સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/બંધ પેટીઓ: અટપટી ચાવીઓ
ગ્નાનનો મોટો ભંડાર પુસ્તકોરૂપી પેટીઓમાં બંધ થયેલો છે. ભાશા અને લિપિ એ પેટીઓ અુઘાડવાની ચાવીઓ છે. સાર્વજનિક વપરાશ માટે રસ્તા અુપર અૂભા કરેલા નળની ચકલી એવી ન હોવી જોઅીએ કે તેને અુઘાડવા માટે ખાસ તાલીમ લેવી આવશ્યક થાય. તેમ પુસ્તકોને અુઘાડવા માટેની ચાવીઓ પણ તે વાપરવાની રીત સર્વને ઝપાટાબંધ આવડી જાય એવી હોવી જરૂરી છે. એ ચાવીઓનાં અનેક અવનવાં પેટંટ હોવાં અિશ્ટ નથી. આ કથન છે ‘સમૂળી ક્રાંતિ’ પુસ્તકના લેખક કિશોરલાલ મશરૂવાળાનું. તેને ધ્યાનમાં રાખીને જરા વિચાર કરતાં જણાશે કે ગુજરાતી લિપિમાં કેટલુંક અટપટાપણું રહી ગયું છે અને પેટંટો પેસી ગયાં છે. તેને લીધે સામાન્ય માનવીને પેલી પુસ્તક-પેટીઓ અુઘાડવાનો કંટાળો આવે છે અને તેથી પેટીમાંના ગ્નાનભંડાર સુધી પહોંચવાની ગડમથલ તે પડતી મૂકી દે છે. આવી રીતે જેને ગ્નાનથી વંચિત રહેવું પડે તે પ્રજા દબાણ અને ધમકીનાં બળોનો ભોગ બને, ફોસલામણ તથા છેતરપિંડીનો શિકાર બને તેમાં શી નવાઅી? લિપિ વિશે બેએક સામાન્ય બાબતો શ્રી મશરૂવાળાનાં લખાણોમાંથી આપણે નોંધી લઅીએ: (૧) લિપિ એ ભાશાને લખાણમાં પ્રગટ કરવાનું સાધન છે. (૨) ભાશાનું પ્રયોજન એકબીજાને પોતાનું મનોગત સમજાવવાનું છે. ભાશા પોતે જીવનનું સાધ્ય નથી પણ સાધન છે. અને ભાશા કરતાંય લિપિ વધારે બાહ્ય વસ્તુ છે; લિપિ કેવળ સગવડની વસ્તુ છે. (૩) જીવન્ત ભાશા અને લિપિ તદ્દન એકસરખાં રહી શકતાં નથી. આ મારી બાપીકી ભાશા કે લિપિ, એ મિથ્યાભિમાન છે. આપણા પૂર્વજો ક્યારેક તો આજની આપણી ભાશા કરતાં જુદી ભાશા બોલનારા, જુદી લિપિ લખનારા હતા જ. એ પૂર્વજોએ સંસ્કૃત જેવી એક અત્યંત સમ્રુદ્ધ ભાશા ખીલવેલી હતી. તેની મૂળ લિપિને બ્રાહ્મી કહી છે, અને તેનો દેવનગર(કાશી)માં સ્થિર થયેલો મરોડ તે આધુનિક દેવનાગરી. આવી અુત્તમ ભાશા અને લિપિ ભારતમાં એક કાળે હતી, છતાં તેને બદલે તેમાંથી અૂતરી આવેલી ગુજરાતી, હિન્દી, બંગાળી વગેરે ૧૦-૧૫ ભાશાઓ ને લિપિઓનો અુપયોગ આજે આપણા દેશમાં થઅી રહ્યો છે. આ પરિવર્તનનું કારણ એ હોવું જોઅીએ કે એક કાળે આપણા પૂર્વજોને લાગ્યું હશે કે ગ્નાનનો જે ભંડાર તે જમાનામાં હતો તેને સામાન્ય માનવી માટે સુલભ બનાવવો હોય તો, તેમનાય પૂર્વજો પાસેથી તેમને વારસામાં મળેલી ભાશા અને લિપિ રૂપી ચાવીઓમાંથી અટપટાપણું ઓછું કરવું જોઈએ. થોડાક પંડિતો જેમાં ખૂબ પારંગત બન્યા હતા તે સંસ્ક્રુત ભાશા અને નાગરી લિપિ કરોડો સામાન્ય જનોને અઘરી લાગતી હતી. એવા લોકોને અનુકૂળ પડે તેવાં બોલવા-લખવા-વાંચવા માટેનાં સરળ સાધનો પૂરાં પાડવાની તીવ્ર જરૂરિયાત કેટલાક સુધારકોએ અનુભવી હશે, તેમાંથી ભારતમાં જુદીજુદી ભાશાઓ અને લિપિઓ આકાર લેવા માંડી. આ બધા ફેરફારો રાતોરાત તો ન થયા હોય. ગુજરાતી અને સંસ્ક્રુત ભાશાઓ અને નાગરી તથા ગુજરાતી લિપિઓ વચ્ચે જે તફાવતો આજે દેખાય છે તે બધા કાંઅી કોઅી એક સવારે સામટા અમલી બનેલા નહોતા. તેને માટે કોઅી મહારાજાએ હુકમ બહાર પાડી દીધો નહોતો. સંસ્ક્રુત અને નાગરીમાં કરવા જેવા ફેરફારો જુદાજુદા વિચારકોને સૂઝતા ગયા હશે, તે દાયકાઓ સુધી પ્રજા પાસે મુકાતા આવ્યા હશે, અને કાલક્રમે લોકો તેમાંથી કેટલાકને અપનાવતા ગયા હશે. પરિવર્તનની આ પ્રક્રિયા જેમ એક જ દિવસે શરૂ થઅી ન હોય, તેમ અમુક તારીખે તે પૂરી પણ થઅી જતી નથી. ચાહે તેવી સત્તા પણ એવો ફતવો બહાર પાડી શકે નહિ કે બસ, આટલા ફેરફારો થઅી ગયા, પણ હવે પછી કોઅીથી બીજા ફેરફારો કરી શકાશે નહિ. જીવનના કોઅી ક્શેત્રમાં પરિવર્તન અમુક હદ સુધી પહોંચીને સમાપ્ત થઅી જતું નથી. ક્રાંતિનો આરંભ થઅી શકે છે, પણ તેની પૂર્ણાહુતિ કરી શકાતી નથી. નાગરી લિપિને સરળ બનાવવા માટે ભૂતકાળમાં થતા આવેલા ફેરફારોને પરિણામે ગુજરાતી લિપિનું એક સ્વરૂપ આજે વપરાશમાં આવેલું દેખાય છે. પણ હજી તેમાં વિશેશ સરળીકરણની જરૂર છે, તે માટે અવકાશ છે. એ દિશાનાં સૂચનો કિશોરલાલ મશરૂવાળા, કાકા કાલેલકર અને વિનોબા ભાવે જેવા આપણા જમાનાના વિદ્વાન સુધારકોએ કરેલાં છે. મહાત્મા ગાંધીના આદેશથી કાકા કાલેલકર અને તેમના સાથીઓએ તૈયાર કરેલો જોડણીકોશ ગુજરાત વિદ્યાપીઠ તરફથી બહાર પડ્યો, લગભગ તે કાળથી લિપિસુધાર અંગેનું ચિંતન પણ આપણી સમક્શ રજૂ થતું આવ્યું છે. તેમાંનું કેટલું અિશ્ટ છે તે વિચારવા માટે છ દાયકા જેટલો સમય પ્રજાને મળી ચૂક્યો છે. હવે તેમાંના જે સુધારા આપણને બુદ્ધિગમ્ય લાગતા હોય, તેનો સામૂહિક રીતે અમલ કરવાનો કાળ પાકી ગયો ગણાય. દેશમાં સ્વરાજ સ્થપાયાને પાંચ દાયકા થવા આવ્યા. પણ કરોડો લોકો હજી વાંચી-લખી શકતા નથી, આપણી લોકશાહીને સુરાજ્ય બનાવવામાં તેઓ બરાબર ફાળો આપી શકતા નથી. નવું અક્શરગ્નાન મેળવતાં બાળકો અને અભણ પ્રૌઢો માટે વાંચવા-લખવાનું સરળ બને તેવા સુધારા આપણી લિપિમાં કરીએ, તો રાશ્ટ્રઘડતરના કાર્યમાં પોતાનો ફાળો આપવાની તક પ્રજાના મોટા ભાગને મળે એવી ભાવનાથી આ વિશયના મારા, એક સામાન્ય માનવીના, વિચારો નમ્રભાવે રજૂ કરું છું. (૧) પહેલી પ્રથમ વાત તો ગુજરાતી લિપિમાં કેટલા અક્શરો છે તે અંકે કરવાની છે. અંગ્રેજી ભાશાની લિપિમાં કેટલા અક્શર છે, એવા સવાલના જવાબમાં આપણે સહુ એકમતે કહેવાના કે ૨૬. પણ ગુજરાતી લિપિના અક્શર કેટલા, તે આપણે નિશ્ચિતપણે કહી શકશું? રસ્તે ચાલતા પાંચ ભણેલા માણસોને એ પૂછશું, તો જવાબમાં જુદાજુદા આંકડા મળશે—અને કેટલાક કોઅી જ આંકડો આપી શકશે નહિ. આ કેવી નામોશીની વાત કહેવાય કે આપણી ભાશામાં કેટલા અક્શરો છે તે પણ આપણે નક્કી કરી શકતા નથી! ખેર, પ્રાથમિક શાળાના કોઅી બાળકની ચોપડીમાં છાપેલો કક્કો આપણે જોઅીએ, તો તેમાં ૪૯ ગુજરાતી મૂળાક્શરો ગણી શકાશે. એ આંકડા વિશે પણ વિદ્વાનોમાં મતભેદ નીકળશે. માટે પહેલવહેલું તો આપણે એ નક્કી કરવું જોઅીએ કે ગુજરાતી લિપિના અક્શર કેટલા. (૨) પણ કામચલાઅુ આ ૪૯નો આંકડો લઅીને આપણે વાત આગળ ચલાવીએ, તો અંગ્રેજીના કરતાં લગભગ બમણા અક્શરો યાદ રાખવાનો બોજો ગુજરાતી બાળકને ભાગે આવે છે. પણ તે તો હજી પાશેરામાં પહેલી પૂણી છે. અંગ્રેજીના ૨૬ અક્શર જે બાળકે શીખી લીધા, તે એ ભાશાનું કોઅી પણ પુસ્તક વાંચી શકશે—ભલે એ તેને સમજાય નહિ. પણ પોતાની લિપિના ૪૯ અક્શરો જાણનાર ગુજરાતી બાળક હજી ગુજરાતી પુસ્તક વાંચી શકશે નહિ. દરેક અક્શરને લાગુ પડતી બારાખડીની બારેક નિશાનીઓ પણ તેણે શીખવી પડશે. ત્યાર બાદ જોડાક્શરોનું મોટું વિઘ્ન તેણે પાર કરવાનું રહેશે. બે અક્શરો જોડીને બોલવાનું અંગ્રેજીમાં પણ આવે છે. પરંતુ એવા અુચ્ચારો લખતી વખતે ત્યાં દરેક અક્શર આખો ને અલગ રહે છે. ત્યારે ગુજરાતીમાં જ્યાં બે અક્શર જોડીને બોલાય, ત્યાં લખવામાં પણ તે જોડવાના આવે છે. આવા જોડાક્શરો લખવા માટે તેના પણ મૂળાક્શરો જેવા નિરાળા આકારો પંડિતોએ તો અુપજાવવા માંડ્યા. પણ કેટલાક શાણા શિક્શકોને બાળકોની દયા આવી કે એ રીતે દરેક જોડાક્શર માટે નવા નવા અક્શર બનાવીએ તો બાળકોને ૪૯ મૂળાક્શરો અુપરાંત કેટલા બધા જોડાક્શરોના આકારો પણ યાદ રાખવાનો બોજો અુઠાવવો પડશે! આપણે ૧થી ૧૦ સુુધીના પાયાના આંકડા શીખી લઅીએ, પછી તેટલાની જ મદદથી કરોડો ને અબજોની સંખ્યાઓ સરળતાથી લખી શકીએ છીએ; તેને માટે કોઅી નવા આકારના આંકડાઓ શીખવાની જરૂર પડતી નથી. એ જ રીતે પાયાના મૂળાક્શરો શીખી લીધા પછી તેના વડે જ તમામ જોડાક્શરો બનાવવાનું સહેલું પડે—નહિ કે આ બધા જોડાક્શરો માટે નવા નવા આકાર નિપજાવીને તેને યાદ રાખવાનું. એટલે એમણે એક સરળ નિયમ વિદ્યાર્થીઓને આપી દીધો કે, જ્યાં બે અક્શરો જોડવાના આવે ત્યાં આગલા અક્શરનું પાંખિયું કાઢી નાખીને તેને પછીના અક્શર સાથે જોડી દેવો; અને ગુજરાતીમાં જે ચોથા ભાગના અક્શરો પાંખિયા વગરના છે તેને ખોડા કરીને પછીના અક્શર સાથે જોડેલા ગણવા. આ દયાળુ શિક્શકોની શાણી સલાહ છતાં પંડિતોએ જોડાક્શરો માટે યોજેલાં કેટલાંક નિરાળાં સ્વરૂપો લિપિમાં રહી ગયાં છે, તે આજે આપણે કાઢી નાખવાં જોઅીએ, અને પેલા એક જ નિયમ મુજબ તે લખવાનું રાખવું જોઅીએ: દ્ય નહિ પણ દ્ય, શ્ચ નહિ પણ શ્ચ, શ્વ નહિ પણ શ્વ, શ્ર નહિ પણ શ્ર. વળી ર અને બીજો કોઅી અક્ષર જોડવાના હોય ત્યારે ર પહેલો આવતો હોય તો તેને બીજા અક્શરની અુપર રેફ બનાવીને મૂકવો (કર્મ), અને ર બીજો આવતો હોય તો પહેલા અક્શરની અંદર તીર મારીને મૂકવો (ક્રમ), એવું પંડિતોએ ચલાવ્યું. કેટલાક અક્શરોમાં તીર ફાવ્યું નહિ ત્યાં તીરને બદલે અક્શરની નીચે ખૂણિયું મૂક્યું (ટ્રેન). કોઅી અક્શરની સાથે ઋ જોડવાનો આવે, ત્યારે પહેલા અક્શરની નીચે રેફ મૂકવાનું રાખ્યું (વૃક્ષ). જોડાક્શરની આવી ચિત્રવિચિત્ર પદ્ધતિને અનુસરવામાં બાળકોને કેટલો ત્રાસ પડે તેની કલ્પના એ પંડિતોને ન આવી. પણ આપણે તો એ રેફ અને તીરને તિલાંજલિ આપીને અુપર જણાવેલા એક જ નિયમને અનુસરીને જોડાક્શરો લખીએ. જોડાક્શર વાંચવાનું સરળ બને તે માટે, તેના અક્શરો જે ક્રમમાં બોલીએ તે જ ક્રમમાં લખવા જોઅીએ. જેમ કે ‘અર્ઘ્ય’માં અ પછી ર્ બોલાય છે, પણ તે લખાય છે તો છેક છેલ્લે, તેથી અુચ્ચાર કરવાનું અટપટું બની જાય છે. તેને બદલી ‘અર્ઘ્ય’ લખીએ તો અુચ્ચાર સીધોસટ કરી શકાય છે. અહીં એ નોંધવા જેવું છે કે ગુજરાત વિદ્યાપીઠનો સર્વમાન્ય બનેલો જોડણીકોશ અ થી શરૂ થઅી ળ પાસે પૂરો થઅી જાય છે. તે પછીના કક્કાના છેલ્લા બે અક્શરો ક્ષ અને જ્ઞથી શરૂ થતા શબ્દો ત્યાં આવતા નથી. તે શા માટે નથી, તેનો ખુલાસો સુદ્ધાં ત્યાં આપેલો નથી. પછીનાં પાનાં છાપવાનાં રહી ગયાં હશે? કે બંધામણીમાં નહિ લેવાયાં હોય? તમારે જે કલ્પનાઓ કરવી હોય તે કરી શકો છો. પણ તમે નસીબદાર હશો તો કોઅીક દિવસ કોશનાં પાનાં અુથલાવતાં અુથલાવતાં ક્વિનાઅીન... ક્વોરેન્ટીન જેવા શબ્દની જોડણી કે અર્થ જોતા હશો, ત્યાં અચાનક તેની નીચે તમારી નજરે ચડશે: “ક્ષ: ક્ + શનો જોડાક્ષર.” પછી ફરી ક્યારેક નસીબ પાધરું હશે ને કોશમાં જોહુકમી કે જૌહર જેવા શબ્દ શોધતા હશો, ત્યાં પાછું નજરે ચડી જશે: “જ્ઞ: જ, ઞનો જોડાક્શર”. વાહ, અબ તો ભેદ પાયાને? હવે સવાલ એ થાય છે કે વિદ્યાપીઠનો જોડણીકોશ પણ પાંસઠ પાંસઠ વરસથી જેને જોડાક્શરો ગણાવે છે, તેવા બે અક્શરો ક્ષ અને જ્ઞ આપણને અને આપણાં સંતાનોને શાળામાં મૂળાક્શર તરીકે શીદને ગોખાવવામાં આવેલા? ખેર, હવે તો આજની ઘડીથી આપણે એ બેને પેલા ૪૯ મૂળાક્શરોમાંથી બાદ દઅીએ. એટલે બાકી રહ્યા ૪૭. (૩) હવે બાળપોથીમાંનો કક્કો આપણે આગળ જોઅીએ. તેમાં ઘ પછી ઙ, અને ઝ પછી ઞ આવે છે. તેને વિશે જોડણીકોશ શું કહે છે? “ઙ: આ વ્યંજનથી શરૂ થતો શબ્દ નથી તથા આમેય ગુજરાતીમાં તે ઓછો દેખાય છે.” પછી જુઓ ઞ: “એથી શરૂ થતો એકે શબ્દ નથી. ચઞ્ચલ જેવા શબ્દોમાં સંસ્કૃત ઢબે લખવામાં આવી શકે. પણ ગુજરાતીમાં એમ કોઅી ભાગ્યે જ લખે છે. અનુસ્વાર જ મોટે ભાગે લખાય છે.” એ નોંધો વાંચ્યા પછી આ બે અક્શરોનો બોજો બાળક અુપરથી આપણે ખુશીથી ઓછો કરી શકશું. હવે રહ્યા ૪૫. (૪) નાગરી લિપિને સરળ બનાવવા માટે ગુજરાતીમાં આપણે કેટલાક ફેરફારો કરેલા છે. પણ નાગરી લિપિનો એક ગુણ તેને જગતની લિપિઓમાં બહુ અૂંચું સ્થાન અપાવે છે. તે એ કે તેમાં દરેક અક્શરનો એક જ નિશ્ચિત અુચ્ચાર થઅી શકે છે, અને લગભગ દરેક અુચ્ચાર માટે એક જ નિશ્ચિત અક્શર છે. અંગ્રેજીમાં A અક્શરનો અુચ્ચાર અ, આ, એ, ઓ વગેરે થઅી શકે છે. વળી એક ક અુચ્ચાર માટે અંગ્રેજીમાં C, K, CH, CK વગેરે જુદાજુદા અક્શરો વપરાય છે. આવી જ અંધાધૂંધી તેના બીજા કેટલાયે અક્શરો વિશે ચાલે છે. તેથી પરભાશા તરીકે અંગ્રેજી શીખનારાઓ માટે તેની જોડણી અને અુચ્ચારો મોટાં માથાદુખણાં થઅી પડે છે. અુચ્ચાર અને અક્શર વચ્ચેની એકવાક્યતાને લીધે નાગરીમાં જે સરળતા આવી છે, તે એની મહાન સિદ્ધિ છે. તેને આપણે ગુજરાતીમાં પૂરેપૂરી જાળવી રાખવાની છે. એટલું જ નહિ, તેમાં કોઅી છિદ્ર રહી ગયાં હોય તો તે કાઢી નાખવાનાં છે. એ રીતે તપાસતાં જણાશે કે શ અને ષનો અુચ્ચાર એકસરખો છે, રુ અને ઋનો પણ સરખો છે. તો તેમાંથી ષ અને ઋ છોડી દઅીએ, એટલે રહે ૪૩. (૫) નાગરી લિપિની શિરોરેખા આપણે છોડી દીધી છે. अ, अि, उ, ए, क, ख, च, ज, झ, ण, फ, ब, ल, ळ જેવા તેના પંદરેક અક્શરોને ગુજરાતીમાં જુદા આકારો આપ્યા છે. વળી બારાખડીમાં આપણે એક ફેરફાર કર્યો. નાગરીમાં अ પછી કાનો મૂકીને अा બને છે. પણ एનો ત્યાં સ્વતંત્ર આકાર રાખેલો છે. ગુજરાતીમાં પણ આપણે અ પછી કાનો મૂક્યો, તેમ અ અુપર સીધેસીધી માત્રા મૂકીને એનું સરળ સ્વરૂપ બનાવ્યું. એવી જ રીતે હવે િઅ, અી, અુ, અૂ જેવાં બીજાં ચાર સરળ સ્વરૂપો પણ ચાલુ કરી દઈએ, તો વળી ચાર મૂળાક્શરો ઓછા થઅી જાય. પછી રહ્યા ૩૯. હવે આ, એ, ઐ, ઓ, ઔ, અં, અ:ને જુદા મૂળાક્શરો ગણવાને બદલે તેને અ ની બારાખડી જ ગણી શકાય. એટલે અથી અ: સુધીના ૧૩ મૂળાક્શરો ગણતા હતા તેને બદલે તેમાંથી અ ને જ મૂળાક્શર ગણવો. બાકીના બારમાંથી ઋ અને ઇ, ઈ, ઉ, ઊ તો આપણે અુપર કાઢી જ નાખ્યા છે. હવે આ સાત પણ નીકળ્યા એટલે મૂળાક્શર રહ્યા ૩૨. આમ અંગ્રેજીના ૨૬ મૂળાક્શરોની કાંઅીક નજીક ગુજરાતી મૂળાક્શરોને આપણે લાવી શકીએ. (૬) આંકડાનો પણ આપણે લિપિમાં સમાવેશ કરી લઅીએ. તેમાં હવે કોઅી ફેરફાર આપણે કરવાનો રહેતો નથી, કારણ કે ભારતના બંધારણે જ તેની અુપર પરિવર્તનની મહોર મારી દીધેલી છે. ભારતની રાશ્ટ્રભાશા-આંતરભાશા હિન્દી અને તેની લિપિ નાગરી રહે, પણ તેમાં રોમન આંકડા રાખવાનો આદેશ આપણા બંધારણે ૧૯૫૦માં આપી દીધેલો છે—આપણે તેનો અમલ સર્વત્ર કરવાનો છે, એટલું જ. આ રોમન આંકડા અંગ્રેજીની જેમ જગતની બીજી અનેક ભાશાઓમાં વપરાય છે. તે અુપરાંત, આપણા બંધારણે તેમને માન્યતા આપી તે પહેલાં પણ દક્શિણ ભારતની ચાર ભાશાઓમાં તો એ વપરાતા જ હતા, એ હકીકત કદાચ બહુ જાણીતી નથી. બંધારણે રોમન આંકડા સ્વીકાર્યા તેનું આ પણ એક કારણ હતું. એ રીતે, ભારતમાં ભાશા અને લિપિઓ ભલે જુદીજુદી હોય, પણ એકસરખા આંકડા કાશ્મીરથી કેરલા સુધી વપરાતા હોય તે રાશ્ટ્રની એકતાની દિશામાં નાનું પણ સુંદર પગલું છે. દુનિયાભરની ઘડિયાળોમાં એ જ આંકડાનો અુપયોગ થાય છે તે જોતાં એ આપણને વિશ્વ-એકતા ભણી પણ લઅી જનારા છે. આજે ભારતમાં જુદાંજુદાં રાજ્યો પોતપોતાની ભાશામાં જે પાઠ્્યપુસ્તકો અને બીજાં પ્રકાશનો બહાર પાડે છે, તે તમામમાં આ એકસરખા આંકડા વપરાય છે. એટલે આપણા વિદ્યાર્થીઓ તો તેનાથી ટેવાઅી ગયા છે. હવે આપણે તમામ ગુજરાતી પ્રકાશનોમાં પણ તેનો અુપયોગ તરત કરવા માંડીએ તે અુચિત ગણાશે. ગુજરાતી લિપિમાં આ સુધારા સૂચવવાનો અુદ્દેશ આપણાં બાળકોની યાદશક્તિ પરનો બોજો થોડો હળવો કરીને ગુજરાતી વાચન-લેખન તેમને માટે વધુ સરળ અને રસિક બનાવવાનો છે. ગુજરાતી પુસ્તકોમાં વિચારો, ભાવનાઓ અને માહિતીનું જે કાંઅી ધન આજે અુપલબ્ધ છે, તેનો લાભ આપણા ભણેલો લોકો પણ મોટા પ્રમાણમાં લઅી શકતા નથી; કારણ કે એ ધનની પેટી અુઘાડવાની લિપિ રૂપી ચાવીઓ એમને અટપટી લાગે છે. તે અટપટાપણું દૂર કરવા માટે લિપિમાં થોડા સુધારા કરવાની જરૂર છે. પણ આવા સુધારા બુદ્ધિગમ્ય અને અુપયોગી જણાય છતાં કેટલાક લોકો તેને સ્વીકારવા તૈયાર થતા નથી, કારણ કે એમને તે ‘વિચિત્ર’ લાગે છે. સંસ્ક્રુત તથા નાગરીમાં ફેરફાર કરીને વિકસાવેલી ગુજરાતી ભાશા અને લિપિ આજે આપણને સ્વાભાવિક લાગતી હોય, અને તેમાં કરવા જેવા નવા ફેરફારો વિચિત્ર લાગતા હોય, તો જરા કલ્પના કરીએ કે સદીઓ પહેલાં જ્યારે આ જ ગુજરાતીનો પ્રારંભ થયો હશે ત્યારે સંસ્ક્રુતથી ટેવાયેલા લોકોને તે કેવી વિચિત્ર લાગી હશે અને ત્યારના પંડિતોએ તેનો કેવો આકરો વિરોધ કરેલો હશે! તે વખતે ગુજરાતીના હિમાયતીઓ પોતાના સુધારાને વળગી રહ્યા ન હોત, તો આજે આપણી પાસે ગુજરાતી ભાશા હોત ખરી? એવું બનતું આવ્યું છે કે કોઅી સમાજ અમુક સુધારાને બુદ્ધિપૂર્વક સ્વીકારતો નથી ત્યારે કોઅી સત્તા કે પછી સંજોગો જબરદસ્તીથી તેની અુપર એ ઠોકી બેસાડે છે. પણ પછી પૂરતો કાળ જાય એટલે સમાજ તે સુધારાને વશ થાય છે. એટલું જ નહિ, એ સુધારો જાણે અસલથી જ પોતાનું અંગ હતું એમ સમજી તેનું મમત્વ પણ રાખવા માંડે છે. આ બાબતમાં પણ કિશોરલાલ મશરૂવાળાના શબ્દો યાદ કરીએ: સુધારા પ્રત્યેની આપણી વૃત્તિ આગગાડીના મુસાફરો જેવી છે. નવો મુસાફર બેસવા આવે તો, જગ્યા હોય તોયે, પહેલાં તેને રોકવાનો પ્રયત્ન કરવો. પણ એ પરાણે ઘૂસી જાય તો પહેલાં થોડી વાર રોશ બતાવવો, અને પછી તેને મિત્ર બનાવવો. વળી કોઅી ત્રીજો મુસાફર આવે, તો જૂના અને નવા બન્નેએ મળી તેવો જ વ્યવહાર એ ત્રીજા પ્રત્યે બતાવવો. આપણે છાતી અુપર હાથ મૂકીને વિચારવાની વાત એ છે કે અુપરના સુધારાથી આપણાં બાળકોની યાદશક્તિ પરનો નાહકનો બોજો થોડો ઓછો થાય છે કે નહિ. નિશાળે જતાં કૂમળાં બાળકોની અુપર પાઠ્્યપુસ્તકો અને નોટબુકોનો જે અમાનુશી બોજો આપણા કેળવણીકારોએ લાદેલો છે, તેનાથી એ બાપડાં કેવાં બેવડ વળી જાય છે એનું ચિત્ર રાજ્યસભામાં એક સહ્રુદય સભ્યે આલેખ્યું, ત્યારે સાંભળનારાંની આંખો ભીની થઅી ગયેલી. એ પુસ્તકો—નોટબુકોના કરતાં પણ વધુ નિર્દય બોજો લિપિના અટપટાપણાને લીધે ગુજરાતી બાળકો અુપર આપણે લાદેલો છે. અને પછી, તેને પરિણામે લખવા-વાંચવામાં બાળકોની જે ભૂલો થાય છે તે માટે એમને દોશ દેવો, એ તો દાઝ્યા અુપર ડામ દેવા જેવું છે. આપણામાંથી કેટલાકને પોતાના શાળાજીવનના એ દિવસો યાદ હશે કે જ્યારે ખાંડી, મણ, શેર ને તોલા સુધીના અને રૂપિયા, આના, પાઅીના દાખલાઓ ગણવાનો ત્રાસ વિદ્યાર્થીઓને વેઠવો પડતો હતો. તેની સરખામણીમાં આજે આપણાં બાળકોનું એ સદ્ભાગ્ય છે કે તોલમાપની અને ચલણની દશાંશ પદ્ધતિને કારણે એમનાં મગજને હવે તેવો નકામો બોજો વેઠવો પડતો નથી, અને તેનો અુપયોગ બીજી અુપયોગી ગ્નાનવિશયક સામગ્રી સંઘરવામાં તેઓ કરી શકે છે. આનો જશ આપણા એક એવા રાશ્ટ્રનેતાને જાય છે, જેના હાડમાં વૈગ્નાનિક દ્રુશ્ટિ હતી અને સાથોસાથ પોતાના કરોડો દેશવાસીઓની ચાહના પણ જેમણે મેળવેલી હતી. પરિણામે, તેઓ જે કહે તે પોતાના લાંબા ગાળાના હિતમાં જ હશે એમ માનીને પ્રજા તેમની વાત સ્વીકારતી હતી. એવી વૈગ્નાનિક દ્રુશ્ટિ અને લોકચાહનાની પ્રાપ્તિનો થોડોક પણ સમન્વય જેનામાં થયો હોય તેવા કોઅી આગેવાન આ લિપિ-સુધારની ઝુંબેશને પણ સાંપડો, એવી મારી પ્રાર્થના છે. [ગુજરાતી સાહિત્ય પરિશદ તરફથી યોજાયેલા જોડણી અંગેના પરિસંવાદમાં રજૂ કરેલું નિવેદન: ૧૯૯૫]