સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/સંગીત-સૂત્રમાં પરોવનાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          હમ હોંગે કામિયાબ, હમ હોંગે કામિયાબ, હમ હોંગે કામિયાબ એક દિન. પૂરા હૈ વિશ્વાસ!..... આપણાં ગામડાંની નિશાળો સુધી પહોંચી ગયેલા આ ગીતનું મૂળ અંગ્રેજી સ્વરૂપ પણ આ દેશમાં ઘણું જાણીતું થઈ ગયેલું છે. We shall overcome, we shall overcome some day, Oh deep in my heart, I do believe, That we shall overcome some day.... ભારતમાં આ ગીત પહેલવહેલું ગવાયું ૧૯૬૩માં. કલકત્તાના પાર્ક સરકસ મેદાનમાં એક અમેરિકન લોકગાયકે એ ગીત ગાયું અને ૨૦,૦૦૦ની મેદનીએ તે સમૂહમાં ઝીલ્યું. પછી તો ગીતને પાંખો ફૂટી અને તે દેશભરમાં ફેલાઈ ગયું. એ ગીતના ગાનાર હતા પીટર સીગર. ત્યાર બાદ તેત્રીસ વરસે એ ફરી ભારતની મુલાકાતે આવ્યા. ૧૯૯૬ના નવેમ્બરમાં કલકત્તા ઉપરાંત દિલ્હી, બેંગલોર અને તિરુવનાંતપુરમમાં એમનાં ગીતોના કાર્યક્રમો યોજાયા. એ કેવો વિલક્ષણ જોગાનુજોગ કે ગુજરાતના એક લોકગાયકની શતાબ્દીના અરસામાં જ અમેરિકાના એ મહાન લોકગાયકનું આ દેશમાં પુનરાગમન થયું! પીટર સીગરે ‘વી શેલ ઓવરકમ’ની પ્રથમ ઘોષણા અમેરિકામાં ઘણાં વરસો અગાઉ માર્ટિન લ્યૂથર કિંગના સમાન નાગરિક હક માટેના આંદોલન વેળા કરેલી. મૂળ તો કોઈ હબસી અમેરિકન પાદરીએ રચેલા એ ભજનનો સીગરને કંઠેથી લલકાર થયો, અને દેશદેશાવરમાં એના પડછંદા ઊઠ્યા. જોતજોતામાં એ સમસ્ત વિશ્વનું સ્વાતંત્ર્ય-ગાન બની ગયું. મૂળ ભજનમાં શબ્દો હતા “આઈ વિલ ઓવરકમ”, તેમાં સહેજ ફેરફાર કરીને સીગરે ગાયું : “વી શેલ ઓવરકમ.” ગીત-સંગીતની દુનિયામાં એક ઓલિયા જેવા પીટરભાઈ પાંચ દાયકાઓથી સમાનતા, સામાજિક પરિવર્તન અને શાંતિ હાંસલ કરવા કાજે સંગીતનું શસ્ત્રા અજમાવી રહ્યા છે. એમનાં ગીતો લોકોને આનંદ સાથે જ્ઞાન આપે છે, ઉત્સાહિત અને રોમાંચિત કરે છે. જગતભરમાં ઘૂમીને મોટી જન-મેદનીઓ સમક્ષ એમણે ગીતો ગાયાં છે, અન્યાયની સામે મસ્તક ઉઠાવનારાઓની પડખે ઊભા રહીને. ૧૯૭૦માં અમેરિકન પાટનગર વૉશિંગ્ટન પરની વિરાટ લોક-કૂચ વખતે એમણે જોન લેનોનનું મશહૂર ગીત ‘ગિવ પીસ એ ચાન્સ’ (એક તક આપો શાંતિને) ગાયેલું. સંગીતકારોના એક કુટુંબમાં ૧૯૧૯માં જન્મેલા પીટરભાઈએ વીસ વરસની ઉંમરથી જાહેરમાં ગાવાનું શરૂ કરેલું. કૉલેજનો અભ્યાસ અધૂરો પડતો મૂકીને લોકગીતોનો અભ્યાસ કરવા એ લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસ (અમેરિકન સંસદના ગ્રંથાલય)માં પહોંચી ગયા હતા. પછી લોકગીતો વિશે વધુ જાણકારી મેળવવા માટે, પોતાનું તંતુવાદ્ય બેન્જો હાથમાં લઈને એ આખા અમેરિકામાં રઝળવા નીકળી પડ્યા હતા. લોકગીતોના પુનરુદ્ધારની જે નવી ચળવળ અમેરિકામાં શરૂ થઈ, તેમાં પીટર સીગર મોખરે હતા. અમેરિકાને ખૂણે ખૂણેથી, અને દુનિયા આખીમાંથી પણ, એમણે લોકગીતો ભેગાં કરવા માંડયાં અને પછી હબસીઓનાં ભજનો, શ્રમજીવીઓનાં ગીતો, યુદ્ધ-વિરોધી ગીતો, પીડિતોનાં ગીતો — એમ તરેહ તરેહનાં ગીતો એ ગાવા લાગ્યા. ઇન્સાનિયત માટેની ઊંડી ખેવનાથી એમનું ગાન તરબતર છે. માનવ— આત્માનું અવિજેયપણું એ તેનો મુખ્ય સૂર છે. સીગર ગીતો ગાય છે, તેમ પોતે લખે છે પણ ખરા, અને ઘણી વાર બીજાનાં ગીતોમાં જરાક ફેરફાર કરીને તેને પોતાની પરંપરામાં પરોવી લે છે. માનવજાતને સંગીતના સૂત્રામાં પરોવીને એક કરવા પીટરભાઈ મથતા રહ્યા છે. શોષિત-પીડિત જનતાની પડખે એ નિરંતર ખડા રહ્યા છે. વિયેટનામના યુદ્ધમાં અમેરિકાએ ભાગ લીધો તેનો વિરોધ કરવામાં એ મોખરે રહેલા. વિયેટનામમાં ખપી ગયેલા જુવાનજોધ અમેરિકન સૈનિકો અંગે તે કાળે એમણે ગાયેલું શોકગીત ‘વ્હેર હેવ ઓલ ધ ફ્લાવર્સ ગોન!’ (પુષ્પો બધાં ક્યાં જતાં રહ્યાં!) વિખ્યાત છે. પાછળથી પોતાની આત્મકથાને પણ સીગરે એ જ નામ આપેલું : ‘વ્હેર હેવ ઓલ ધ ફ્લાવર્સ ગોન!’ સીગરે જે અનેક ગીતો ગાયેલાં અને લોકપ્રિય બનાવેલાં છે, તેમાં વિચાર અને ભાવનાની ઉદાત્તતાને કારણે જેની કવિતાનું સૌંદર્ય અનોખું બની આવ્યું છે, તેનું નામ છે ‘ગ્વાન્તાનામેરસ’. ક્યૂબાના રાષ્ટ્રવીર હોઝે માર્ટીએ લખેલા સ્પેનિશ ભાષાના એ ગીતમાં માતૃભૂમિ માટેની તીવ્ર મહોબતને કવિએ વાચા આપેલી છે. આ ગીત એટલું બધું લોકપ્રિય બન્યું કે અનેક ભાષાઓમાં અનુવાદિત થઈને જગતભરમાં એ ગવાય છે. સીગર કુદરતના ભારે ચાહક છે. ‘સ્લૂપ ક્લીયર-વૉટર’ નામની પોતાની સઢવાળી હોડીમાં હડસન નદી પર સહેલ કરતાં કરતાં એમણે પ્રદૂષણનાં કારમાં જોખમો સામે પોકાર કરેલો. સીગર એટલે સાદગીના સામર્થ્યની કથા. મહાનગરી ન્યૂયોર્કથી સોએક કિલોમીટર ઉત્તરે, હડસનને કાંઠે રમણીય કુદરતને ખોળે પોતે પતિ-પત્નીએ હાથે બાંધેલા સાદા ઘરમાં પીટરભાઈ રહે છે. કુદરત અને પર્યાવરણનું રક્ષણ કરવાની એકમાત્રા પ્રવૃત્તિને હવે તેમણે પોતાની જાત અર્પણ કરી દીધી છે, અને નગરજીવનની કુત્સિતતા વિશેનાં ઘણાં નવાં ગીતો બેસાડયાં છે. [‘ભૂમિપુત્રા’ પખવાડિક : ૧૯૯૬]