સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/નામ માધવનું
બેન, વગડો બોલે છે નામ માધવનું.
બેન, ખડવનમાં સળી સળીમાં સળવળતું નામ મારા માધવનું.
બેન, ઝૂલે વડવાઈએ નામ માધવનું.
બેન, છાંયે આળોટે નામ માધવનું.
બેન, થડ થડ પર છુપાતું મલકે છે નામ મારા માધવનું.
બેન, થાળે ઠલવાય નામ માધવનું.
બેન, ક્યારે છવરાય નામ માધવનું.
બેન, ખેતરનાં ડૂંડાંમાં ડોલે છે નામ મારા માધવનું.
બેન, લણતાં લણાયું નામ માધવનું.
બેન, ખડક્યું ખળામાં નામ માધવનું.
બેન, ગાડે વેરાતું વહી આવે છે નામ મારા માધવનું…
બેન, પિંજર પુકારે નામ માધવનું.
બેન, ખીલે ખેંચાય નામ માધવનું.
બેન, બારણાની તડમાંથી સૂસવતું નામ મારા માધવનું.
બેન, ચાતક રૂવે છે નામ માધવનું.
બેન, પાલવ લૂવે છે નામ માધવનું.
બેન, રહી રહીને નેવલે ચૂવે છે નામ મારા માધવનું.
બેન, સ્થળ જળ ઝીલે છે નામ માધવનું.
બેન, મૃગજળ તલખે છે નામ માધવનું.
બેન, અંધારાં-અજવાળાં, પીએ છે નામ મારા માધવનું.
બેન, મળતાં મળ્યું છે નામ માધવનું.
બેન, અનુભવનું ધામ નામ માધવનું.
બેન, બોલાવું કોકને ને પડઘામાં નામ મારા માધવનું.
[‘સંસ્કૃતિ’ માસિક : ૧૯૭૫]