સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહમ્મદ માંકડ/નિભાવી લેવામાં જ મજા છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એબ્રહામ લિંકન વકીલ હતા, છતાં કેટલીક બાબતોમાં સામાન્ય વકીલ કરતાં સાવ જુદા પ્રકારના હતા. ગમે તેટલા પૈસા મળે તો પણ ખોટો કેસ એ ક્યારેય લડતા નહિ એ તો ઠીક, પણ મોટા ભાગે પોતાની ફી જતી કરીને પણ વિરોધીઓ વચ્ચે સમાધાન કરાવી આપતા. કોર્ટકેસો લડીને જ તેમને જીવવાનું હતું, છતાં તેમની કરુણા અપાર હતી અને પોતાના સ્વાર્થને જતો કરીને પણ માણસ માણસ વચ્ચે સુમેળ કરી આપવામાં જ પોતાની શક્તિ એ ખર્ચતા. એક વાર પોતાના ઘોડા ઉપર કાયદાનાં પુસ્તકો લાદીને એ એક ગામથી બીજે ગામ જતા હતા. રસ્તામાં એમને એક ખેડૂત મળ્યો. “હલ્લો, અંકલ ટોમી,” લિંકને ખેડૂતને સલામ કરી, “મજામાં છો ને?” “અરે, એબ લિંકન, હું તારી પાસે જ આવતો હતો. આ રીતે તું અચાનક મળી ગયો એટલે બહુ આનંદ થયો. કોર્ટમાં આપણે એક કેસ કરવાનો છે.” “કઈ બાબતમાં?” લિંકને પૂછ્યું. “જોને ભાઈ, જીમ એડમ્સની જમીન અને મારી જમીન બાજુ બાજુમાં છે. હમણાં હમણાં એ મને બહુ હેરાન કરે છે. મેં નક્કી કર્યું છે કે ગમે તે ખર્ચ થાય, પણ એને તો દેખાડી જ દેવું! કોર્ટમાં કેસ કર્યા વિના છૂટકો નથી.” “અંકલ ટોમી,” લિંકને કહ્યું, “આજ સુધી તમારે અને જીમને ક્યારેય કોઈ મોટો ઝઘડો થયો નથી, બરાબર ને?” “બરાબર.” “આમ તો એ સારો પાડોશી છે, બરાબર ને?” “સારો તો નહિ, પણ ઠીક.” “છતાં વર્ષોથી તમે એકબીજાના પાડોશી તરીકે જીવો છો, એ તો સાચું ને?” “પંદરેક વર્ષથી.” “પંદર વર્ષમાં ઘણા સારામાઠા પ્રસંગો આવ્યા હશે, અને એકબીજાને મદદરૂપ પણ બન્યા હશો, બરાબર ને?” “એમ કહી શકાય ખરું.” “અંકલ ટોમી,” લિંકને કહ્યું, “મારો આ ઘોડો બહુ સારી જાતનો તો નથી જ અને એનાથી સારો ઘોડો કદાચ હું લઈ પણ શકું, પરંતુ આ ઘોડાની ખાસિયતો હું જાણું છું. તેનામાં જે કાંઈ ખામીઓ છે તેનાથી હું પરિચિત છું અને મારું કામ ચાલે છે. જો હું બીજો ઘોડો લઉં તો અમુક રીતે તે આના કરતાં સારો પણ હોય, પણ તેનામાં વળી બીજી કેટલીક ખામીઓ હોય, કારણ કે દરેક ઘોડામાં કાંઈક ને કાંઈક ખામી તો હોય જ છે. એટલે મને તો એમ લાગે છે કે, આ ઘોડા સાથે મારે નિભાવી રાખવું એમાં જ ઘોડાનું અને મારું બંનેનું ભલું છે.” લિંકનની વાત સાંભળીને ખેડૂતે માથું હલાવ્યું : “તારી વાત બરાબર છે, એબ, તારી વાત સાવ સાચી છે. જીમ એડમ્સ સાથે નિભાવી લેવું એમાં જ એનું અને મારું બંનેનું ભલું છે.” જિંદગીમાં એકબીજા સાથે જીવતાં જીવતાં આપણે બધાં જ અકળાઈ જઈએ છીએ. માણસને પણ શાહુડી જેવા કાંટા હોય છે. એકબીજાની બહુ નજીક જઈએ ત્યારે તે વાગે છે. જે માણસો આપણી નજીક હોય તેની ખામીઓ આપણને દેખાય છે અને તેમનો કાંટો વાગે ત્યારે આપણે અકળાઈ જઈએ છીએ. પણ, લિંકન કહે છે તેમ, દરેક ઘોડામાં કાંઈક ને કાંઈક ખામી તો હોય જ છે — અને એવું જ માણસોનું છે. એટલે એ ખામીઓ સ્વીકારીને જ જીવવામાં મજા છે. મિત્રોને, સ્નેહીઓને, સગાંવહાલાંને, પતિને, પત્નીને આપણે આપણા જેવાં બનાવવા પ્રયત્ન કરીએ છીએ; પરંતુ એ તો ક્યારેય શક્ય જ નથી હોતું. એના બદલે જો આપણે જ તેમને થોડા અનુકૂળ બનીએ તો જિંદગી વધુ સરળતાથી ચાલે છે. લીમડો કડવો કેમ છે, તેનો અફસોસ કરવાને બદલે તેની કડવાશને સ્વીકારીને તેના જે કાંઈ લાભ મળી શકે તે લેવામાં જ ડહાપણ રહેલું છે. અને માણસો વિશે બીજી સમજવા જેવી વાત એ છે કે, એક જ વ્યક્તિ કોઈ એક રૂપે બરાબર ન હોય પણ બીજા રૂપે તે ખૂબ જ સારી પણ હોય છે. કોઈ વ્યક્તિ સગા તરીકે બરાબર ન હોય પણ મિત્રા તરીકે દિલોજાન હોય, પત્ની તરીકે કજિયાખોર હોય પણ બહેનપણી તરીકે પ્રેમાળ હોય, પાડોશી તરીકે કજિયાખોર હોય પણ સમાજમાં સેવાભાવી હોય, ભાગીદાર તરીકે લુચ્ચી હોય પણ પાડોશી તરીકે પરગજુ હોય — આમ કોઈ એક સ્વરૂપે અયોગ્ય લાગતી વ્યક્તિ બીજા સ્વરૂપે ઘણી ઉમદા હોય છે. કોઈના વિશેના આપણા અભિપ્રાયો પકડી રાખીને જીવવાને બદલે સહેજ તટસ્થ બનીને વિચાર કરીએ, તો બીજા માણસો આપણને એટલા ખામીવાળા ન લાગે. દલપતરામનું પેલું કાવ્ય ‘ઊંટ કહે આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડાં ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે!’ એમાં ઊંટની કોઈ વાત ખોટી નથી. કોઈની ચાંચ, કોઈની ડોક, કોઈના નખ, કોઈની પૂંછડી, કોઈ ને કોઈ અંગ દરેકનું વાંકું જ હોય છે. પણ એ વાંકાં અંગવાળાં પશુપક્ષીઓ સાથે આપણે જીવવાનું હોય છે. એમાં કોઈ ફેરફાર આપણે કરી શકતા નથી. જે કાંઈ હોય એને સ્વીકારીને જીવતાં શીખીએ.