સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મૃદુલા મહેતા/“હું આવું છું”

From Ekatra Wiki
Jump to navigation Jump to search


[ઉત્તર અમેરિકા ખંડની શોધ પછી ત્યાં જે બ્રિટિશ સંસ્થાનો સ્થપાયાં હતાં, તેમણે ૧૭૭૬માં પોતાની સ્વતંત્રતાની ઘોષણા કરી અને અંગ્રેજો સામેના યુદ્ધમાં વિજય મેળવીને યુનાઇટેડ સ્ટેઇટ્સ ઓફ અમેરિકાના નૂતન રાષ્ટ્રની સ્થાપના કરી. પણ અમેરિકન પ્રજાની સ્વતંત્રતાના સોનાના થાળમાં એક લોઢાની મેખ રહી ગઈ હતી. એ ગોરી પ્રજાની વચ્ચે કાળા હબસી ગુલામોની એક લઘુમતીનું હજી અસ્તિત્વ હતું. ગોરાઓનો એક વર્ગ એમની ગુલામી નાબૂદ કરવા આતુર હતો, જ્યારે એવો જ બીજો હિસ્સો હબસીઓને કાયમ ગુલામ રાખવા માગતો હતો. એ બે પ્રકારના ગોરાઓ વચ્ચેનો આ મતભેદ વધતો વધતો એટલો ઉગ્ર બન્યો કે યુનાઇટેડ સ્ટેઇટ્સનાં ત્યારે ૧૩ રાજ્યો હતાં તેમાંથી ગુલામી નાબૂદ કરવા માગતાં ઉત્તરનાં સાત અને ગુલામી ચાલુ રાખવા મક્કમ દક્ષિણનાં છ રાજ્યો વચ્ચે ૧૮૬૧થી ૧૮૬૫ સુધી આંતરવિગ્રહ લડાયો. ગુલામીના મુદ્દા પર સંઘરાજ્યમાંથી નીકળી જવાનો નિર્ધાર કરનારાં દક્ષિણનાં રાજ્યોનો ત્યારના રાષ્ટ્રપતિ એબ્રહામ લિંકને મક્કમતાથી સામનો કર્યો અને અંતે યુદ્ધમાં વિજય મેળવ્યો. તેને પરિણામે આખા દેશમાંથી ગુલામી નાબૂદ થઈ. આંતરવિગ્રહ હજી ચાલુ હતો, ત્યારે જ લિંકને ગુલામીની મુક્તિનું જાહેરનામું ૧૮૬૩માં બહાર પાડેલું. તે પછીને વરસે જ જન્મેલોે ગુલામ માબાપનો એક બાળક આગળ જતાં જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર નામે એક મહાન વૈજ્ઞાનિક તરીકે જગવિખ્યાત બનવાનો હતો અને પોતાની હબસી જાતિને અપૂર્વ ગૌરવ અપાવવાનો હતો. એ જ્યોર્જ હજી નિશાળમાં સાતમા ધોરણમાં ભણતો હતો તે કાળે, બુકર ટી. વોશિંગ્ટન નામના બીજા એક હબસી મહાપુરુષ પોતાના કાળા બંધુઓને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ ભણી ખેંચી જવા મથી રહ્યા હતા.-સંપાદક]

*

યુનાઇટેડ સ્ટેઇટ્સના વિશાળ દક્ષિણ પ્રદેશમાં હજારો કાળાં નરનારીઓ ગુલામીમાંથી મુક્ત બન્યાં હતાં. પણ માત્ર માલિકની આજ્ઞા ઉઠાવવાની ને કાળી મજૂરી કરવાની પેઢીઓની આદતને કારણે તેમને દુનિયાદારીની કોઈ ગતાગમ રહેવા પામી નહોતી. કાયદાએ તેમને પોતાના પગ પર ઊભા રહેવાનો અધિકાર આપ્યો હતો; પણ આવતીકાલની ચિંતા કરવાની સૂઝ જેમનામાં નહોતી રહી તેવા એ લોકો અચાનક જ ઠામઠેકાણાં વગરનાં બની ગયાં હતાં. જેમની પોતાની પરણેતરો પણ એમની પહેલાં તો ગોરા માલિકોની બનતી હતી, કુટુંબજીવનનો લહાવો જેમને કદી ભોગવવા મળેલો નહોતો, તેમને માથે એકાએક જાતે સંસાર ચલાવવાની જવાબદારી આવી પડી હતી. એમનાં હિંમત ને સ્વમાન તો ક્યારનાંયે ઝૂંટવાઈ-રગદોળાઈ ગયાં હતાં. કંગાલિયત ને અજ્ઞાન તેમને ઘેરી વળ્યાં હતાં. કોઈ કાળે પણ એમને આગળ ન આવવા દેવાનો નિર્ધાર જે ગોરા લોકોએ કરેલો હતો, તેમની જ બરોબરી કરવાનો, તેમની સાથે ખુલ્લી હરીફાઈમાં ઊભા રહેવાનો, તેમની સાથે કદમ મિલાવીને ચાલવાનો અધિકાર ને અવસર તેમને હવે મળ્યો હતો. દક્ષિણના મોટા ભાગના ગોરાઓ તો એવું માનતા હતા કે હબસી બાળક અમુક ઉંંમર સુધી જ ગોરા બાળકના જેટલી બુદ્ધિ ને ગ્રહણશક્તિ ધરાવતો હોય છે, પણ તે પછી તેની આ શક્તિ કુંઠિત થઈ જાય છે. એટલે એને વધુ ભણાવશો તો તે ઉલટાનો સમાજ માટે આપત્તિરૂપ બનશે. પરંતુ થોડાક-બહુ થોડા-ગોરાઓ સમજતા હતા કે ગુલામીની બેડીમાંથી છૂટેલા કાળા લોકો જો અજ્ઞાનની જંજીરોમાં જકડાયેલા રહેશે, તો જ તે જોખમરૂપ બનશે. તેમની બુદ્ધિને કેળવીને સમાજ માટે તેમની ઉપયોગિતા વધારવી, તેમાં જ સરવાળે સૌનું ભલું છે. જે થોડાક કાળા લોકોને કાંઈકેય ભણવાની તક સાંપડી હતી, તેઓ તો પામી જ ગયા હતા કે અજ્ઞાનની ઊંડી ખાઈમાંથી તે નીકળી શકશે તો જ એમની મુક્તિ સાચી નીવડશે. એટલે પોતાને માટે ઠેકઠેકાણે નાનીમોટી નિશાળો ઊભી કરવાના તેમના પ્રયત્નો ચાલતા હતા. જેઓ પોતે ઝાઝું ભણેલા નહોતા, તે પણ પોતાના નિરક્ષર જાતભાઈઓને કાંઈક શીખવવા મથતા હતા.

*

દક્ષિણ યુનાઇટેડ સ્ટેઇટ્સના આલાબામા રાજ્યમાં હબસીઓની સેવા કરતી એક સંસ્થાએ જોયું કે કોઈ પણ જાતના રચનાત્મક કામનું પહેલું પગથિયું છે કેળવણી. એટલે બાળકો માટે મફત કેળવણીની એમણે શરૂઆત કરી. બે હજારની વસ્તીવાળું ટસ્કેજી ગામ, તેમાં મોટા ભાગના લોકો કાળા હતા. લુઈ એડમ્સ ત્યાંનો વતની. તેના સારા નસીબે ગુલામીકાળમાં પણ જરા આગળ વધવાની તક તેને મળી હતી. તે કુશળ કારીગર હતો; જોડા સીવવા-સાંધવાથી માંડીને બંદૂકની મરામત સુધીની બધી કામગીરીમાં તેના હાથ ને મગજ કુશળતાથી ચાલતાં હતાં. ગુલામી-નાબૂદી પછી તો કાળા લોકોને પણ ચૂંટણીમાં મત આપવાનો અધિકાર મળ્યો હતો. જે ગોરાને ધારાસભામાં જવું હોય તેને કાળા લોકોના મતની પણ ગરજ રહેતી. એ સંજોગોનો લાભ એડમ્સભાઈએ લીધો. કાળા લોકો માટે એક સરકારી શાળાની માગણી તેણે પોતાના વિસ્તારના ધારાસભ્ય પાસે મૂકી. ધારાસભ્યના પ્રયાસ ચાલ્યા. છેવટે ૧૮૮૧માં ટસ્કેજી ગામની શાળા માટે સરકારે ગ્રાંટ મંજૂર કરી. પણ ખરી મુશ્કેલી તો હવે ઊભી થઈ. કાળા લોકોનાં છોકરાંને ભણાવે કોણ? હબસીઓમાં તો શિક્ષણની હજી શરૂઆત જ થઈ હતી, એટલે હબસી શિક્ષક ક્યાંથી મળે? અને ગોરો તો કાળાંને ભણાવવા આવે જ શાનો! તપાસ કરતાં કરતાં ભાળ લાગી કે હેમ્પટનની કોલેજમાં એક હબસી સ્નાતક પ્રાધ્યાપક છે. પત્રવ્યવહાર ચાલ્યો, ને પરિણામે બુકર ટી. વોશિંગ્ટન નામના એ સ્નાતકને બોલાવીને તેના હાથમાં ટસ્કેજીની નવી હબસી શાળા સોંપવામાં આવી. સરકારી ગ્રાંટ તો શિક્ષકના પગાર પૂરતી જ હતી. તેમાં મકાન પાછળ ખર્ચ કરવાનો કોઈ અવકાશ ન હતો. ગામથી દૂર ટેકરી પર એક જૂનું જર્જરિત દેવળ ઊભું હતું. વરસાદના દિવસોમાં ત્યાં ઊભા રહેવા જેટલી કોરી જગ્યા મળી રહેતી હતી. આ મકાન અને ત્રીસ વિદ્યાર્થીઓ સાથે બુકર ટી. વોશિંગ્ટને કેળવણીનો પોતાનો પ્રયોગ શરૂ કરી દીધો. ખૂબ મહેનત કરીને તેણે થોડા પૈસા ભેગા કર્યા. લખવા-વાંચવા ઉપરાંત વિદ્યાર્થીઓને તેણે ઈંટો પાડતાં શીખવવા માંડ્યું. છોકરાઓએ હોંશે હોંશે કામ કર્યું, અને એ ઈંટોમાંથી પહેલું મકાન ચણાયું. ઈંટો પાડવાનું કામ ધીમે ધીમે આગળ ચાલ્યું. ગામમાં અને આજુબાજુના પ્રદેશમાં ચણાતાં મકાનોને ઈંટો પૂરી પાડવાનું કામ આ વિદ્યાર્થીઓ કરવા લાગ્યા. વિદ્યાર્થીઓ વધતા ગયા તેમ તેમ ટસ્કેજી સંસ્થામાં બીજાં મકાનો ઊભાં થતાં ગયાં. થોડા ઉદ્યોગો ચાલુ થયા. પછી તો સહુની અજાયબી વચ્ચે ચાર માળનું આલીશાન મકાન પણ વોશિંગ્ટને વિદ્યાર્થીઓ પાસે જ તૈયાર કરાવ્યું. તેમાં સ્થળની પસંદગી અને નકશાથી માંડીને પાયાથી મોભ સુધીનું તમામ કામ વિદ્યાર્થીઓએ જાતે કરેલું. “કાળિયાઓને તે વળી શું આવડે?” એવું કહેનારા ગોરાઓ મોંમાં આંગળાં નાખી ગયા. કાળા લોકોએ ભારે આત્મવિશ્વાસ અને ગૌરવ અનુભવ્યાં. વિદ્યાર્થીઓના સંસ્કારઘડતરમાં પણ વોશિંગ્ટનને ઠીક ઠીક સફળતા મળી. આ બધું તો થયું. પણ મીઠા વગરનું બધું મોળું, તેમ અન્ન વિનાનું સર્વ કાંઈ પાંગળું. દક્ષિણની આ કસવિહોણી જમીનને સુધારીને તેમાંથી નીપજ મેળવતાં ન આવડે, ત્યાં સુધી બધું વ્યર્થ. એ આલાબામા રાજ્યનો પ્રદેશ એક જમાનામાં આંખો ઠારે એવો હરિયાળો હતો. ‘આલાબામા’નો અર્થ જ થાય ‘આરામગાહ’. વર્ષો પહેલાં અમેરિકાના આદિવાસી લોકોનો એક કાફલો ત્યાં આવીને ઠરીઠામ થયેલો. તેનો મુખી આ ધરતીની ફળદ્રૂપતા પર એવો પ્રસન્ન થઈ ગયેલો કે તેના મુખેથી જ સરી પડ્યું ‘આલાબામા’ નામ. પરંતુ ટસ્કેજી વસ્યું ત્યાં સુધીમાં તો ત્યાંની જમીન ધોવાઈ ધોવાઈને કસવિહોણી બની ગઈ હતી. કાંટા-કાંકરા ને જાળાંઝાંખરાંનો પાર નહોતો. એવા સ્થાનમાં ધૂણી ધખાવીને બુકર ટી. વોશિંગ્ટન બેઠા હતા. કેવા કેવા મનોરથ એણે સેવ્યા હતા! પોતાનાં ભાષણોમાં અનેક વાર પેલું દૃષ્ટાંત એ આપતા : જૂના વખતની વાત છે. દરિયાના તોફાનમાં એક વહાણ ઘણા દિવસથી અટવાઈ ગયું હતું ને ક્યાંય જતું ફંગોળાઈ ગયું હતું. ઊંચે આભ ને નીચે ખારાં ઉસ જેવાં નીર. ચોપાસનાં આટલાં બધાં પાણી વચ્ચે તરસે તરફડવાનો દિવસ આવ્યો હતો. અચાનક આશાનું એક કિરણ ઝળક્યું. દૂર દૂર એક બીજું જહાજ પસાર થતું દેખાયું. સડસડાટ ધજા ચડાવી આ લોકોએ; સંકેત આપ્યો : “પાણી! પાણી! તરસે મરીએ છીએ!” પેલા જહાજે જવાબ વાળ્યો : “જ્યાં છો ત્યાં જ ઘડો બુડાડો ને!” ફરી કહેવડાવ્યું, “પાણી મોકલો, પાણી!” ફરી ઉત્તર મળ્યો : “જ્યાં છો ત્યાં જ ઘડો બુડાડો.” છેવટે ત્યાં જ ઘડો બુડાડીને પાણી સીંચ્યું. મીઠું અમૃત જેવું પાણી પામીને સૌ તાજુબ થયાં. સાગર સમાણી મહાનદી એમેઝોનનું મુખ નજીકમાં જ હતું, તેથી એ સંગમસ્થાનનાં જળ મીઠાં હતાં. વોશિંગ્ટન પણ લોકોને વારંવાર કહેતા : જ્યાં છો ત્યાં જ ઘડો બુડાડો, ત્યાં જ પુરુષાર્થ કરો; જમીન સુધારો, ઢોરઢાંખર ઉછેરો. ધરતીની સંપત્તિને ઉલેચીને બધું હર્યુંભર્યું કરો. પણ… પણ… પંદર પંદર વરસની મહેનત જાણે પાણીમાં જવા બેઠી હતી. નિશાળમાં ઈંટકામ શીખવ્યે કેટલુંક વળે? એકાદ-બે ઉદ્યોગો પર કેટલું નભે? હબસી સમાજને મૂઠી ધાનનાં જ સાંસા હોય, ત્યાં અધભૂખ્યાં બાળકોને ભણવા કોણ મોકલે? કંગાલિયતની કારમી યાતના વેઠતાં માનવીઓ વચ્ચે વોશિંગ્ટન પંદર વરસથી અડીખમ બનીને બેઠા હતા, પણ વ્યર્થ… બધું વ્યર્થ. લોકોની ભૂખ એ ભાંગી શક્યા નહોતા. નિરાશાથી તેનું અંતર કરમાઈ રહ્યું હતું. પણ કરવું શું? ખેતીનો એકડોય પોતે જાણતા નહોતા. જમીન ચુસાયેલા ગોટલા જેવી બની ગઈ હતી. અને હજીય તેનું ધોવાણ નિરંતર ચાલ્યા કરતું હતું. પુરાતન કાળની ઢબે જ હજી ખેતી થતી હતી. તેનાં ઓજાર સાવ પ્રાથમિક દશાનાં હતાં. ઢોર બિચારાં મરવા વાંકે જીવતાં હતાં. આ બધાંને કેમ કરીને પહોંચી વળવું? વોશિંગ્ટન બારીમાં ઊભા ઊભા અનિમેષ નજરે નિહાળી રહ્યા હતા. ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. રહીસહી આશા પણ હવે ધોવાઈ રહી હતી. આ વરસે કપાસનો પાક થોડોઘણો થયેલો, તેનુંયે આ વરસાદ નખ્ખોદ વાળી રહ્યો હતો. હાડચામ માંડ ભેગાં રાખતા પોતાના દરિદ્ર જાતભાઈઓ તેની આંખ સામે તરવરી રહ્યાં. ન સમજાય તેવો એક આછો કંપ તેના શરીરે અનુભવ્યો. વોશિંગટને નિશ્ચય કરી લીધો : બસ, લખવું તો ખરું જ. થોડા મહિના પહેલાનો એ પ્રસંગ તે યાદ કરતા હતા. પોતાનું એક વ્યાખ્યાન પૂરું થયા પછી કોઈ અજાણ્યો માણસ તેની પાસે આવેલો. પ્રેમપૂર્વક તેનો હાથ પોતાના હાથમાં લઈને એ બોલેલો : “સ્વાતંત્ર્યના સાચા અધિકારી એવા આ બીજા હબસી વિદ્વાન સાથે હાથ મિલાવતાં હું ગૌરવ અનુભવું છું.” આભારવશ બનીને વોશિંગ્ટને એટલું જ કહેલું કે “અમારાથી બનતું લગીરેક કરવા અમે મથીએ છીએ.” પેલો કહે, “ના, ના, બધા ક્યાં એટલું યે કરે છે? તમારા જેવો બીજો એક જ જણ મેં તો જોયો… જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર.” “કાર્વર! એ વળી કોણ છે?” “તે પણ હબસી છે. આયોવા રાજ્યની કોલેજમાં પ્રાધ્યાપક છે.” “આયોવાની કોલેજમાં વળી હબસી અધ્યાપક!” વોશિંગ્ટનના વિસ્મયનો પાર ન રહ્યો. “અરે, એ તો ભારે પ્રતિભાશાળી વ્યક્તિ છે-પાણામાંથી પાક લે તેવો!” કહેતો કહેતો એ સજ્જન શ્રોતાઓના ટોળામાં ગાયબ બન્યો હતો. પથરામાંથી ધાન પકવે તેવો! ઓહો! એવાની જ તો પોતાને જરૂર હતી-આ ધોવાઈ જતી ધરતીમાંથી સોનું નિપજાવનારની… પણ અહીં તો એ ક્યાંથી આવે? તપાસ આદરી. વધારે કાંઈ વિગતો ન મળી. જાણવા મળ્યું માત્ર એટલું કે એ નામની એક વ્યક્તિ આયોવા રાજ્યની કોલેજમાં છે ખરી. ત્યાંનું રોપઉછેર-ઘર તે જ સંભાળે છે. જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર! કોને ખબર, ક્યાંનો હશે એ! ઉત્તરનાં રાજ્યોમાં દયાળુ ગોરા શ્રીમંતોના આશ્રયથી જે અનેક ગુલામો આગળ વધ્યા હતા, તેમાંનો જ કોઈ ભાગ્યશાળી એ હશે? ને હોય તો તેને દક્ષિણની આ કંગાલિયત, આ દુખો, આ કારમી ગરીબીની તો કલ્પના જ ક્યાંથી હોય? કોઈકની શીતળ છાયા તળે ઊછરીને હવે એ પ્રતિષ્ઠિત હોદ્દો ભોગવી રહ્યો હશે. સારી એવી તેની આવક હશે. અહીં આ ઉજ્જડ ગામ અને રિબાતા લોકો વચ્ચે આવીને પોતાની શક્તિ નીચોવવાની પ્રેરણા તેને ક્યાંથી થાય?… અશક્ય! અશક્ય! પોતે ગમે તેટલું ઇચ્છે, તોયે એ તો અસંભવિત જ હતું. અને છતાં, આ રસકસહીન ધરતીમાંથી પાક લેવાની તાતી જરૂર હતી જ. પોતે તો તેમાંથી ઈંટો જ પકવી શક્યા હતા. અને રહીસહી એ માટી પણ ધોવાતી જતી હતી. હવે તો બધું અસહ્ય બન્યું હતું. તોપણ, એને થયું કે લખી તો જોવું જ. નિશ્ચય કરીને તે લખવા બેઠા. બધું વિગતે લખ્યું. ગુલામીનાબૂદીના પ્રભાતથી આરંભ કરીને હબસીઓના હાલ, કાળા લોકોની કંગાલિયત, એમનું અજ્ઞાન, એમને કેળવણી આપવાના સંસ્થા-સ્થાપકોના મનોરથ, પોતાની અણથક મથામણ, નિરાશાઓ-અને એ બધું છતાં કામની કેટલી બધી શક્યતા હતી… સર્વ કાંઈનો સ્પષ્ટ ચિતાર તેણે આપ્યો. છેલ્લે ઉમેર્યું : “હું તમને હોદ્દો, સંપત્તિ કે પ્રતિષ્ઠા-કાંઈ આપી શકું તેમ નથી. પહેલાં બે તો આજે તમને મળેલાં જ છે. ત્રીજું પણ ત્યાં રહ્યાં તમે સિદ્ધ કરી શકશો. એ બધું છોડવાનું કહેવા આજે હું તમને પત્ર લખી રહ્યો છું. અને બદલામાં અહીં તમને મળશે કામ, કામ, ને કામ. કેડ ભાંગી નાખે તેવું : અનંત વૈતરું-પણ કચડાયેલી, તરછોડાયેલી, ભાંગી પડેલી એક આખી પ્રજાને બેઠી કરવાનું મહાગૌરવપૂર્ણ કામ.

*

એ જ્યોર્જ કાર્વરને, બીજી ઘણી અરજીઓ આવેલી હોવા છતાં, આયોવા કોલેજમાં પસંદગી મળેલી હતી. આચાર્ય પમેલ નીચે તેણે પ્રયોગશાળામાં મદદનીશ વનસ્પતિશાસ્ત્રી તરીકે કામ કરવાનું હતું. સંસ્થાનું રોપ-ઉછેર-ઘર પણ તેને સોંપાયું હતું. કુદરતનું એકેએક અંગ જ્યોર્જને મન પ્રેમનો વિષય હતું. નાનામાં નાનાં જીવજંતુ, પ્રાણીપક્ષી, વનસ્પતિ, બધાં તેનાં જિગરજાન દોસ્ત હતાં. નાનાં બાળકોને તો કાર્વરની સોબત બહુ ગમતી. દિવસે દિવસે કાર્વરની પ્રતિષ્ઠા વધતી જતી હતી. થોડા વખત પછી એક આમંત્રણ આવ્યું રાજ્યનું ખેતીવાડી ખાતું સંભાળવાનું. કાર્વરે સંસ્થા પાસે વાત મૂકી. બધા ઉપરી અધિકારીઓએ તેને સરસ પ્રમાણપત્રો લખી આપ્યાં. પણ પ્રો. વિલ્સન માટે કાર્વરથી છૂટા પડવું બહુ આકરું હતું. તેની સૌથી નિકટ તે રહ્યા હતા. સરકાર પરના પત્રમાં તેમણે લખ્યું : “કાર્વરની તનતોડ મહેનત જોઈને મારી છાતી ગજગજ ફૂલે છે. સંકરણ અને સંવર્ધનના કામમાં તેના જેવો કાબેલ બીજો જાણકાર મેં જોયો નથી. તેના પોતાના રસના વિષયમાં તો તે અહીંના અધ્યાપકો કરતાં પણ આગળ છે. સંસ્થાની ફળવાડી, ખેતર અને બગીચા પાછળ તેની અથાક મહેનત અને ધગશ રહેલાં છે. આ બાબતમાં તેની બરોબરી કરે તેવું અહીં કોઈ નથી. વિદ્યાર્થીઓ પર તેના જેવો ધામિર્ક પ્રભાવ પાડનાર માણસ મળવો મુશ્કેલ છે. અહીંથી છૂટી થયેલી કોઈ પણ વ્યક્તિ માટે આટલા લાગણીભર્યા શબ્દો મારે મોઢેથી નહીં નીકળ્યા હોય. છૂટા પડવાનું નક્કી થશે જ, તો તેને દૈવયોગ ગણીશ.” પછી આ બંને મિત્રોનો વિયોગ તો અનિવાર્ય બન્યો. પરંતુ ધાર્યા કરતાં સાવ જુદી રીતે.

*

જ્યોર્જ પ્રયોગશાળામાં પોતાના કામમાં હતા. ત્યાં ટપાલમાં તેને એક પત્ર મળ્યો. તે આખો પત્ર તે એકીટશે વાંચી ગયા. પછી એક શબ્દ પણ બોલ્યા વગર બહાર નીકળી ગયા. રસ્તે અનેક લોકોએ રોજની જેમ તેને સલામ ભરી. પણ તે ઝીલવા જેટલું સ્વસ્થ તેનું ચિત્ત આજે રહ્યું ન હતું. ગામની સીમમાં આવીને નદીકિનારે એક ઝાડની ઓથે તે બેસી ગયા. પત્ર ખીસામાંથી કાઢ્યો અને ધીમે ધીમે તે ફરી વાંચવા લાગ્યા : “ઉઘાડે પગે માઈલોની વાટ ખૂંદીને બાળકો અહીં આવે છે-નાગાં, અધભૂખ્યાં, દૂબળાં-પાતળાં. એમની કંગાલિયતની તમને કદાચ કલ્પના નહીં આવે.” ઘડીભર જ્યોર્જે પત્ર પરથી નજર ખેસવી લીધી અને ખળખળ વહેતા ઝરણા તરફ વાળી… “આ બધાંને ખેડતાં, વાવતાં કે લણતાં, કંઈ નથી આવડતું. હું તેમને વાંચતાં-લખતાં શીખવું છું, જોડા સીવતાં ને ઈંટો પાડતાં શીખવું છું, પણ હું તેમને પેટપૂરતું ખાવાનું આપી શકતો નથી. અને તેઓ ભૂખે મરે છે.” છેલ્લો ફકરો જ્યોર્જે ફરી ફરી વાગોળ્યો : “ધન, પ્રતિષ્ઠા અને મોભો છોડીને અહીં કાળી મજૂરી કરવા આવવાનું આમંત્રણ હું તમને આપું છું-કચડાયેલી, તરછોડાયેલી, ભાંગી પડેલી એક પ્રજાને બેઠી કરવા.” પોતાની નોંધપોથીમાંથી એક ચબરખી ફાડીને જ્યોર્જે તેની પર ત્રણ શબ્દો ઢસડી કાઢ્યા. નીચે પોતાનું નામ લખ્યું. ગામની પોસ્ટઓફિસે જઈ એક પરબીડિયું ખરીદ્યું. બુકર ટી. વોશિંગ્ટન, ટસ્કેજી-એટલું સરનામું કરી, પેલી ચબરખી તેમાં બીડી રવાના કર્યું. એ પત્ર ટસ્કેજીમાં બુકર ટી. વોશિંગ્ટનને મળ્યો. તેમાં માત્ર આટલું જ લખ્યું હતું : “હું આવું છું.” નીચે સહી હતી : જી. ડબ્લ્યુ. કાર્વર. બીજું કંઈ જ નહીં. [‘જયોર્જ વોશિંગ્ટન કાર્વર’ પુસ્તક]