સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/દધિ બેચન ઔર...

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          પોતાના ગામમાં ‘મુંબઈના દૂધવાળા’ તરીકે જાણીતા જશુભાઈ પટેલને બાકીનું ગુજરાત તો ‘બોરિયાવીના પુસ્તકપ્રેમી’ તરીકે ઓળખવાનું. ખેડા જિલ્લાના રહેવાશી જશુભાઈ ઢોરવાડો ચલાવે છે, ભેંસો પાળે છે અને તે વિંયાય એટલે મુંબઈ પોતાની ડેરી પર મોકલી આપે છે. એ એમનો વ્યવસાય. પણ એમને એક અદ્ભુત શોખ છે પુસ્તકોનો. સારાં સારાં પુસ્તકોની દસ-દસ નકલ એ ખરીદતા રહે છે અને પછી સ્વજનો-સ્નેહીઓને જ નહિ, રસ્તે જતા વાચનરસિકોને પણ હોંશભેર ભેટ આપતા રહે છે. અમદાવાદના કેટલાક સેવાભાવી સજ્જનો એક વાર સિંધરોટ (વડોદરા) શ્રમમંદિરની મુલાકાતે ગયેલા, તે પાછા વળતાં જશુભાઈની મુલાકાત પણ લેતા આવ્યા. એમના સ્વાગતમાં ‘મુંબઈના દૂધવાળા’એ દરેક મહેમાનને પાંચ-પાંચ પુસ્તકો ભેટ આપ્યાં. આવા શોખ પાછળનું કારણ કોઈ પૂછે તો જશુભાઈ એટલું જ કહે કે, “ગયા ભવનું ઋણ ચૂકવવાથી વિશેષ કશું કરતો નથી.” એમના ઘરનો એક ઓરડો આખો પુસ્તકોથી ભરેલો છે. જશુભાઈના જેવી પુસ્તક-લગનવાળા બીજાઓ પણ ગુજરાતનાં ગામોમાં કોઈ કોઈ હશે. એવાનો વેલો વધે, તેવી હોંશ કોને નહિ થાય? પણ એ બધા જશુભાઈઓ કેટલાક લોકોને પુસ્તકો ભેટ આપી શકે? સાચો રસ્તો એ છે કે તેઓ ચૂંટેલાં પુસ્તકોની થોડી થોડી નકલો પોતાને ત્યાં એક કબાટમાં રાખે અને મિત્રો તથા રસ્તેથી પસાર થનારાઓ અવારનવાર ત્યાં જઈને એ ખરીદતા રહે.