સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/નિર્ધન?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

મહાત્મા તોલ્સતોય પાસે એક જુવાન આવીને કહેવા લાગ્યો : “હું બહુ જ ગરીબ માણસ છું. મારી પાસે એક પાઈ સુધ્ધાં નથી!” તોલ્સતોય મીઠું સ્મિત ફરકાવતાં બોલ્યા, “તારી પાસે એક પાઈ સુધ્ધાં નથી? એમ તે કાંઈ બને?” જુવાન દયામણે અવાજે બોલ્યો : “ના જી, મારી પાસે કશું જ નથી.” તોલ્સતોયે કહ્યું : “તને એક રસ્તો બતાવું. મારો એક મિત્રા વેપારી, માણસની આંખો વેચાતી લે છે. તે બે આંખના વીસ હજાર આપે છે. બોલ, તારે પૈસાની જરૂર હોય તો તારી બે આંખો વેચવી છે?” જુવાન ફાટી આંખે બોલ્યો : “શું કહ્યું — આંખો? ના જી!” તોલ્સતોય આગળ બોલ્યા : “તે વેપારી હાથ પણ ખરીદે છે. બેય હાથના મળીને પંદરેક હજાર આપશે. બોલ, તારે હાથ વેચવા છે?” પેલો જુવાન ગભરાયેલા અવાજે બોલ્યો : “ના જી! ના જી! મારે હાથ નથી વેચવા!” તોલ્સતોય હસતા હસતા બોલ્યા : “તો પછી એમ કર — તારા પગ વેચી નાખ. તને બે પગના તે દશ હજાર તો આપશે જ.” જુવાન તો તોલ્સતોયની વાતો સાંભળીને ધ્રૂજતે અવાજે બોલ્યો : “સાહેબ, આવું બધું આપ શું બોલો છો? મને તો એ સાંભળીને ગભરામણ થાય છે!” તોલ્સતોય ખડખડ હસતા બોલ્યા : “હું તને તારી નિર્ધનતા મટાડવાનો ઉપાય જ બતાવું છું. એમાં ગભરાવા જેવું શું છે? અચ્છા, સાંભળ. જો તારે ખૂબ પૈસાદાર થવું હોય તો તને એક લાખ રૂપિયા આપીને એ મારો મિત્રા તારું આખું શરીર ખરીદી લેશે. તે વેપારી માણસના શરીરમાંથી ગુપ્ત દવાઓ બનાવે છે, એટલે એ તને લાખ રૂપિયા જરૂર આપશે. બોલ, શો વિચાર છે?” પેલો જુવાન હિંમત એકઠી કરી જરા મક્કમ અવાજે બોલ્યો : “સાહેબ, એક લાખ તો શું — કોઈ કરોડ રૂપિયા આપે તો યે હું મારું શરીર નહીં વેચું!” એ સાંભળી તોલ્સતોય પ્રેમાળ સ્મિત ફરકાવતા બોલ્યા : “જે માણસ કરોડ રૂપિયા લઈને પણ પોતાનું શરીર વેચવા તૈયાર નથી, તે જો એમ કહે કે હું સાવ નિર્ધન છું, તો કોઈને હસવું ન આવે? અરે, ભલા જુવાન, આ આંખો, આ હાથ, આ પગ, આ પ્રાણવંત શરીર — એ સૌ ધનના અખૂટ ખજાના છે. આટલું જાણી લે અને મહેનત કર. સોનું, રૂપું એ સઘળું પછી કશી વિસાતમાં નથી. ચાંદો-સૂરજ પણ તારા હાથવેંત જ છે.”