સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/ઘેરઘેર પહોંચેલું ઝેર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આપણાં ઘરોમાં કપડાં અને વાસણ ધોવા માટે હવે લગભગ બધે ડિટરજન્ટ પાઉડર વપરાવા લાગ્યો છે. ડિટરજન્ટની ગોટીઓ પણ વપરાય છે. અગાઉ સાબુના ભૂકાનું પાણી કરી તેમાં કપડાં પલાળીને થોડા કલાક પછી ધોવાતાં, તે સાબુ-ભૂકો હવે બજારમાં ભાગ્યે જ દેખાય છે. ડિટરજન્ટ પાઉડર સસ્તો પડે છે, વાસણ-કપડાં ઊજળાં બનાવે છે અને વાપરવામાં સુગમ છે તેથી ગૃહિણીઓનો તે માનીતો બની ગયો છે. અને ટી.વી.-રેડિયો-છાપાંમાં તેની ધૂમ જાહેરાતો થાય છે તેથી ચારેકોર ડિટરજન્ટની બોલબાલા છે. પણ ઉદ્યોગો મારફત ફેલાતાં ઝેર અંગે સંશોધન કરતા લખનૌના ‘ઇન્ડસ્ટ્રિયલ ટોક્સિકોલોજીકલ રિસર્ચ સેન્ટર’ તરફથી થયેલું સંશોધન જણાવે છે કે ડિટરજન્ટ તો ઘેરઘેર પહોંચી ગયેલું એક જાતનું ઝેર જ છે. તેનાથી ધોયેલાં કપડાંમાંથી ડિટરજન્ટનો પાઉડર સદંતર કાઢવા માટે કપડાંને ફરીફરીને વીસ વાર પાણીમાંથી તારવવાં પડે. એ પાઉડરથી માંજેલાં વાસણને નવ વખત પાણીમાં સાફ કરીએ ત્યારે તેને ચોટેલો ડિટરજન્ટ વાસણમાંથી નીકળે છે. એટલી બધી વાર કપડાં કે વાસણને સાફ કરવા જેટલું પાણી આપણી પાસે નથી, ને નથી એટલી ધીરજ પણ. પરિણામે વાસણ-કપડાંમાં જે ડિટરજન્ટ રહી જાય છે તે આપણને સહુને અનેક રીતે નુકસાન કરે છે. ડિટરજન્ટમાં રહેલું ફોસ્ફેટ અદૃશ્ય રીતે વાસણને ચોટી રહે છે ને પછી ખોરાક સાથે પેટમાં જઈને પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે. તેમાંયે નાનાં બાળકોની નાજુક હોજરી પર તો તેની વધુ વિપરીત અસર થાય છે. કપડાંમાં રહી ગયેલ ડિટરજન્ટ તે પહેરનારને ચામડીના રોગો વળગાડે છે. ડિટરજન્ટની ગોટીથી હાથ ધોનારને તો ભયંકર પરિણામ ભોગવવાં પડે છે. ચામડી પરનું કુદરતી તૈલી પડ તેનાથી નાશ પામે છે, ચામડી બરછટ થાય છે, ચકામાં પડે છે. ડિટરજન્ટના કારખાનામાં કામ કરતા લોકો આવા રોગના વધારે ભોગ બને છે. ડિટરજન્ટથી કાપડના રેસા પણ નબળા પડે છે, ને તેમાંયે સુતરાઉ કાપડ તો તેનાથી વહેલું ફાટે છે. ડિટરજન્ટવાળું મેલું પાણી ગટર વાટે નદીનાળાંમાં ને પછી દરિયામાં જાય છે અને તેના ઝેરથી જળચર પ્રાણીઓનો નાશ થાય છે. ગટરનું પાણી ખુલ્લી જમીનમાં વહી જવા દેવાય છે તો તે માટીને પણ ડિટરજન્ટથી ઘણું નુકસાન થાય છે. સસ્તો લાગતો ને સહેલો ડિટરજન્ટ વાપરીને પેટના ને ચામડીના રોગો વહોરવા, કાપડનું આયુષ્ય ઘટાડવું, પાણીનો બગાડ કરવો અને ધરતીમાતાને પણ નુકસાન પહોંચાડવું, તેને બદલે આપણે પહેલાંની માફક સાબુ વાપરતાં થઈએ તે હિતકારી નહીં?