સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/પહાડી નિશાળના પડઘા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          જાપાનમાં પહાડોની ગોદમાં યામામોટો નામનું ગામડું વસેલું છે. યામામોટોમાં નિશાળ તો છે; પણ એની જાહલ છાજલી વરસાદ અને બરફ-વર્ષાની વાટ જોતી ઊભી છે. એની પાસે કોઈ જાતનાં સાધનો નથી, એક પણ છાપેલો નકશો નથી, સંદર્ભગ્રંથો નથી. ફક્ત દરેક વિષયનું એક-એક પાઠયપુસ્તક, ચાકનો ટુકડો અને એક પુરાતન પાટિયું એ નિશાળમાં છે. પણ નિશાળની સૌથી મોટી મૂડી એના વિદ્યાર્થીઓના વિદ્યા-તલસાટમાં ને એના શિક્ષકોની શિક્ષણ-લગનીમાં સમાયેલી છે. પહાડોમાં વસનારાં ગામડિયાં કિશોર-કિશોરીઓ યામામોટોની શાળાને ખરા દિલથી ચાહે છે, ને નિશાળે જઈને ભણવા માટે અનેક મુસીબતો હોંશેહોંશે વેઠે છે. સેઇક્યો મુચાકુ નામના ૨૪ વર્ષના જુવાન એ નિશાળના ઉત્સાહી શિક્ષક છે. પોતાના દેશની — ખાસ તો પોતાના ગામની — સામાજિક હાલત એ ગ્રામશાળાના નિશાળિયાઓ સમજતા થાય, અને એ હાલત સુધારવાની તમન્ના એમનામાં જાગે, એના મુચાકુભાઈને કોડ છે. એટલે પોતપોતાના જીવનના કોયડાઓ વિશે અને સમાજ માટેના એમના ખ્યાલો વિશે એમણે વિદ્યાર્થીઓ પાસે નિબંધો લખાવ્યા. છોકરાંઓએ ગામડાંનું જીવન જેવું જોયું હતું, જેવું અનુભવ્યું હતું તેવું એમની પાસે શિક્ષકે આલેખાવ્યું. નિશાળિયાઓએ આ નિબંધ-લેખનનું કામ એટલા બધા ખંતપૂર્વક ઉપાડી લીધું, અને એ લખાણોમાં એમના જીવનનું તેમજ આસપાસના વાતાવરણનું એવું હૂબહૂ પ્રતિબિંબ પાડયું, કે મુચાકુ માસ્તરે સારા સારા નિબંધો ચૂંટીને તેની ચોપડી છપાવી. સમાજના ઉપયોગી, પુરુષાર્થી નાગરિકો બનવા પૂરતી કેળવણી મેળવવા માટે યામામોટોના ઊગતા કિશોરો જે મુસીબતો બરદાસ્ત કરી રહ્યા છે તેનો થોડો ખ્યાલ પોતાના દેશનાં શહેરીજનોને આ ચોપડી આપશે, એવી એ શિક્ષકને ઉમેદ હતી. એ ઉમેદને જાપાની પ્રજાએ ધાર્યા કરતાં ઘણો મોટો આવકાર આપ્યો. કૂંણી ડાંખળીઓ સમી કિશોર-કલમોએ લખેલા નિબંધોના એ સંગ્રહે જાપાનભરમાં વધુમાં વધુ વેચાતાં પુસ્તકોની યાદીમાં જોતજોતામાં સ્થાન લઈ લીધું, ને વાચકોના હૃદય સોંસરવો એનો સંદેશો પહોંચી ગયો. અર્થશાસ્ત્રાના મોટા મોટા નિષ્ણાતો કે સમાજશાસ્ત્રા-વિશારદો જે ન કહી શક્યા હોત તે એ બાળકોની સરળ શૈલીએ મર્મભેદક રીતે કહી બતાવ્યું. એ નાનકડી ચોપડી એટલી બધી વંચાઈ, એને વિશે એટલી બધી વાતો થઈ, કે જાપાનના શિક્ષણ-પ્રધાને યામામોટો ગામ સુધીની મજલ ખેડી અને પોતાના જીવનના પ્રશ્નો સમજવા માટે આવો પુરુષાર્થ કરી રહેલા એ ગામઠી શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકોને શાબાશી આપી. તે પછી એ ચોપડી ઉપરથી એક ફિલ્મ પણ ઊતરી. અને અંતે તેનો અંગ્રેજી અનુવાદ ‘એકોઝ ફ્રોમ એ માઉન્ટન— સ્કૂલ’ (પહાડી નિશાળના પડઘા) નામે પ્રગટ થયો. યામામોટો જેવાં અનેકાનેક ગામડાં જાપાનમાં, ચીનમાં, ભારતમાં તેમજ એશિયાભરના, આફ્રિકાના ને લેટિન અમેરિકાના અણવિકસ્યા પ્રદેશોમાં પડેલાં છે. પૃથ્વીનાં લાખ-લાખ યામામોટોનાં જીવનજળ શોષાઈ ગયાં છે. ભેંકાર કંગાલિયત, રોગિયલપણું, અજ્ઞાન અને જડ રૂઢિ વચ્ચે ઘેરાયેલાં એનાં કોટિ કોટિ બાળુડાંઓમાંથી થોડાંક સ્વમાનભેર ઊંચે ચડવા માટે કેવો અથાક પરિશ્રમ કરી રહ્યાં છે તેનો ચિતાર એમનાં બાલહૈયાં ને બાલમાનસમાંથી ઊઠેલા આ શબ્દ-ફુવારામાંથી મળી રહે છે. યુગયુગોની માનવ-કૂચમાં પાછળ પડી ગયેલાંઓને નવાં કદમ માંડવાની પ્રેરણા આવા કિશોરોના પુરુષાર્થમાંથી નહિ મળે તો બીજે ક્યાંથી મળશે? મૂળ જાપાની ચોપડીમાંથી જે આઠ નિબંધો તેના અંગ્રેજી અનુવાદમાં આપેલા હતા તેમાંથી ચૂંટેલા ત્રણને અહીં ગુજરાતીમાં ઉતાર્યા છે.