સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/માધવ વી. કામથ/ઊંચે, હજી ઊંચે...
મારી પાસે વિકલાંગ ભાઈ જગદીશ સંભરાનીનું લખેલું પુસ્તક How To Live With Disabilities—‘અક્ષમતાઓ સાથે કેમ જીવવું’ છે. એમણે જુદાજુદા પ્રકારની અક્ષમતા ધરાવતા અનેક માનવોની વાત કરી છે, જેઓ મુશ્કેલીઓની વચ્ચે શાંતિથી અને આનંદથી પોતાનું કામ કર્યે જાય છે. એક છે સમાજસેવક, બીજા છે પ્રોફેસર, ત્રીજા ટેક્નોલોજિસ્ટ તો ચોથા બેંકના અધિકારી, પાંચમા વળી રેલવેકર્મચારી અને છઠ્ઠા તબીબીશાસ્ત્રના વિદ્યાર્થી વગેરે. દરેકની અસીમ વીરતાની વાત છે. કમલા વત્સનું ડોકથી નીચેનું આખું શરીર લકવાથી જકડાઈ ગયું છે; તે પ્રૂફ તપાસીને અને થોડું ટાઇપિંગ કરીને જીવનનિર્વાહ કરે છે. એહલિર્ક અબ્રાહમ પોલિયોથી અપંગ બનેલો છે; એમણે વેરાન જમીનના એક ટુકડાને ફળ આપતી લીલીછમ વાડીમાં ફેરવી નાખ્યો છે. નાનપણમાં લકવાના ભોગ બનેલા પ્રવીણ શામળદાસ ભુત્તા ન્યાયાધીશની પાયરીએ પહોંચ્યા. નાનામોટા અનેક વિકલાંગીઓનાં ઉદાહરણોના ભંડારમાંથી સંભરાનીએ તો આપણને થોડાક નમૂના જ આપ્યા છે.
થોડા મહિના અગાઉ ગુજરાતમાં નર્મદા પ્રોજેક્ટના કામ કરતા એક ભાઈ જોડે મારી ઓળખાણ થઈ. આ ભાઈ પ્રોજેક્ટના સ્થળે યંત્રોની દેખરેખ રાખતા હતા, જેમાં અત્યંત જટિલ પ્રકારનાં યંત્રો પણ હતાં. આશ્ચર્યની વાત એ હતી કે એમનો અભ્યાસ માધ્યમિક શાળાથી આગળ ન હતો. સિવિલ, મિકેનિકલ કે ઇલેકિટ્રકલ એન્જિનિયરિંગની ડિગ્રી કે ડિપ્લોમા ધરાવતા ન હતા. આમ છતાં, એ આખા પ્રોજેક્ટના ટેકિનકલ ડિરેક્ટર હતા, કારણ કે કોઈ પણ યંત્રનું સમારકામ કરવાની ક્ષમતા એ ધરાવતા હતા. જીવનના દરેક ક્ષેત્રે એમના જેવી વ્યકિતઓ છે. આવી વ્યકિતઓ સૂચવે છે કે સફળ થવા માટે કોલેજના અભ્યાસની કે પીએચ.ડી.ની આવશ્યકતા નથી. ભારતની મોટી કમનસીબી છે કે કોલેજના અભ્યાસ પર વધુ પડતો ભાર મૂકી એ સિવાયનાં બીજાં કામોને ઓછું મહત્ત્વ આપવામાં આવે છે. ગાર્ડનરે કહ્યું છે, “ઉત્તમ પ્લમ્બર અસમર્થ ફિલસૂફ કરતાં હજાર દરજ્જે વખાણવાલાયક કહેવાય. પ્લમ્બિંગ હલકા પ્રકારનું કામ સમજી જે સમાજ પ્લમ્બિંગમાં મેળવેલી શ્રેષ્ઠતાને તિરસ્કારે અને તત્ત્વજ્ઞાન એ સ્તુત્ય કાર્ય છે સમજી એમાં નિમ્ન ધોરણ ચલાવી લે, એ સમાજમાં પ્લમ્બિંગ કે તત્ત્વજ્ઞાન બેમાંથી એક પણ સારું નહિ હોય.” ભારતમાં આજે આવી જ પરિસ્થિતિ છે. નિમ્ન ફિલસૂફોની તરફેણ કરતા આપણે સારા પ્લમ્બરોને અવગણીએ છીએ. પરિણામે આપણે ખરાબ પ્લમ્બર અને એથીયે ખરાબ ફિલસૂફો પેદા કરીએ છીએ. આપણી શાળાઓ અને કોલેજો નિમ્ન શિક્ષકો અને નિમ્નતર વિદ્યાર્થીઓથી ભરેલી છે, જેઓનું એકમાત્ર ધ્યેય ડિગ્રી મેળવવાનું છે. જીવનમાંથી શું મેળવવું છે કે સમાજને શું પ્રદાન કરવું છે એ વિષે કોઈ ખ્યાલ નથી. મહત્ત્વની વાત એ છે કે સમસ્યાઓથી ભરપૂર આ વિશાળ દુનિયામાં રાજીખુશીથી ઝઝૂમી શકે એવા અભિપ્રેરિત સ્નાતકો આપણે ઊભા કરીએ. સાથેસાથે એ પણ યાદ રાખીએ કે શાળા અને કોલેજના શિક્ષણક્રમની બહાર પણ ઘણું શીખવા જેવું છે. ઘણી વાર આપણી યુવાપેઢી ઇલેકિટ્રશિયન કે વેલ્ડર બનવાને બદલે થર્ડ ક્લાસ બી. એ. થવાનું વધુ પસંદ કરે છે.
ભારત સરકારના ઉદ્યોગખાતાના એક કાળે સફળ પ્રધાન હતા તે ડી. એ. પાઈએ નાનપણમાં એક જ્યોતિષશાસ્ત્રીને પોતાનાં માતાજીને એવું કહેતાં સાંભળ્યા કે, આ છોકરો મૅટ્રિકથી આગળ અભ્યાસ નહિ કરી શકે અને જીવનમાં સફળતા નહિ મેળવી શકે. તે દિવસ સુધી એ કિશોર આળસુ હતો, સવારે મોડો ઊઠે અને લેસન કરવામાં પાછો પડે. પણ આ વાત સાંભળીને રાતોરાત તેણે નિર્ણય કરી લીધો કે, આ જ્યોતિષીને ખોટા પાડવા. બીજા દિવસથી સવારે પાંચ વાગે ઊઠીને તેણે બધું લેસન બરાબર કરવા માંડ્યું ને ઇતરવાચન માટે પણ સમય કાઢ્યો. વખત જતાં એ સિન્ડિકેટ બૅન્કના મેનેજિંગ ડિરેક્ટર બન્યા, ઇંદિરા ગાંધીની સરકારમાં પ્રધાનપદ મેળવ્યું.
મહાન લખાણ અને રોચક લખાણમાં ફરક છે. રોચક લખાણ શબ્દો જોડે રમતાં આવડે એવી કુદરતી બક્ષિસનું પરિણામ હોઈ શકે છે. જ્યારે મહાન લખાણ ઉદ્ભવે છે એકાગ્રતામાંથી. વિન્સ્ટન ચચિર્લ જ્યાં સુધી વિચારને અનુરૂપ યોગ્ય શબ્દો ન મળે, ત્યાં સુધી પોતાના લખાણને મઠારવાની મહેનત કર્યા જ કરતા. પિકાસો ઘડીભરમાં શ્રેષ્ઠ કલાકૃતિ તૈયાર કરી શકતા; પરંતુ એ સરળ દેખાતી રેખાઓ પાછળ કલાકો, દિવસો અને મહિનાઓનો મહાવરો હતો.
(અનુ. કાલિન્દી રાંદેરી)
[‘ઊચે, હજી ઊચે...’ પુસ્તક: ૨૦૦૨]