સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુનિ ભુવનચંદ્ર/જૈન ધર્મ-સાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


[‘સમણસુત્તં’ પુસ્તકમાં આપેલી ૭૫૬ ગાથાઓમાંથી સંકલિત] તું તારા માટે જે ઇચ્છે છે, તેવું બીજા માટે પણ ઇચ્છજે. તારા પોતાને માટે જે નથી ઇચ્છતો, તેવું બીજાને માટે પણ ન ઇચ્છતો.

*

એકના અપમાનમાં બધાનું અપમાન છે; એકની પૂજામાં સર્વની પૂજા આવી જાય છે.

*

રાગ અને દ્વેષ આપણું જેટલું બૂરું કરે છે, એટલું તો બળવાન શત્રુ પણ નથી કરી શકતો. એ બે જ આપણને અન્ય પાપોમાં દોરી જાય છે.

*

બહારની લડાઈથી શું વળશે? લડવાનું તો પોતાની જાત સાથે જ છે. જે જાતને જીતે છે તે જ સાચું સુખ પામે છે.

*

ક્રોધ પ્રેમનો નાશ કરે છે, માયા મૈત્રીનો, પણ લોભ તો સર્વનો નાશ કરે છે. ક્ષમાથી ક્રોધને હણો, નમ્રતાથી અભિમાનને જીતો, અને સંતોષ વડે લોભ પર વિજય મેળવો.

*

નિષ્કામભાવે દાન આપનાર અને નિષ્કામભાવે દાન લેનાર, બન્ને આ જગતમાં દુર્લભ છે.

*

ઇંદ્રિયોની ઉપશાંતિ એ જ ઉપવાસ છે. જિતેન્દ્રિય ભોજન કરતો હોય ત્યારે પણ ઉપવાસી છે. ઉપવાસોથી અજ્ઞાનીને જેટલી શુદ્ધિ થાય, તેનાથી ઘણી વધારે શુદ્ધિ રોજ જમનારા જ્ઞાનીને થાય છે.

*

સુખી સ્થિતિમાં મેળવેલું જ્ઞાન દુખની સ્થિતિમાં નકામું થઈ જાય છે. માટે સાધકે પોતાની શક્તિ અનુસાર કષ્ટ અપનાવીને જાતને કેળવવી.

*

જે તપની સાથે જ્ઞાન નથી, એ તપ કેવળ ભૂખમરો ગણાય.

*

સુખ મેળવવું કે દુખને દૂર કરવું, એ તપનો હેતુ નથી. તપનો હેતુ તો મોહક્ષય કરવાનો છે.

*

પાણી વગર અનાજ પાકતું નથી, તેમ વિનય વગરની વિદ્યા ફળતી નથી.

*

વાચના (પાઠ કરવો), પરિવર્તના (શીખેલું ફરી યાદ કરી જવું), પૃચ્છના ( પ્રશ્નો કરવા), અનુપ્રેક્ષા (વિચારવું), અને ધર્મકથા (અન્યને સમજાવવું) — આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય તે તપ છે. સ્વાધ્યાય સમાન અન્ય કોઈ તપ છે નહિ. [‘સમણસુત્તં’ એ જૈનધર્મસારનો મુનિશ્રી ભુવનચંદ્રજીએ કરેલો સરળ ગુજરાતી અનુવાદ છે. વિશ્વના મહાન ધર્મોના અધ્યયન પછી વિનોબાજીએ ‘કુરાનસાર’, ‘ખ્રિસ્ત ધર્મસાર’, ‘ગીતા-પ્રવચનો’, ‘ધમ્મપદ’, ‘જપુજી’, ‘ભાગવતધર્મસાર’, ‘તાઓ ઉપનિષદ’ વગેરે પુસ્તકો તૈયાર કરીને પ્રજાને આપ્યાં. તે પછી તેમની પ્રેરણાથી જૈનોના જુદા જુદા ફિરકાના મુનિઓ તથા વિદ્વાનો એકત્રા થયા. એ બધાની મહેનતને પરિણામે જૈનોનો એક ઉત્તમ, સર્વમાન્ય ધર્મસાર તૈયાર થયો, તે ‘સમણસુત્તં’ નામે ગ્રંથરૂપે ૧૯૭૫માં ભગવાન મહાવીરની ૨૫૦૦મી જયંતી પ્રસંગે પ્રગટ થયો. પછીને વરસે તેનો ગુજરાતી અનુવાદ બહાર પડેલો, તે ઘણો સમય અપ્રાપ્ય રહેલો. પછી મુનિશ્રી ભુવનચંદ્રજીએ મૂળ ગાથાઓ પરથી ‘સમણસુત્તં’નો નવેસર કરેલો, અનુવાદ ૧૯૯૫માં જૈન સાહિત્ય અકાદમી (ગાંધીધામ)તરફથી પ્રકાશિત થયો છે.]