સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મીરઝા કેમ્પે/જીવંત ખાક

From Ekatra Wiki
Jump to navigation Jump to search

એક જ્વાલા હતી, ને હવે ખાક છું.
સાંભળો! ખાક શું ગાય છે :
આભ ઊંચી લઈ જાવ, ગગને ઝુલાવો મને :
પવન-પાંખાળી હું ખાક છું, ઊડવા થનગનું;
ને પછી ઝળકતા નીલ નામથી
વિખેરો મને, અહીં વાવો મને
હિન્દના પરમ હેતાળ હૈયા પરે.
અંગેઅંગે છવાતી જતી, પ્રસરતી આછી ચાદર સમી,
કહીશ હું કાનમાં :

મા, તને થાય છે સ્પર્શ મારો?
જીવન ને મૃત્યુમાં
એક જ્વાળા બની, ને હવે ખાક થઈ,
માત! મેં તુજ પરે જાત ઘોળી કરી.
હિન્દમૈયા કહે છે મને :
લાલ પ્યારા જવાહર! તને નહિ દઉં જંપવા,
ના, નહીં મૃત્યુકાંઠે દઉં વિરમવા.
ખાક તો તારી આ તલસતી
લાલવરણાં ગુલાબો મહીં કોળવા;
જિન્દગીનું સદા કમલ તવ
ખીલશે નિત્યનવ ફુલ્લ મારા મહીં.

*

— હું હતી નીલઘન લહર દરિયાવ દુર્દમ સમી,
આજ તો ભૂખરી ખાક છું મૌન ભારે ઢળી.
સાંભળો! ખાક શું ગાય છે :

મુઠ્ઠીભર મુઠ્ઠીભર લઈ મને
દો પ્રયાગે જ પધરાવી, આનંત્યની
ગંગાના હું ઉછંગે વહું ઝૂલતી ઝૂમતી
ત્યાં મહાસાગરે
વિશ્વના સાગરોનો જહીં રંગમેળો મળે.
માનવીના દિમાગે રહું વિલસતી,
પૂછશે વિવિધ લોકો મને :
શાંતિ કેરી તું સહિયર અલી!
શાંત થઈ કેમ સૂતી નથી?
ખાકની ફેનકલગી શિરે ધારતું
આપશે મોજું ઉત્તર : ભલા,
આજ આવો, મિલાવો ખભા,
ભાઈ સમ સર્વ ભેટી પડો!

ને પછી મોજું મોજા સહે ભેટતું
ઊછળી ધસી જશે
રોજ આગે અને રોજ આગે બઢી,
આ અશાંતિની દુનિયા મહીં
સાદ પાડી સદા,
સાદ પાડી બધે,
શાંતિ ને પ્રેમનો, પ્રેમ ને શાંતિનો!
[મૂળ લેટવીઅન ભાષાના કાવ્યના કવયિત્રીએ પોતે કરેલા અંગ્રેજી ભાષાંતર પરથી]
(અનુ. મકરન્દ દવે)