સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેશ દવે/રવીન્દ્રકલા અને રવીન્દ્રસંગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આઠ વર્ષની વ્યે રવીન્દ્રનાથે તેમની પ્રથમ કાવ્યપંક્તિઓ લખી ને પછી લખતા જ રહ્યા, નોટબુકો ભરાતી ગઈ. બાર વર્ષની ઉંમરે પ્રતિષ્ઠિત સામયિક ‘તત્ત્વબોધિની પત્રિકા’માં તેમનું ‘અભિલાષા’ નામનું ૧૫૬ પંક્તિનું કાવ્ય પ્રથમ વાર પ્રગટ થયું. સોળ વર્ષની ઉંમરે મોટા ભાઈ જ્યોતિરીન્દ્રનાથે લખેલા હાસ્યનાટકમાં રવીન્દ્રનાથે સફળતાથી મુખ્ય પાત્ર ભજવ્યું. તે પછી કેટલાંય નાટકોમાં અભિનય કર્યો. બાળપણથી જ રવીન્દ્રનાથ મીઠા કંઠે સૂર-તાલમાં ગાતા. સત્તર વર્ષની વયે તેમણે અમદાવાદમાં પહેલી વાર પોતાનાં બે ગીતોનું સ્વરાંકન પણ કર્યું. લેખન, અભિનય, ગાયન અને સંગીતની કળાઓનો વિકાસ રવીન્દ્રનાથમાં આ રીતે નાનપણથી દેખાય છે, પણ ચિત્રકલાનો વિકાસ તેમનામાં છેક અડસઠ વર્ષની ઉંમરે જોવા મળ્યો. રવીન્દ્રનાથ અતિસંપન્ન પ્રતિભાબીજ સાથે જન્મ્યા હતા. ભર્યાભર્યા ઠાકુરકુટુંબમાં સાહિત્ય, સંગીત, નાટક, ચિત્રકલા, ધર્મ અને અધ્યાત્મ-ચિંતનના સંસ્કાર. બડોદાદા [મોટા ભાઈ] દ્વિજેન્દ્રનાથની કવિતા અને કાવ્યપાઠ સાંભળેલા; મેજદાદા [વચેટ ભાઈ] જ્યોતિરીન્દ્રનાથ નાટકો લખતા, ભજવતા, ચિત્રો દોરતા, પિયાનો વગાડતા, સંગીતકારોના સ્વરો ઘરમાં ગુંજતા રહેતા. રવીન્દ્ર બધું આત્મસાત્ કર્યે ગયા, પોતાનું ઉમેર્યું અને વિપુલ સર્જન કર્યું. ૧૯૨૮માં છેક ૬૮ વર્ષની ઉંમરે સમયનો અવકાશ અને અનુકૂળતા ઊભી થતાં તેમની અંદર પડેલાં ચિત્ર-સંસ્કારનાં બીજ અંકુરિત થયાં ને પાંગર્યાં. જીવનનાં છેલ્લાં બાર વર્ષમાં તેમણે અસંખ્ય ચિત્રો કર્યાં; તેમાંથી ૨૫૦૦ જેટલાં જ સચવાયાં છે. રવીન્દ્રનાથ ચિત્રો કરતા થયા તેની કથા રસપ્રદ છે. રવીન્દ્રનાથ ભારે શોખીન અને વ્યવસ્થિત ભદ્રજન હતા. દેખાવ, વસ્ત્રપરિધાન, ઠાઠ-ઠસ્સો અને બધી વસ્તુઓમાં ખૂબ કાળજી રાખવાનો એમનો સ્વભાવ. સુંદર અને મરોડદાર હસ્તાક્ષર કાઢવાનું પણ એમણે કેળવ્યું હતું. એમની હસ્તપ્રતો પણ આગવી સુંદર રીતે બાંધતા. આ પ્રકારની ચીવટ રવીન્દ્રનાથને આનંદ આપતી. જોકે કાવ્યમાં થતા સુધારાઓને કારણે છેકછાક થતી. છેકછાકના લીટા રવીન્દ્રનાથને ગમતા નહીં. તેમણે લખ્યું છે : “હસ્તપ્રતોમાં વિખરાયેલા લીટા અને સુધારાઓથી મને ચીડ ચડે છે.” આ કારણે છેદ અને લીટાઓમાંથી આંખને ગમે તેવું પોત સર્જવા તરફ એ વળ્યા. રવીન્દ્રનાથે સાનંદાશ્ચર્ય નિહાળ્યું કે સુધારા કરવા માટે કરેલા લીટાઓને આમતેમ કરી જોડીએ તો તેમાંથી પણ એક લય અને સૌષ્ઠવ ઊભાં થાય છે, છેકછાકને આભૂષણમાં બદલી શકાય છે. રવીન્દ્રનાથની ચિત્રકલા આપસૂઝમાંથી પ્રગટી છે. પોતાનો રસ્તો એ આપમેળે કંડારે છે. લોકકલાનો વિકાસ આવી જ રીતે થતો હોય છે. સીવવાનું કામ લઈ બેઠેલી કોઈ સ્ત્રી કિનારને કે ફાટેલા ભાગને થીગડું મારવાનો પ્રયત્ન કરી રહી હોય તેમાંથી લોકસહજ સંવેદના અને સૂઝથી ભરતકામ સર્જાય છે. ઊંડી સંવેદનશીલતા કામને કલાની પ્રવૃત્તિમાં બદલી નાખે છે. રવીન્દ્રનાથની ચિત્ર દોરવાની પદ્ધતિ આગવી છે અને એવી જ છે એમની સાધનોની પસંદગી. મોટા ભાગે ચિત્રો દોરવા તેઓ કાગળનો ઉપયોગ કરતા. શાહી કે ઘટ્ટ રંગોથી એ ચિત્રો દોરતા. પેન, ક્રેયોન, કિત્તો, રૂ, ચીથરાં કે તેમની આંગળી સુધ્ધાંનો ચિત્રો દોરવા કે રંગ લગાડવા માટે એ ઉપયોગ કરતા. રવીન્દ્રનાથનાં ચિત્રોમાં વિષયનું તેમજ પ્રકારનું અપાર વૈવિધ્ય છે. તેમણે દૃશ્યચિત્રો, રેખાચિત્રો ત્વરિતચિત્રો, મનુષ્યાકૃતિઓ, પ્રાણીઓ, પક્ષીઓ, ફૂલો, વનપ્રદેશો, ભૂમિદૃશ્યો, ચિત્ર-વિચિત્ર આકૃતિઓ એમ અનેક પ્રકારનું ચિત્રકામ કર્યું છે. પોતાનાં જ બાર જેટલાં રેખાચિત્રો તેમણે દોર્યાં છે. શાંતિનિકેતનનાં પ્રકૃતિદૃશ્યો, ગ્રામજનો, આસપાસનાં ગામો, સાંથાલની નારીઓ, કાળાં-ઘેરાં વાદળો પડછે વૃક્ષો અને વચ્ચે પીળાચટ્ટક પ્રકાશના ચમકારા-આવાં બધાં ચિત્રો બંગાળનું જીવનદર્શન કરાવે છે. ૧૯૩૦માં પહેલી વાર આ ચિત્રો પૅરિસમાં રજૂ થયાં ત્યારે કલાવિવેચકો અચંબો પામી ગયા. ત્યાર પછી જર્મની, બ્રિટન અને અન્ય સ્થળોએ રવીન્દ્રનાથનાં ચિત્રોનાં પ્રદર્શનો થતાં રહ્યાં છે.

રવીન્દ્રનાથનું સંગીત ‘રવીન્દ્રસંગીત’ તરીકે જાણીતું છે. બંગાળમાં આજે એ એટલું જ જીવંત છે. પ્રચલિત લોકપ્રિય ભારતીય સંગીત પર રવીન્દ્રસંગીતે તેની અમીટ છાપ મૂકી છે. પશ્ચિમના દેશોમાં રવીન્દ્રસંગીતનું મૂલ્ય વહેલું સમજાયું હતું. શાસ્ત્રીય સંગીત શીખવા અને માણવાની રવીન્દ્રનાથના કુટુંબમાં પરંપરા હતી. કુટુંબમાં સંગીત ગાજતું અને ગુંજતું રહેતું. પરદેશનાં અને દેશનાં વાદ્યો ઘરમાં હતાં જ. કંઠ્યસંગીતના ઉસ્તાદો ઘરમાં આવતા-જતા રહેતા. શાસ્ત્રીય રાગો ગવાતા અને શિખવાડાતા. પણ એ સંગીતમાં ગીતો અને તેના શબ્દો કે અર્થને સ્થાન નહોતું. રવીન્દ્રનાથે રાગોનો આધાર લઈ ગીતોની સ્વરરચના કરી. તેમણે ગીતોના શબ્દો ને અર્થોને પ્રાધાન્ય આપી નવું જ ભાવજગત ઊભું કર્યું. આ રીતે શબ્દોને મહત્ત્વ આપી સ્વરરચના કરવી એ એક નવી ક્રાન્તિ હતી. આ ક્રાન્તિમાંથી ‘રવીન્દ્રસંગીત’નો ઉદ્ભવ થયો. રવીન્દ્રનાથને સ્વરકાર બનાવવામાં બ્રાહ્મોસંગીત, વૈષ્ણવગીતો, ભજન, બાઉલ અને ભટિયાલી ધૂનોનો સવિશેષ ફાળો છે. આ ગીતોમાં શબ્દ-અર્થ અને સંગીત બંનેનું મહત્ત્વ રહેતું. આ તત્ત્વોને કારણે જ તે સંગીત લોકપ્રિય બન્યું. કલકત્તાની શેરીઓમાં અને ગામડાંમાં રવીન્દ્રનાથે બાઉલ ભજનો સાંભળ્યાં હતાં. પદ્માના કિનારે દૂરદૂરથી સંભળાતી નાવિકોની ભટિયાલી ધૂને તેમને આકર્ષેલા. આ પ્રકારના સંગીતની સાદગી અને મધુરતા રવીન્દ્રનાથને સ્પર્શી ગઈ હતી. આ લોકસંગીતનો પ્રભાવ રવીન્દ્રનાથ પર પડ્યો. આવા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતનું સંમિશ્રણ કરી તેમણે સ્વરરચનાઓ કરી. શબ્દો, અર્થો અને સંગીત ઓતપ્રોત થયાં અને તેમાંથી લોકભોગ્ય મીઠાશ નીપજી. રવીન્દ્રનાથે પોતાનાં ગીતોની સ્વરરચનામાં શાસ્ત્રીય રાગો અને લોકસંગીતનાં તત્ત્વોનો સમન્વય કરી એક નૂતન-નવીન લોકપ્રિય સંગીત સર્જ્યું, તે જ રવીન્દ્રસંગીત. તોડી, ભૈરવી, આશાવરી, સારંગ, પૂર્વી, બાગેશ્રી, મલ્હાર, કેદાર અને માલકોશ જેવા અનેક રાગોનો આધાર લઈ રવીન્દ્રનાથે તેની સાથે લોકસંગીત ભેળવ્યું. એમાંથી સર્જાયું તેમનાં ગીતોનું અર્થપૂર્ણ, લોકો ગાઈ શકે તેવું સંગીત. બંગાળમાં રવીન્દ્રસંગીતની લોકપ્રિયતા આજે પણ એવી જ છે. બંગાળી ઘરોમાં જાણ્યે-અજાણ્યે રવીન્દ્રસંગીત ગવાય છે. રસ્તે જતો દૂધવાળો કે ફેરિયો રવીન્દ્રસંગીત ગણગણતો હોય છે. આજે પણ ‘રવીન્દ્રસંગીત’ના ઉત્સવો યોજાય છે. ફિલ્મોમાં પંજાબ અને ઉત્તર હિન્દુસ્તાનના સંગીતની અસર આવી તે પહેલાં કેટલાંય વર્ષો સુધી ભારતના ફિલ્મ-સંગીતમાં રવીન્દ્રસંગીત જ નહીં, રવીન્દ્રગીતોની પણ અસર રહી. સંગીતકારોએ ફિલ્મોમાં રવીન્દ્રસંગીતની ઘણી ધૂનો સુધારાવધારા સાથે કે બેઠેબેઠી વાપરી છે. સત્યજિત રાયે તેમની ફિલ્મોમાં ઘણી વાર શુદ્ધ રવીન્દ્રસંગીત જ ઉપયોગમાં લીધું છે. સત્યજિત રાય પશ્ચિમના સંગીતના પણ એટલા જ પ્રખર અભ્યાસી હતા. એમનું માનવું છે કે : “ગીતોના સ્વરકાર તરીકે પૂર્વમાં કે પશ્ચિમમાં રવીન્દ્રનાથની બરોબરી કરી શકે તેવો બીજો કોઈ સ્વરકાર નથી.” આજે જેને આપણે સુગમસંગીત કહીએ છીએ તેના જનક પણ રવીન્દ્રનાથ ગણી શકાય, કારણ કે શાસ્ત્રીય સંગીતના ચુસ્ત બંધનમાંથી નીકળી સ્વરરચના તરફ વળનાર એ પહેલા સ્વરકાર છે. [‘કવિતાનો સૂર્ય : રવીન્દ્રચરિત’ પુસ્તક : ૨૦૦૪]