્મચારીઓ બંધ નથી પાળતા.
સગાંસ્નેહીઓની ટપાલ આપણને મળ્યા કરે છે,
કારણ કે ટપાલી ભાઈઓ બંધ નથી પાળતા.
કાંટા-કાંકરા-તડકાથી આપણા પગને પગરખાં બચાવે છે,
કારણ કે આપણા ચમાર ને મોચી ભાઈઓ બંધ નથી પાળતા.
ભાતભાતનાં કપડાં નાનાંમોટાંને પહેરવા મળે છે,
કારણ કે કાંતનારી બહેનો, વણકરો, દરજીઓ બંધ નથી પાળતાં.
આપણને ટંકે ટંકે ભાવતાં ભોજન મળી રહે છે,
કારણ કે આપણી માતાઓ કે ગૃહિણીઓ બંધ નથી પાળતી.
આટલી મોટી દુનિયાનું તંત્રા ચાલતું રહે છે,
કારણ કે કરોડો ઈમાનદાર નરનારીઓ કદી યે બંધ નથી પાળતાં.
પરસેવો પાડીને તેઓ આ જગતને જીવતું રાખે છે.
એ કરોડોના અનંત ઉપકારો સંભારીએ તો —
આપણે પણ બંધ પાળવાનું પાપ કદી ન કરીએ.