સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/“લોકોને મારવા માટે નથી!”

From Ekatra Wiki
Jump to navigation Jump to search

બાળમહારાજા કૃષ્ણકુમારસિંહજીને ઇંગ્લૅન્ડમાં ભણવા મૂકેલા. ત્યાંથી ૧૯૨૭માં રજામાં થોડા વખત માટે તેમને ભાવનગર લઈ આવેલા. ભાવનગરની પ્રજાને તેમનું સ્ટેશને સ્ટેશને સ્વાગત કરવું’તું. એટલે લોકો ઊમટે, ફૂલતોરા કરે, ધોળ કરે વગેરે વિધિ થતાં ટ્રેન સિહોર સ્ટેશને આવી ત્યારે ત્રાણ કલાક મોડી હતી. આજુબાજુનાં ઘણાં ગામડેથી માણસો ઊમટેલાં. લોકોના ધસારાના પરિણામે દીવાન પ્રભાશંકરનો ફેંટો ઊડી ગયો, ને અંગરખાની ચાળ ફાટી ગઈ. બાળમહારાજા પણ ટલ્લે ચડી છૂટા પડી ગયા. તેમનો સાફો નીકળી ગયો. એ હાલતમાં જેમતેમ કરી ડબામાં ચડી ગયા. બારણામાં આગળ મહારાજા ને ફાટેલે અંગરખે, ઉઘાડે માથે પ્રભાશંકર ઊભા હતા. ટોળાનો ધસારો વધતો ગયો. ધક્કામુક્કીમાં લોકો બારણાં પર ચડવા લાગ્યા. તેમને રોકવા ફોજદારે સોટી વીંઝવી શરૂ કરી. એકદમ પ્રભાશંકરે બૂમ મારી : “બંધ કરો! પોલીસ આઘી ખસી જાય. લોકોને મારવા માટે પોલીસ નથી!” બાળમહારાજાએ કહ્યું : “મારી પ્રજાને શા માટે મારો છો?” લોકોના સાંભળતાં પ્રભાશંકરે સ્થાનિક વહીવટદારને હુકમ આપ્યો કે ફોજદાર સાહેબનો આજ ને આજ દસ રૂપિયા દંડ વસૂલ લેવો. વહીવટદારે દંડ વસૂલ કર્યો ને બીજે દિવસે પાછો ચૂકવતી વખતે પટ્ટણીસાહેબે દંડ માફ કર્યો છે તેમ જણાવ્યું. અઠવાડિયા પછી કોઈ કામ નિમિત્તે પ્રભાશંકરનો સિહોર મુકામ થયો, ત્યારે પોતાનો દંડ માફ કર્યા બદલ ફોજદાર આભાર માનવા આવ્યા. ત્યારે પ્રભાશંકરે કહ્યું : “તમારો હેતુ વ્યવસ્થા જાળવવાનો હતો, એ હું સમજતો’તો. પણ લોકોને મારવાથી વ્યવસ્થા ન જળવાય, ઊલટી ગેરવ્યવસ્થા વધે ને લોકોને રાજ્ય તરફ માન ઘટે. હું તમારી જગ્યાએ હોઉં તો સામટાં માણસો લાંબા વખતથી રાહ જોઈ કંટાળે, એમ સમજીને કોઈ કોઈ મા પાસેથી રોતું છોકરું તેડી અથવા એને માટે પીવાનું પાણી લાવી દઈ છાનું રાખતાં રાખતાં એ માવડીને કહું કે, આ યે બાળારાજા છે. એ બિચારાને તેડીને આ ભીડમાં આવ્યાં છો તો હેરાન થશો. માટે છેટે ઊભાં રહીને જોજો, નહીંતર ભીડના ધસારામાં છોકરું હાથમાંથી છૂટી પડશે, કચરાઈ મરશે ને રોવા વારો આવશે. જો આમ લોકોને આગળથી સમજાવ્યાં હોત તો ધમાલ ન થાત. ભીડમાં ધાંધલ ન થાય તે માટે અગાઉથી સાવચેતીનાં પગલાં લેવા માટે પોલીસ છે.” (આ ફોજદારના કામથી પ્રભાશંકરને સંતોષ હતો. એ ફોજદાર ડિસ્ટ્રિક્ટમાં હોય, ત્યારે પોતાનું સીધું ભેગું લઈ જતા ને હાથે રાંધતા. ગાડીવાળો ના કહે તો પણ તેને ભાડું દીધા વગર ઘોડાગાડીમાં બેસતા નહીં!) [‘પ્રભાશંકર પટ્ટણી : વ્યક્તિત્વ-દર્શન’ પુસ્તક]