સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/૨૦૦૧નાં મને ગમેલાં ૧૦૦ પુસ્તકો
એકવીસમી સદીના પહેલા વરસમાં સેંકડો ગુજરાતી પુસ્તકો બહાર પડ્યાં. તેમાંથી મારા જોવામાં જેટલાં આવ્યાં તે પૈકી જેટલાં, એક સામાન્ય વાચક તરીકે, મને ગમ્યાં તેવાં ૧૦૦ પુસ્તકોની યાદી અહીં સવિનય રજૂ કરું છું. મારા જેવા બીજા સામાન્ય વાચકોને તે જોઈને કેટલાંક પુસ્તકો વાંચવાનું, ખરીદવાનું મન થશે, એવી હોંશથી આ કામ કર્યું છે. આ યાદીમાં ૧૦૦ જ પુસ્તકો છે એ તેની દેખીતી મર્યાદા છે. વરસભરમાં બહાર પડેલાં ઘણાં પુસ્તકો મેં જોયાં-તપાસ્યાં ન હોય એટલે તેનો સમાવેશ અહીં ન થયો હોય. મારી સમજણ અને રુચિની મર્યાદાને કારણે અમુક પ્રકારનાં પુસ્તકો જ હું પસંદ કરી શક્યો હોઉં. એટલે આ ૧૦૦ સિવાયનાં ઘણાં પુસ્તકો ૨૦૦૧ના વર્ષમાં પ્રગટ થયાં હોય તેની ભલામણ સામાન્ય વાચકોને કરી શકાય. પણ આ યાદીમાં નબળાં પુસ્તકો આવી ન જાય તેની ચિંતા મેં રાખી છે. જગતભરમાં પુસ્તકો ધોધમાર બહાર પડતાં રહે છે તેમાં કચરો પણ ઘણો હોય છે. તેનાથી વાચકોને બચાવવાની કાળજી આવી યાદી બનાવનારે રાખવી જોઈએ જ. દરેક વરસને અંતે વાચકોને આ જાતની યાદી મળતી રહે અને પછી દાયકાને અંતે તેમાંથી ૧૦૦ પુસ્તકો ચૂંટી શકાય. શરૂઆતમાં મેં પસંદ કરેલાં પુસ્તકો ૭૫ જેટલાં થયાં. તેની યાદી બનાવીને આટલા ગ્રંથપરીક્ષકોને મોકલેલી : ગુણવંત શાહ, ધીરુભાઈ ઠાકર, તંત્રી : ‘પરબ’, તંત્રી : ‘પ્રત્યક્ષ’, ભોળાભાઈ પટેલ, મધુસૂદન પારેખ, રઘુવીર ચૌધરી, તંત્રી : ‘શબ્દસૃષ્ટિ’, શરીફા વીજળીવાળા, સુરેશ દલાલ. એમને વિનંતી કરેલી કે મારી યાદીમાં જેટલાં પુસ્તકો પોતાને ભલામણ કરવા જેવાં લાગે તેની સામે નિશાની કરે, યાદીમાંથી કાઢી નાખવા જેવાં લાગે તેની આગળ ચોકડી કરે અને ઉમેરવા જેવાં સૂઝે તે સૂચવે. દસમાંથી આઠના જવાબ મળ્યા, તેમાં એક પણ પુસ્તક કાઢી નાખવાનું કોઈએ કહ્યું નથી. લગભગ બધાંએ પોતપોતાની પસંદગીની નિશાની કરી છે. યાદીમાંનાં બધાં પુસ્તકો એમણે ન પણ જોયેલાં હોય, એ મર્યાદા એ પસંદગીની સમજવાની છે. લગભગ બધાંએ અમુક પુસ્તકો ઉમેરવાનાં સૂચન કર્યાં છે. તે પૈકી જેટલાં હું જોઈ શક્યો ને મને ગમ્યાં તેનો ઉમેરો કરીને આંકડો ૧૦૦ સુધી પહોંચાડયો છે. સૌની સદ્ભાવપૂર્ણ સહાય માટે અત્યંત આભારી છું. પણ આખી યાદી માટેની જવાબદારી તો મારી એકલાની જ રહે છે. ૧૦૦માંથી અડધાં જેટલાં પુસ્તકો ૨૦૦૧માં પહેલી વાર પ્રકાશિત થયેલાં છે, બાકીનાં પુનર્મુદ્રણો છે, જૂજ સંવર્ધિત આવૃત્તિઓ છે. કેટલાંક પુનર્મુદ્રણો ઘણાં વર્ષો પછી થયેલાં છે, એટલે અત્યારના વાચકો માટે તો તે નવાં પ્રકાશનો ગણી શકાય. ‘તોત્તો-ચાન’ જેવાં ગણ્યાંગાંઠયાં પુસ્તકો ૨૦૦૧માં બહાર પડ્યાં ને એ વર્ષ દરમિયાન જ તેનું પુનર્મુદ્રણ કરવું પડ્યું તે આનંદની વાત છે. અન્ન-વસ્ત્ર તથા જીવનની અનેક જરૂરિયાતોની કિંમત વર્ષોથી વધતી આવી છે, તેમ કાગળની પણ વધી છે અને પુસ્તકો મોંઘાં થયાં છે. ત્રાણ આંકડાની કિંમતવાળાં પુસ્તકોની ભલામણ સામાન્ય વાચકોને કરતાં હાથ ધ્રૂજે છે, પણ યાદીમાં લગભગ અડધાં પુસ્તકો એટલી કિંમતવાળાં થઈ ગયાં છે. સૌથી મોંઘું ‘ગરવા ગુજરાતી’ — રૂપિયા ૭૫૦નું પણ તેના લેખક-ચિત્રાકાર રજની વ્યાસે પરિશ્રમપૂર્વક પુસ્તકને ગુજરાતી ભાષાનું એક આભૂષણ બનાવ્યું છે. મારા જેવા મોટા ભાગના વાચકો તે ખરીદી નહીં શકે, પણ આપણાં પુસ્તકાલયો તેમને માટે એ જરૂર સુલભ બનાવશે. યાદીમાં સૌથી ઓછી કિંમતવાળું, પણ અધિક મૂલ્યવાળું, ૩૪ પાનાંનું નાનકડું પુસ્તક છે હરિપ્રસાદ દેસાઈનું ‘ઉચ્ચ જીવન’. છવ્વીસમું પુનર્મુદ્રણ કરીને વાચકો કાજે તે સતત સુલભ રાખનાર સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયનાં જે ઉત્તમ પ્રકાશનો માટે ગુજરાત ઋણી છે, તેમાંની એક આ પુસ્તિકા છે. આ યાદીનાં ૧૦૦ પુસ્તકો આપણને પચીસેક પ્રકાશકો પાસેથી મળેલાં છે. તેમાં સૌથી મોટો ફાળો ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય (૧૫), અને આર. આર. શેઠ (૧૫)નો છે. તે પછી નવભારત સાહિત્ય મંદિર અને ઇમેજ પ્રકાશન આવે છે. એકંદરે સારાં આવાં ૧૦૦ પુસ્તકોનો બને તેટલો વ્યાપક ફેલાવો થાય તે માટે, મારું ચાલે તો, યાદીની એક લાખ નકલ છપાવી તેનો વિનામૂલ્યે પ્રચાર કરું. દરેક પુસ્તકનો બે-પાંચ લીટીમાં પરિચય આપતી પુસ્તિકા છાપીને તે પડતર કિંમતે આપી શકાય. મને ખાતરી છે કે એ રીતે પુસ્તકોનો પરિચય પામનારાં હજારો કુટુંબોને યાદીમાંથી થોડાંક પણ વસાવવાની હોંશ થશે અને પ્રકાશકોને તેનાં પુનર્મુદ્રણો કરવાં ગમશે. ૨૦૦૧નાં ૧૦૦ પુસ્તકો અમી-સ્પંદન : સં. પ્રવીણચન્દ્ર દવે અમે જોયેલા-જાણેલા જયપ્રકાશ : સં. નારાયણ દેસાઈ અડધી રાતે આઝાદી : લેરી કોલિન્સ, દોમિનિક લેપિયર : અનુ. અશ્વિની ભટ્ટ અંધશ્રદ્ધાનો એક્સ-રે : જમનાદાસ કોટેચા ૮.૪૬, અને ધરા ધ્રૂજી : સં. એસ્થર ડેવિડ આપણા યુગની વીરાંગનાઓ : યશવંત મહેતા, ગાર્ગી વૈદ્ય આપણા હાથની વાત : શાંતિલાલ ડગલી આરણ્યક : બિભૂતિભૂષણ બંદોપાધ્યાય અનુ. ચંદ્રકાન્ત મહેતા આશ્રમ-ભજનાવલિ : સં. ના. મો. ખરે આસપાસનાં પંખી : લાલસિંહ રાઓલ ઉચ્ચ જીવન : હરિપ્રસાદ દેસાઈ ઉપસંહાર : સ્વામી સચ્ચિદાનંદ ઊઘડતાં દ્વાર અંતરનાં : એઈલીન કેડી : અનુ. ઈશા-કુન્દનિકા કદલીવન : વિનોદિની નીલકંઠ કબીર વચનાવલી : અનુ. પિનાકિન ત્રાવેદી, રણધીર ઉપાધ્યાય કલાપીનો કાવ્યકલાપ : સં. અનંતરાય મ. રાવળ કારાવાસમાંથી કીર્તિશિખર : પ્ર. ન. જોશી : અનુ. રશ્મિન મહેતા કાવ્યવિશ્વ : સં. સુરેશ દલાલ ગરવા ગુજરાતી : લેખક-ચિત્રાકાર રજની વ્યાસ ગુજરાતી કવિતાનો આસ્વાદ : સુરેશ હ. જોશી : સં. જયંત પારેખ ગુજરાતી પ્રતિનિધિ ગઝલો : સં. ચિનુ મોદી ગુજરાતી લલિત નિબંધ સંચય : સં. ભોળાભાઈ પટેલ ગ્રંથ : આત્માની ઔષધિ : સં. રમેશ ઓઝા ગૃહપતિને : નાનાભાઈ ભટ્ટ જયપ્રકાશની જીવનયાત્રા : કાન્તિ શાહ જાગરણ : ભૂપત વડોદરિયા : સં. વિનોદ પંડયા જીવતર નામે અજવાળું : મનસુખ સલ્લા જીવનનું અંતિમ પર્વ : મીરા ભટ્ટ જેને રખવાળાં ગોમાતનાં : નંદિની મહેતા : અનુ. મીરા ભટ્ટ જોગાજોગ : રવીન્દ્રનાથ ઠાકુર : અનુ. શિવકુમાર જોષી ઝરૂખે દીવા : સં. ઈશા-કુન્દનિકા ઢાઈ અક્ષર પ્રેમકા : ગુણવંત શાહ તત્ત્વમસિ : ધ્રુવ ભટ્ટ તમારા વિના સાંજ ડૂસકે ચડી છે : ભગવતીકુમાર શર્મા : સં. સુરેશ દલાલ તાજા કલમમાં એ જ કે.... : મુકુલ ચોકસી તારકનો ટપુડો : તારક મહેતા તોત્તો-ચાન : તેત્સુકો કુરોયાનાગી : અનુ. રમણ સોની દિવસો જુદાઈના જાય છે : ગની દહીંવાલા : સં. સુરેશ દલાલ દીકરી વહાલનો દરિયો : સં. વિનોદ પંડયા, કાન્તિ પટેલ ધરતીના ચિત્રકાર : ખોડીદાસ પરમાર ધરતીનો અવતાર : ઈશ્વર પેટલીકર ધર્મ : સ્વામી સચ્ચિદાનંદ ૯૯ લઘુકથાઓ : મોહનલાલ પટેલ ન હન્યતે : મૈત્રોયી દેવી : અનુ. નગીનદાસ પારેખ નાનાભાઈ ભટ્ટ પ્રસંગદીપ : ભરત ભટ્ટ પડકાર : કિરણ બેદીની જીવનરેખા : પરમેશ ડંગવાલ : અનુ. કેશુભાઈ દેસાઈ પરમ સમીપે : સં. કુન્દનિકા કાપડીઆ પીધો અમીરસ અક્ષરનો : સં. પ્રીતિ શાહ પ્રભાતનાં પુષ્પો : વજુ કોટક બાળકોના સરદાર : મુકુલ કલાર્થી બોરસલ્લી : પ્રભુલાલ દ્વિવેદી ભગવાન હોવાનો ભ્રમ : યશવંત મહેતા ભાત ભાત કે લોગ : પુ. લ. દેશપાંડે : અનુ. સુરેશ દલાલ મનોહર છે, તો પણ : સુનીતા દેશપાંડે : અનુ. સુરેશ દલાલ માનવીનાં મન : પુષ્કર ગોકાણી મારા અનુભવો : સ્વામી સચ્ચિદાનંદ મારી વિચારયાત્રા : જયપ્રકાશ નારાયણ : સં. કાન્તિ શાહ મારે પણ એક ઘર હોય : વર્ષા અડાલજા માહોલ મુશાયરાનો : રઈશ મણિયાર મિરઝા ગાલિબ : હરીન્દ્ર દવે મુક્તક-રત્ન-કોશ : અનુ. હરિવલ્લભ ભાયાણી મેઘાણીનાં નાટકો : ઝવેરચંદ મેઘાણી મૃત્યુનું માહાત્મ્ય : હીરાભાઈ ઠક્કર યાત્રા-અંતઃ શાંતિની : પીસ પિલ્ગ્રિમ : અનુ. મીરા ભટ્ટ ‘રસધાર’ની વાર્તાઓ : ઝવેરચંદ મેઘાણી : સં. જયંત મેઘાણી રાખનું પંખી : રમણલાલ સોની રામગાથા : રમાનાથ ત્રાપાઠી : અનુ. જયા મહેતા રાહબર : મુકુન્દલાલ મુન્શી લારીયુદ્ધ : ઇલા ર. ભટ્ટ વગડાને તરસ ટહુકાની : ગુણવંત શાહ વડ અને ટેટા : જ્યોતીન્દ્ર હ. દવે વસવાયો : દયા પવાર : અનુ. કિશોર ગૌડ વાતોમાં બોધ : પ્રભાશંકર દ. પટ્ટણી વાર્તા-ખજાનો : લેખક-ચિત્રાકાર વી. રામાનુજ વિદ્યાર્થી ઘડતર ગ્રંથમાળા (૧-૭) : મુકુલ કલાર્થી વીણેલાં ફૂલ (ગુચ્છ ૧૪) : ‘હરિશ્ચંદ્ર’ વેવિશાળ : ઝવેરચંદ મેઘાણી વૉલ્ડન : હેન્રી ડેવિડ થોરો : અનુ. સુંદરજી બેટાઈ શ્રીવાણી ચિત્રા શબ્દકોશ : હર્ષદેવ માધવ શ્રેષ્ઠ હાસ્યરચનાઓ : જ્યોતીન્દ્ર દવે : સં. વિનોદ ભટ્ટ શ્રેષ્ઠ હાસ્યરચનાઓ : વિનોદ ભટ્ટ સત્યના પ્રયોગો : મો. ક. ગાંધી સફરના સાથી : રતિલાલ ‘અનિલ’ સબકો સન્મતિ દે ભગવાન : ગુણવંત શાહ સમુદ્રાન્તિકે : ધ્રુવ ભટ્ટ સરદાર એટલે સરદાર : ગુણવંત શાહ સરસ્વતીચંદ્ર (બૃહત્ સંક્ષેપ) : ગોવર્ધનરામ ત્રાપાઠી સર્વને મારા નમસ્કાર : કાનનદેવીની આત્મકથા : સંધ્યા સેન : અનુ. ચંદ્રકાન્ત મહેતા સંક્ષિપ્ત આત્મકથા : મો. ક. ગાંધી : સં. મથુરાદાસ ત્રાકમજી સંગમયુગના દ્રષ્ટાની જીવનસરસ્વતી : જયંત કોઠારી સાગરને ખોળે ૩૨ દિવસ : હરકિસન મહેતા સાગરપંખી : રિચાર્ડ બાક : અનુ. મીરા ભટ્ટ સાગરસમ્રાટ : જુલે વર્ન : અનુ. મૂળશંકર મો. ભટ્ટ સિદ્ધાર્થ : હર્માન હેસ : અનુ. રવીન્દ્ર ઠાકોર સૉક્રેટિસ : મનુભાઈ પંચોળી ‘દર્શક’ સોરઠી બહારવટિયા : ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધાર : ઝવેરચંદ મેઘાણી સ્વરાજની લડતના તે દિવસો : મહાવીર ત્યાગી હિમાંશી શેલતની વાર્તાસૃષ્ટિ : સં. મણિલાલ હ. પટેલ હૈયું ખોલીને હસીએ! : બકુલ ત્રાપાઠી [‘મિડ — ડે’ દૈનિક : ૨૦૦૨]