સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/ધોકે મારીને ધરમ કરાવાય?
જૈનોના પર્યુષણના તહેવારો દરમિયાન દસેક દિવસ માટે રાજ્યનાં બધાં કતલખાનાં બંધ રાખવાનો હુકમ દર વરસે ગુજરાત સરકાર તરફથી નીકળે છે. એ હુકમને રાજ્યની હાઈકોર્ટે હમણાં ગેરકાયદે ઠરાવેલ છે. અદાલતનો આવો ચુકાદો ઘણા વખત પહેલાં આવવો જોઈતો હતો. જે લોકો માંસાહારથી ટેવાયેલા હોય તેમને હાડમારી પડે અને કતલખાનાં ચલાવનારા તથા માંસ વેચનારાના લોકોના ધંધા-રોજગાર બંધ રાખવા પડે, એ જાતનો હુકમ કોઈ લોકશાહી સરકાર કેવી રીતે કરી શકે, તે સૌએ શાંતિથી વિચારવા જેવું છે. દેશમાં લોકશાહી આવી તે પહેલાંના જમાનામાં તો ગામડાગામમાં ગરીબ ઘાંચીની ઘાણી પણ મહિનામાં અમુક દિવસે બંધ રાખવી પડે, એવી જીવદયાપ્રેમી મહાજનની જોહુકમી ચાલતી હતી. જૈનોએ એ આગ્રહ હવે જેમ છોડી દીધો છે, તેમ કતલખાનાં બંધ કરાવવા વિશે પણ એમના આગેવાનોને સૂઝયું હોત, તો તેમાં એમની શોભા ગણાત. હજારો વરસથી માનવજાતનો ઘણો મોટો ભાગ માંસાહાર કરતો આવ્યો છે. ભારતની પ્રજાનો મોટો ભાગ આજે પણ માંસાહારી છે. છતાં જૈનો જેવી એક નાની લઘુમતી ભારતના કોઈ રાજ્યમાં માંસાહાર પર અમુક દિવસો પૂરતો પણ પ્રતિબંધ મુકાવી શકે છે, એ કેવી વિચિત્રા બાબત કહેવાય! આવા પ્રતિબંધથી એક પણ મનુષ્યને માંસાહારત્યાગની પ્રેરણા મળી શકે ખરી? આ જાતની જબરદસ્તીથી તો માંસાહારી લોકોને જૈનો માટે નફરતની લાગણી ન થાય? યુરોપ-અમેરિકામાં એક વેળા માંસાહારી હતા તેવા કેટલાક લોકો પૂરી વિચારણાને અંતે એવા ચુસ્ત શાકાહારી બન્યા છે કે આજે તેઓ દૂધનો પણ નિષેધ કરે છે. ધારો કે એવા લોકોનો એક નાનો વર્ગ ભારતમાં પણ ઊભો થાય અને, વેપારધંધા પરના પોતાના વર્ચસ્વના જોરે સરકાર પર દબાણ લાવીને વરસના અમુક દિવસોએ દૂધના વિતરણ પર પ્રતિબંધ મુકાવી શકે, તો જૈનોને પણ એ ગમશે? વિનોબાએ તો એટલે સુધી કહેલું છે કે, “માણસ બીજાં જાનવરોનું દૂધ પીએ એ વાત પણ ઊતરતા દરજ્જાની છે. દસ હજાર વરસ બાદ આવનારા લોકો આપણે વિશે કહેશે : બાપરે! એ લોકો દૂધ કેવી રીતે પીતા હશે? એવા કેવા જંગલી! સારાંશ કે વિકાસને માટે હજી ઘણો અવકાશ છે. કોઈ પણ ગુણનો પૂરેપૂરો વિકાસ હજી થયો નથી.” જૈનોના શાણા આગેવાનોએ વિચારવાનું એ છે કે જેમ એમના ધર્મમાં લોકોનો માંસાહાર-ત્યાગ સુધીનો ગુણવિકાસ કાયદાના દબાણ વગર થયો, તેમ બાકીના ભારતવાસીઓનો, આખી માનવજાતનો કેવી રીતે થઈ શકશે? પોતાની વગનું દબાણ સરકાર પર લાવીને, તેની સત્તા મારફત આવડા મોટા દેશમાં માંસાહાર કોઈ કાળે પણ અટકાવી શકશે? મનુષ્યનો ગુણવિકાસ જો સત્તા મારફત થઈ શકે તેમ હોત, તો મહાવીર પોતે રાજવીકુળમાંથી નીકળીને સાધુ શીદને બનત? જૈનસમાજે માંસાહારત્યાગની આટલી મહાન સિદ્ધિ મેળવી, તે શું કોઈ શાસનકર્તાના આદેશથી? પેલા અમેરિકનોએ દૂધ સુધ્ધાં છોડી દીધું ને આપણા જૈનો કરતાંય જીવદયામાં આગળ નીકળી ગયા, તે શું કોઈ સરકારના કાયદાથી? આપણામાં કહેવત છે જ કે ધોકે મારીને ધરમ કરાવાય નહિ.