zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/બિખરી મહેફિલનાં પતંગિયાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         

મહાવીર ત્યાગીની બે નાની નાની ચોપડીઓના ગુજરાતી અનુવાદનાં પુનર્મુદ્રણો હમણાં બહાર પડ્યાં છે : ‘સ્વરાજની લડતના તે દિવસો’ (આવૃત્તિ ચોથી) અને ‘નગારખાનામાં તતૂડીનો અવાજ’ (આવૃત્તિ ત્રીજી). બેય ચોપડીઓ મૂળ હિન્દીમાં ૧૯૬૩ના અરસામાં પ્રગટ થયેલી. ગુજરાતીમાં તેના અનુવાદકનું નામ એકેય ચોપડીમાં આપેલું નથી; આગલી આવૃત્તિની કશી વિગત પણ જણાવેલી નથી. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયનાં પ્રકાશનો છે, તેથી એમ લાગે કે આગલી આવૃત્તિઓ પણ એ સંસ્થા તરફથી બહાર પડેલી હશે.

બેય ચોપડીમાં લેખકના જીવનનાં સંસ્મરણો છે. એકનાં ૧૩૨ પાનાં છે, બીજીનાં ૧૫૨. બેમાંથી ઓછાં પાનાંવાળી ‘સ્વરાજની લડતના તે દિવસો’ મેં પહેલાં ખોલી, તેનાં ૧૪ પ્રકરણો છેલ્લેથી વાંચવા માંડયાં. વાંચતાં વાંચતાં આંખ ભીની થતી રહે, ને મોંમાંથી ખડખડાટ હાસ્ય પણ નીકળતું જાય.

કોઈ નવું પુસ્તક મને બહુ ગમી જાય તો તેમાંથી થોડો ભાગ ટૂંકાવીને ‘નયા માર્ગ’, ‘નિરીક્ષક’ કે ‘ભૂમિપુત્ર’ જેવાં પખવાડિકોને તે મોકલું અને ઉમેદ રાખું કે તંત્રીને યોગ્ય લાગશે તો તેટલો ભાગ કોઈ અંકમાં પ્રગટ કરીને પોતાના વાચકોનું ધ્યાન તે પુસ્તક તરફ દોરશે. ‘સ્વરાજની લડતના તે દિવસો’માંથી નીચેનાં પ્રકરણો મને વિશેષ ગમેલાં છે :

૧. ‘તું મને નાચ નચાવીશ?’

૨. કરજ

૩. દિલ કે ધડકને કી યાદ

૪. ‘મારી ખીર શરૂ કરાવી દે!’

જે વાચકો મહાવીર ત્યાગીના નામથી પરિચિત ન હોય, તેમને માટે પુસ્તકમાંથી થોડો ભાગ અહીં ઉતારું છું :

કોઈ અલૌકિક રાગિણીના ચઢતા જતા સ્વરો ઉપર મંત્રામુગ્ધ બનીને નાચનારા અમે મતવાલાઓએ ત્રીસ વર્ષ સુધી નિરંતર આ મહાનૃત્યના તાલ સાથે અમારા હૃદયની ધડકન બાંધી લીધી હતી. સંસારની બધી શક્તિઓની અવગણના કરીને અમે એ સંગીતમાં મસ્ત બનીને ઘૂમતા હતા.

પણ હવે પહેલાં જેવી મસ્તી નથી, એવી ધૂન નથી. દીપશિખા બુઝાઈ જતાં પતંગિયાંની મહેફિલ વીખરાઈ જાય — બરાબર એવી રીતે અમારી મહેફિલ પણ બહેકી ગઈ છે. રાગ વિનાનો સ્વર, એમ બાપુ વિનાની કૉંગ્રેસ. પાછલાં ચાલીસ વર્ષોમાં અમે શું શું કર્યું, એ પણ પૂરું યાદ નથી. જે કર્યું તે કોઈ નશાની મસ્તીમાં કર્યું હતું. એમાં મુસીબતો હતી, પણ અમે હસતાં-ખેલતાં કામ કરી ગયા છીએ.

પણ હવે સ્વરાજને કારણે અમારા ઘણાખરા કૉંગ્રેસીઓ રોજગાર વગરના ને ઠેકાણાં વિનાના થઈ ગયા છે. જે માલિકે અમને પાળ્યા હતા તે મરી ગયો. એની ચપટી વાગે કે કાન ઊંચા કરતા હતા, એની સીટી વાગે એટલે કૂદતા હતા, દોડતા હતા. એના મોં ઉપરનું સ્મિત જોઈને લટ્ટુ બની જતા. હવે અમારા ગળાનો પટો નીકળી ગયો છે અને અનાથ બનીને અમે અહીંતહીં પૂંછડી હલાવતા ફરીએ છીએ. હવે કોઈ ચપટી વગાડતું નથી, કોઈ સિસકારો કરતું નથી.

જ્યારે અંગ્રેજો હતા ત્યારે મને રોજરોજ કંઈ ને કંઈ કામ મળી જતું. કંઈ ન બને તો પ્રભાતફેરી કાઢતા. જ્યાં દસ જણ જોયા કે છાપાંની ખબરો સંભળાવતા. દૂરથી જોઈને લોકો આવકારતા. પાસે જઈએ ત્યારે સવાલ કરતા : ‘કેમ આજકાલ મહાત્મા ગાંધીજી શું કરી રહ્યા છે? તમને તો સારી રીતે ઓળખે છે!’ ઘણા ઉત્સાહથી હું એમની વાતો કહેતો. ગાંધીજીની વાતો કરતાં હું કદી થાકતો નહીં. પણ હવે તો એ બધી વાતો સ્વપ્ન જેવી બની ગઈ છે. અંગ્રેજોના ગયા પછી એમના બબરચી વગેરે નોકરી વગરના થઈ ગયા, તેમ કૉંગ્રેસ કાર્યકરો પણ કામ વિનાના બની ગયા.

યાદ કરી કરીને, ગણી ગણીને દરેક નેતાનો દરવાજો હું ખખડાવી આવ્યો છું — કોઈ મદદ કરે તો હું પણ કામમાં જોડાઈ જાઉં. પરંતુ નેતાઓ પાસે હોદ્દા, પરમિટ, લાઇસન્સ, વજીફા ઘણાં છે, પણ કામ નથી.

[‘નયા માર્ગ’ પખવાડિક : ૨૦૦૧]